° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૨૯

16 December, 2012 07:24 AM IST |

લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૨૯

લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૨૯


વર્ષા અડાલજા

ધીરુભાઈ હજી ફોનને તાકી રહ્યા હતા. જે સાંભળ્યું એ શું સાચું હતું? તરુણનો સહેજ કંપી ઊઠેલો, ડરી ગયેલો સ્વર: પ્રિયા, ફોન તો નહીં જ કરતી; પ્લીઝ, પપ્પા-મમ્મીને કંઈ કહેતી નહીં.

તેમને શું નહોતું કહેવાનું? અને તરુણ આટલો ભયભીત! થોડા દિવસ તે નહીં મળે એનો અર્થ એ કે તે ભાગી રહ્યો છે? કોનાથી? શું કામ? છાતીમાં પીડા લબકારા લેવા લાગી. બિઝનેસ પાર્ટનર સાથે ઝઘડો... ના, ખૂન... તેમના ગળામાંથી આછી ચીસ નીકળી ગઈ. શરીર ઝોલો ખાઈ ગયું. ફોન જોરથી ફંગોળાઈ ગયો. સાવિત્રીબહેન અને પ્રિયાએ તેમને પકડી લીધા અને સોફામાં બેસાડ્યા. સાવિત્રીબહેન ગભરાઈ ગયાં અને બોલ્યાં, ‘પ્રિયા, જલદી પાણી લાવ તો! કોનો ફોન હતો? કંઈ માઠા સમાચાર છે? તમે બોલતા કેમ નથી?’

પ્રિયા પાણી લઈ આવી. થોડું પાણી પીધું. છાતીમાં હાંફ થોડી શમી. કશુંક બન્યું હતું અને તેમણે સ્વસ્થ રહેવું બહુ જરૂરી હતું. પ્રિયાએ નીચેથી ફોન લેતાં જ એના પાર્ટ્સ છૂટા પડી ગયા.

‘પ્રિયા, તું તરુણ વિશે શું જાણે છે જે તારે અમને કહેવાનું નથી? તે ગભરાયેલો હતો. હમણાં આપણને મળવાનો પણ નથી.’

પ્રિયા ચમકી ગઈ. તો એ ફોન તરુણનો હતો! સાવિત્રીબહેનને ફાળ પડી.

‘હેં પ્રિયા! શી વાત છે?’

પ્રિયાના મનમાં ઊગી ગયું : હવે સમય થઈ ગયો છે. પપ્પા-મમ્મી પાસે તરુણનું રહસ્ય ઉજાગર કરવું જોઈએ. વાત હજી કદાચ છાવરી શકાય. પણ ના, તે એવું નહીં કરે. તો-તો તેનાં ભાઈ-બહેનની જેમ તેણે પણ માતા-પિતાના વિશ્વાસનો દ્રોહ જ કર્યો કહેવાય. તેના મનમાં ચાલતી અવઢવનો આમ ઉકેલ આપોઆપ આવી જશે એવું ધાર્યું નહોતું. જેટલું જાણે છે એ બધું કહી દેશે.

પ્રિયાએ પિતાના ઠંડા પડી ગયેલા હાથને કોમળતાથી પસવાર્યો અને બાજુમાં બેસી પડી. સાવિત્રીબહેને અધીરતાથી કહ્યું, ‘તું કંઈ બોલીશ હવે?’

‘હા, તમને લોકોને હું કહીશ જે જાણું છું એ બધું જ.’

અને પ્રિયાએ કાજલને મળ્યાંની વાત સિવાય તરુણનો દારૂની સપ્લાયનો બિઝનેસ; અહીં, આ ડ્રૉઇંગરૂમમાં તરુણ સાથે કરેલી દલીલો; એના જવાબો બધું કહ્યું. ખૂબ દુ:ખ થતું હતું અને શાંતિ પણ. જાણે તેની અંદર પુરાયેલું કોઈ જાનવર તીણા નહોર ભરાવતું હતું એ આજે પિંજર ખોલીને નીકળી ગયું હતું. પ્રિયા છાતી પર ચહેરો ઢાળી બેસી રહી. તરુણના અપરાધ માટે પોતે આરોપીના કઠેડામાં ઊભી હોય એમ તે વ્યથિત થઈ ગઈ હતી. આ તે કેવો વિધાતાનો અન્યાય હતો! પહેલાં કાજલ અને હવે તરુણ. તેમણે કરેલી ભૂલો કે અપરાધનો બોજ શા માટે ઈશ્વરે તેના ખભે મૂક્યો હતો?

પણ અત્યારે સ્વસ્થ રહેવાનું હતું. પપ્પા-મમ્મીને સંભાળવાનાં હતાં, હંમેશની જેમ. કાજલ મરડાટમાં કહેતી, તે આ ઘરની ચોકીદાર હતીને!

ભમરડો જોર-જોરથી ફરે અને પછી ધીમો પડી ઢળી પડે એમ તેમની આસપાસની દુનિયા જોર-જોરથી ઘૂમી રહી હતી. ધીમે-ધીમે એ થંભી ગઈ. ધીરુભાઈ સ્તબ્ધ બેસી રહ્યા હતા. પત્નીનો હાથ જોરથી પકડી રાખ્યો હતો. મા-બાપને સુખી કરવા પુત્રે જે અપરાધ કર્યો હતો તેથી તે ક્ષમાને પાત્ર હતો? નહોતો?

તેમણે પત્ની સામે જોયું. સાવિત્રીબહેન ચોધાર આંસુએ રડી રહ્યાં હતાં. કાજલે જે કર્યું એના માટે તેમણે પત્નીને દોષી ઠરાવી હતી. આજે તરુણે જે કર્યું હતું એના માટે તે પોતે દોષી નહોતા? પોતે માન્યું હતું કે નાનીસરખી નોકરી અને સાધારણ જિંદગીથી તે ખુશ નહોતા, ન કુટુંબને સુખ નામનો અલભ્ય પદાર્થ આપી શક્યા હતા. કદાચ તેમના સુખની વ્યાખ્યા જ ખોટી નહોતી! ભૌતિક સાધન-સંપત્તિને તે સુખ માની બેઠા હતા.

ખરેખર જો એવું હોત તો આજે એક મધ્યમવર્ગી પિતા સુખના સિંહાસને બેઠો હોત. તો પછી હૈયામાં અત્યારે આટલો સંતાપ શું કામ? સાવિત્રીની આંખોમાં આટલાં આંસુનાં પૂર ઊમટે છે શું કામ?

ધીરુભાઈએ ડોકુ ધુણાવ્યું. નથી સમજાતું આ ગણિત. નથી સમજાતાં સુખ-દુ:ખનાં સરવાળા-બાદબાકી. તેમના હૈયાનો વલોપાત તરુણ સમજ્યો હતો અને એટલે જ માતા-પિતાને આ કહેવાતું સુખ આપવા આ રસ્તે તે નીકળી પડ્યો હતો.

તો આ અપરાધ તેમનો હતોને?

ધીરુભાઈએ બે હાથમાં માથું ભીંસી લીધું. વિચારોને બંધ કરવા કોઈ રિમોટની શોધ થઈ હોત તો!

સાવિત્રીબહેને પતિના હાથ પકડી લીધા. ભરાયેલા કંઠે બોલ્યાં, ‘આ મારો વાંક છે. કશી મૂડી કે વગ વગર તરુણે બિઝનેસની વાત કરી ત્યારે જ મારે...’

ધીરુભાઈએ પત્નીનો હાથ છાતીએ ચાંપ્યો.

‘ના સાવિત્રી, ઈશ્વર તો સૌના ખોબામાં સમાય એટલું જ આપે છે, પણ આપણી વાસનાઓ એટલીબધી હોય છે કે એટલા ચાંગળું જળથી તરસ છીપતી નથી.’

સાવિત્રીબહેનનું રુદન હજી

શમ્યું નહોતું. તેમણે રોષથી કહ્યું, ‘તો શું જે મળ્યું એમાં સંતોષ માનીને બેસી રહેવાનું?’

‘ના સાવિત્રી. હું ફિલોસૉફર તો નથી, પણ એટલું તો સમજ્યો કે વરદાન તો તપર્યા પછી જ મળે છે. ખેડૂતને વાવણી કરતાં જ ઊભો મોલ નથી મળી જતોને! સપનાં જોવાનો, સાકાર કરવાનો અધિકાર તરુણને છે; પણ જે રસ્તે તે ગયો એ રસ્તો ખોટો છે એ સત્ય આજે તેને આપોઆપ સમજાઈ ગયું હશે.’

સાવિત્રીબહેન પતિના ખભે માથું ઢાળી રડી પડ્યાં. ધીરુભાઈ તેમની પીઠ પસવારતા રહ્યા. પ્રિયા ત્યાંથી ઊઠી ગઈ.

કાજલ ચાલી ગઈ ત્યારનું માતા-પિતાનું દૃશ્ય તેને યાદ આવી ગયું. કાજલ જે રીતે ચાલી ગઈ એ પછી તરુણે કેટકેટલી આશાઓ બંધાવી હતી! પપ્પા-મમ્મી તો તેના પર ઓવારી ગયાં હતાં અને એટલે જ કદાચ તરુણનો આ ઘા સોંસરવો હતો.

પ્રિયાએ તૂટી ગયેલા મોબાઇલમાંથી સિમ-કાર્ડ લઈ લીધું. તે પર્સ લઈ નવો મોબાઇલ લેવા માટે ઘરની બહાર નીકળી ગઈ. ઝડપથી દાદર ઊતરી બગીચામાં દૂરની એક બેન્ચ પર બેસી પડી. ઊતરતી સાંજે બાળકો રમવા ઊતરી પડ્યાં હતાં. તે, તરુણ અને કાજલ આમ જ રમતાં હતાં.

આ શું થઈ ગયું હતું? સંતાકૂકડી રમતાં કાજલ એવી છુપાઈ ગઈ હતી કે હવે તેને શોધી શકાવાની નથી અને તરુણ? ક્યાં હશે? કેવી સ્થિતિમાં હશે? શું તે પણ કાજલની જેમ...

પ્રિયાની આંખો છલકાઈ ગઈ.

€ € €

સુસ્મિતાબહેનના સેલફોનની રિંગ વાગતી રહી.

બે મિસ્ડ કૉલ. કાજલે ફરી ફટ-ફટ નંબર દબાવ્યા. શા માટે તેનો ફોન ન લે કરણની મમ્મી? ફોન રિસીવ કરવો પડશે અને તેની સાથે વાત પણ કરવી જ પડશે. શું કામ નહીં? તે કોઈ છેક સામાન્ય છોકરી છે કે મહારાણી તેની સાથે વાત પણ ન કરે?

ફરી મિસ્ડ કૉલ. કાજલનું માથું ઠનક્યું. મોબાઇલ હાથમાં રાખીને તેણે ઘરમાં થોડાં ચક્કર માયાર઼્. શું સમજતી હશે તેના મનમાં? તેને લગ્નમાં જવું છે એટલે બસ જવું છે. સાસુમા પણ તેમની ભાવિ પુત્રવધૂને ભલે મહેમાન તરીકે, મળી તો લે. તે કરણનું કામ આસાન કરી રહી હતી, નહીં તો કરણ મા સામે જલદી મોં ખોલે એ વાતમાં હવે તેને શંકા થતી હતી.

અચાનક જ સ્વર સંભળાયો, ‘હલો, હૂ ઇઝ ધિસ?’

કાજલ સાવધ થઈ ગઈ. હૃદયના ધબકારા થોડા વધી ગયા. તે ભૂલ તો નથી કરી રહીને! બાજી બગડશે કે પછી પોબાર? તેમને દીકરો વહાલો હતો અને દીકરાને જે વહાલી હોય તેને શું કામ અવગણે, મા થઈને?

‘અરે ભઈ, કૌન હૈ?’

તીક્ષ્ણ સ્વરની ધાર વાગી હોય એમ કાજલ ભાનમાં આવી. ફોન કટ કરવાની છેલ્લી ક્ષણ હતી.

કાજલ ઉતાવળે બોલી, ‘હલો! આપ સુસ્મિતાબહેન બોલો છો?’

‘યસ, તમે કોણ છો? આ મારો પર્સનલ નંબર તમને કોણે આપ્યો?’

આ સ્ત્રીને જીતવાની હતી, એ પણ મળ્યાં વિના.

કાજલે મીઠાશથી કહ્યું, ‘જી, મારું નામ કાજોલ, આન્ટી.’

પોતાની ચોકી કરતી હોય એમ તે સ્ત્રી સભાન બની ગઈ. અવાજ થોડો કઠોર બન્યો.

‘કોણ કાજોલ? લુક, હું ખૂબ બિઝી છું અને આમ ફોન પર વાતો કરવાનો મને સમય નથી. જલદી બોલો, શું કામ છે?’

‘જી, મારે નિવેદિતાજીનાં

લગ્નમાં આવવું છે, મને ઇન્વિટેશન આપશો તો...’

અવાજ ભડકી ગયો, ‘હૂ ધ હેલ આર યુ? ગજબ છે તું! આમ સીધી ગળે પડે છે?’

કાજલ સહમી ગઈ. કરણની મમ્મી તેને છેક જ ઉતારી પાડશે એની કલ્પના નહોતી. પોતે નામ કહી દીધેલું, હવે ફોન કટ કરી દઈ શકાય એમ નથી.

‘પ્લીઝ આન્ટી...’

‘હું તારી આન્ટી નથી. સ્ટૉપ ધ નૉનસેન્સ.’

‘ભલે. પ્લીઝ સુસ્મિતાબહેન, મારી વાત સાંભળો. હું કોઈ ગળેપડુ છોકરી નથી. આપના બિલ્ડિંગના પ્રોજેક્ટ માટે હું મૉડલિંગ કરું છું. નિવેદિતાજીનાં લગ્નની વાતો વાંચી મને ત્યાં આવવાની હોંશ છે.’

અવાજ રીતસર ઘૂરક્યો, ‘કમાલ છે! તારી હોંશ માટે મં શું લગ્ન લીધાં છે? અને નફ્ફટાઈ તો જો! મારી કંપનીની ઍડ કરી એમાં આટલી ચડી વાગી કે આન્ટી કરતી પાછળ પડી? ખબરદાર જો હવે ફોન કર્યો છે તો અને સાંભળ...’

સામે છેડેથી એકસરખો અવાજ આવતો હતો. વમળના પાણીની જેમ એ ઘૂમરાતો હતો. કાજલ એમાં ફંગોળાતી હતી. પોતે બદતમીઝ અને ગળેપડુ? વૉટ ધ હેલ!

‘ના, તમે સાંભળો આન્ટી. હું નફ્ફટ પણ નથી અને ગળેપડુ પણ નથી. મં તો નમ્રતાથી તમારી પાસેથી સામેથી આમંત્રણ માગ્યું, કારણ કે...’ કાજલે ઉતાવળે કહી નાખ્યું, ‘હું કરણની ગર્લફ્રેન્ડ છું.’

ચુપકીદી. એક શબ્દ નહીં. કાજલને ખડખડાટ હસી પડવાનું મન થયું : સુસ્મિતાબહેન... એક ચાલ તમારી, એક મારી; જોઈએ કોણ જીતે છે! પાસા નાખી દીધા હતા.

સામે છેડેથી જરા કંપીને સ્વસ્થ થતો અવાજ આવ્યો, ‘મને હમણાં જ મળને! તને ઇન્વિટેશન ચોક્કસ આપીશ, બસ! ક્યાં રહે છે? કાર મોકલું છું.’

બરાબર એક કલાક પછી બ્લૅક મર્સિડીઝ જે. ડબ્લ્યુ. મૅરિયટમાં દાખલ થઈ. અટેન્ડન્ટે દરવાજો ખોલ્યો,

કાજલ ઊતરી. ઝડપથી તૈયાર થઈ હતી છતાં મેક-અપ, વાળ, ડ્રેસ બધું જ કાળજીપૂર્વકનું હતું. પર્સ, શૂઝ, વૉચ કીમતી બ્રૅન્ડનાં હતાં. પગથિયાં ચડતાં બ્લુ સાડીમાં સજ્જ એક યુવતી સામેથી આવી.

‘વેલકમ, હું તેમની સેક્રેટરી છું. તમે જ કાજોલને! મૅમ તમારી રાહ જુએ છે.’

તે ઝડપથી ચાલતી લિફ્ટ પાસે ગઈ. કાજલ તેની સાથે થઈ ગઈ. લિફ્ટ અટકી. લાંબો કૉરિડોર વટાવી એક દરવાજા પાસે આવીને તેણે ટકોરા માર્યા. ‘કમ ઇન’ સંભળાતાં તેણે દરવાજો ખોલ્યો અને ચાલી ગઈ.

ખુલ્લા દરવાજામાં કાજલ ખચકાઈ ગઈ. અહીં સુધી તો તે પહોંચી ગઈ હતી. હવે બસ, થોડાં ડગલાં અને પછી નવા જીવનની એક લાંબી આહ્લાદક સફર શરૂ થવાની હતી, નક્કી.

‘ત્યાં કેમ ઊભી છે? અંદર આવ.’

રૂમને છેડે બારી પાસે એક સ્ત્રી પીઠ ફેરવીને ઊભી હતી. કાજલ અંદર આવતાં જ તે ફરી. ધીમે પગલે ચાલતી કાજલની સામે આવીને ઊભી રહી. રંગોના નિખારવાળી શિફોનની સાડી કદાચ સત્યા પૉલના બુટિકની હતી. આછી સોનેરી ઝાંયવાળી ગૌર ત્વચામાં માંજરી આંખો સંમોહક હતી. હેરસ્ટાઇલથી લઈ શૂઝ સુધી બધું જ ખાસ પસંદ કરેલું, તેના વ્યક્તિત્વને ઉઠાવ આપે એવું. શ્રીમંતાઈ કે અભિમાનનો અંચળો ઓઢવાની તેને જરૂર નહોતી, તેના વ્યક્તિત્વનો અંશ જ હતાં. તે જ્યાં પગ મૂકે ત્યાં માન મુકાવે એવું કશુંક આ સ્ત્રીમાં હતું. પર્સનાલિટી ડેવલપમેન્ટના ર્કોસમાં બૉડી-લૅન્ગ્વેજ, ઑરા, કમાન્ડિંગ પ્રેઝન્સ... એ બધા અંગ્રેજી શબ્દો શીખી હતી એનો અર્થ કાજોલને અત્યારે સમજાતો હતો.

તે ટટ્ટાર થઈ ગઈ. તે સ્ત્રી તેને જોઈ રહી હતી, કદાચ માપી રહી હતી.

‘તો તું છે કાજલ, એટલે કે કાજોલ. બરાબર?’

‘અ... હા આન્ટી, સૉરી... સુસ્મિતાબહેન.’

તે ધીમું હસી.

‘ધૅટ્સ બેટર. અને તારે નિવેદિતાનાં લગ્નનું ઇન્વિટેશન જોઈએ છે, ખરું?’

‘જી મૅમ, મેં તમારી ઍડમાં કામ કર્યું છે.’

‘એમ તો અમારા બિઝનેસમાં ઘણા લોકો કામ કરે છે. હું કોઈને આમંત્રણ નથી આપવાની. હા, તેમના માટે મેં એક થ્રી-સ્ટાર હોટેલમાં જુદી પાર્ટી રાખી છે. એમાં અમારા બધા વર્કર્સ, ડ્રાઇવરથી લઈને ઑફિસર્સ પણ આવશે. બિચારા એ લોકોએ આવી રેસ્ટોરાંમાં ડિનર ક્યારે લીધું હોય! ઇફ યુ વિશ તો તને એક નહીં, ત્રણ-ચાર કાર્ડ આપું. ઓકે વિથ યુ? તારા ફૅમિલી-મેમ્બર્સને પણ લઈ જજે.’

આ ઉઘાડા અપમાનથી કાજલ સળગી ગઈ.

‘નો સૉરી, ઇટ ઇઝ નૉટ ઓકે વિથ મી.’

‘એમ? પણ કાજલ, અચ્છા કાજોલ... તું પણ મારી કંપનીમાં કામ કરે છે. જસ્ટ ઍન એમ્પ્લૉઈ. નોકર શબ્દ નથી વાપરતી. પહેલાં પણ કામ કરી ગયેલી મૉડલ્સનાં નામ ગેસ્ટ-લિસ્ટમાં છે.’

હવે હદ થતી હતી. હજી બેસવાનું પણ આ સ્ત્રી નહોતી કહેતી. તે શું નોકરો સાથે પાર્ટીમાં જાય? શું સમજે છે તેના મનમાં!

‘તમે કેવી વાત કરો છો? શું હું માત્ર એમ્પ્લૉઈ છું? એજન્સીની સાધારણ મૉડલ? મને કરણે ખાસ પસંદ કરી ફોટોશૂટ કરાવ્યું...’

‘પૂરા એક લાખ રૂપિયા. ગૌતમે તારો પોર્ટફોલિયો બનાવ્યો છે. કાજલ... સૉરી, તને કાજોલ તરીકે ઓળખાવું પસંદ છે. નામની પાછળ પિતા ધીરુભાઈનું નામ પણ નહીં, બરાબર!’

કાજલ ચમકી ગઈ. એ ચમક સુસ્મિતાએ અનુભવી. તેની માંજરી આંખોમાં એક તિખારો ઝબકી ગયો. પહેલી જ ચાલે પ્રતિસ્પર્ધી માત થાય અને હોઠ હસી ઊઠે એમ સુસ્મિતા મલકી.

‘તને એમ છે કે હું તને ઓળખતી નથી? હાઉ સ્ટુપિડ ઑફ યુ! કરણ અને મારા પતિના જીવનમાં શું બને છે એની ઝીણી-ઝીણી વિગતો પણ જાણું છું કાજોલ. હા, તે બન્નેને ખબર નથી એ વાત અલગ છે.’

શાંત હવામાનમાં દરિયાનાં મોજાં પર સવાર થઈ નીકળી પડેલી હોડી અચાનક મોસમની રૂખ પલટાય અને પ્રબળ વેગથી ઊછળતાં મોજાંમાં ફંગોળાઈ જાય એમ કાજલનું મન ઉપરતળે થઈ ગયું. શું કહી રહી હતી આ સ્ત્રી? પોતાની અંદર જે વાત પેટમાં પાંગરતા ગર્ભની જેમ ગોપિત હતી એ સઘળું તે જાણે છે એ વાત કેટલી સહજતાથી કહી રહી છે! ઓહ ગૉડ! તે શું-શું જાણતી હશે?’

સુસ્મિતાની નજર કાજલને વાંચતી હોય એમ તે બોલી રહી હતી.

‘હા, હું બધું જાણું છું. તમે કૅફે કૉફી ડેમાં મળતાં. મારો દીકરો તને સ્કૂટર પર હવાની પાંખે ઉડાવતો. મારી લક્ઝરી કાર્સમાં તં સફર કરી છે. બરાબર કહી રહી છુંને કાજોલ?’

‘જો’ શબ્દ પર વજન મૂકતાં તે હસી.

‘તારી જિમની ફી, શૉપિંગનો ખર્ચ; અરે હા, તને જે કાર આપવાનો છે એનો રંગ મને ખબર નથી. વેરી સૅડ, નો?’

કાજલનો ચહેરો ઝાંખો પડી ગયો. શરીરમાંથી ટીપે-ટીપે શક્તિ વહી રહી હોય એમ પગ ધ્રૂજી ઊઠ્યાં. તે સામે આવીને ઊભી રહેલી સ્ત્રીને જોઈ રહી.

સુસ્મિતા ગરદનને મરોડ આપતી હસી પડી. હીરાની બુટ્ટી ઝબૂકી ઊઠી. સાડીનો પાલવ ઠીક કરતાં છાતી પર ઝૂલતા હીરાના પેન્ડન્ટનો ચમકાર દઝાડતો હોય એમ કાજલ અભાનપણે પાછી હટી ગઈ. તે અદબ વાળી રમૂજ અનુભવતી હોય એમ કાજલને જોતી રહી.

‘કાજોલ, આ રમતની હું અનુભવી ખેલાડી છું. તું કહે તો તારી પાછળ ખર્ચેલા રૂપિયા-આના-પાઈના હિસાબનો છેલ્લો આંકડો પલકમાં કહી શકું. અરે હા! કેવો છે મારો બાંદરાનો અપાર્ટમેન્ટ? ગમ્યો? વૉટ અ સી-વ્યુ! પતિ પાસેથી પરાણે લીધેલી ગિફ્ટ. આમ બાઘી કેમ બની ગઈ? સાવ મૂરખ છે તું.’

કાજલ હવે આ સ્ત્રીથી ડરી ગઈ હતી. તેની પાસે ભાથામાં ઘણાં તીર હતાં અને પોતે હતી છેક શસ્ત્રહીન, અસહાય. હા, તે મૂરખ હતી; પણ એટલું તો સમજાઈ ચૂક્યું હતું કે આ સ્ત્રીના કબજામાંથી કરણને છોડાવવો એ આકાશમાંથી ચાંદ ઉતારી લેવા જેવું દુષ્કર હતું.

કાજલને ડરાવતી હોય એમ તેની માંજરી આંખોમાં હિંસક ચમક આવી ગઈ.

‘એય છોકરી! તને એમ કે તું કરણની ગર્લફ્રેન્ડ છે એમ કહીને મને બ્લૅકમેઇલ કરવા માગતી હતી! મારે મન મારા દીકરાને જરી વાર રમવા દેવાનું તું રમકડું માત્ર છે અને જંતુની જેમ મારી શૂઝની હાઈ હીલ્સ નીચે... યુ નો વૉટ આઇ મીન! અરે ઇડિયટ, લગ્નના ઇન્વિટેશનની જાળ નાખીને મેં તને બોલાવી છે.’

છેક સંવેદનશૂન્ય બની ગઈ હોય એમ કાજલ સ્તબ્ધ ઊભી રહી. તેની પ્રેમકથાનું એક-એક પૃષ્ઠ આ સ્ત્રીએ લખ્યું હતું! ઓ ભગવાન! કેવો ભ્રમ હતો તેનો!

સુસ્મિતા ખુશ હતી. કાજલ છેક નિ:શસ્ત્ર હતી. આજ સુધી એક બખ્તર પહેરીને સુસ્મિતા જીવી હતી. પતિના રૂપસુંદરી સાથે પરદેશ-પ્રવાસો, હોટેલ-રિસૉર્ટમાં ઊજવાતી રંગીન રાતો, તેની પીઠ પાછળનાં આંખમીંચામણાં... બધું જ તે જીરવી ગઈ હતી. મહાદેવ તો હળાહળ કંઠમાં ધરી નીલકંઠ તરીકે પુજાયા, પોતે અસંખ્ય નારીઓની જેમ રોજ ઝેરના ઘૂંટ ગળે ઉતારી જીવે છે એની જગતને ખબર પણ નહોતી.

કરણ કાજલ સાથે ફરી રહ્યો છે એ ખબર મળતાં હવાની રૂખ પારખી તેને છૂટો દોર આપ્યો હતો. નિવેદિતાનાં લગ્ન નિર્વિઘ્ને પતી જાય પછી કાજલ સાથે હિસાબ સરભર કરવો હતો, પણ માછલી આપમેળે જ જાળમાં આવી ગઈ. તેણે ધાર્યું હતું કે છોકરી ઉસ્તાદ હશે, પૈસા પડાવવાની તરકીબો કરશે; તેનું મોં બંધ કરવામાં વાર શી? પછી ખબર પડી હતી કે કાજલ નાદાન છે, માત્ર કરણ તેનો આરાધ્યદેવ છે.

સુસ્મિતા બેસી પડી. મનમાં ઝાંકતી હોય એમ ધીમે-ધીમે બોલતી હતી, ‘જ્યારે મારા પતિ વિશે જાણ્યું ત્યારે હું ભાંગી પડી હતી. થોડો સમય તો ડિવૉર્સનો વિચાર પણ આવી ગયો. પછી મને સમજાયું કે હાથમાં બૅગ લઈ ઘર છોડી જતી સ્ત્રીનું દૃશ્ય હિન્દી ફિલ્મોમાં ભલે ખુમારીભર્યું લાગે, પણ હકીકતમાં તો ઘરની બહારનો રસ્તો સ્ત્રીને ક્યાંય લઈ જતો નથી. શરીર પરથી લગ્નનું લેબલ ઉતરડાઈ ગયા પછી સમાજમાં પગ મૂકવા ખૂબ સંઘર્ષ કરવો પડે છે. મને થયું : ઘર છોડી દઈશ તો બાળકો પર શી અસર પડશે? તેમના હકનું તેમને નહીં મળે તો? પતિ પાસે પૈસો અને સ્ટેટસ હતું અને ર્કોટમાં ભિડાવશે તો? એ સમય પણ પસાર થઈ ગયો. મેં મારી અને સંતાનોની આસપાસ એવી મજબૂત વાડ રચી દીધી કે એમાં મારા પતિનો પ્રવેશ નિિષદ્ધ હતો.’

છાતીમાં હાંફ ભરાઈ ગઈ હોય એમ તેણે ઊંડો શ્વાસ ભર્યો. એક અપરિચિત નારીની વેદના કાજલ હૃદય માંડીને સાંભળી રહી. ઠંડીમાં થીજી ગયેલા સરોવરની સપાટી નીચે કેવાં જળ ઘૂઘવતાં હતાં! બારી પર સૂર્યનાં કિરણ ત્રાંસાં પડતાં હતાં. ખંડનું આખું દૃશ્ય કેવું આભાસી લાગતું હતું! તોય કેટલું વાસ્તવિક!

‘મારી દુનિયાની હું જ સ્વામિની. બાળકો મારાં હતાં. તેમને પોતાની તરફ કરવા તડપતા પતિને જોતી અને વેર વાળ્યાંનો, સજા કર્યાનો સંતોષ થતો.’

આ બધું તે જાણે પોતાને કહી રહી હતી. કદાચ આટલો સમય હૃદયનાં બંધ દ્વાર તેણે ખોલ્યાં નહોતાં. કદાચ એટલા માટે કે તેના અધિકારક્ષેત્રમાં કોઈ ભૂલથી પણ પ્રવેશ ન કરે.

કાજલને કશોક આધાર જોઈતો હતો. જાણે તે ધૂંધભરી સાંજે ઊંચી ભેખડ પર ઊભી હોય અને નીચે ફંગોળાઈ જવાની હોય. તેણે ભીંતનો ટેકો લીધો : હે ઈશ્વર! સમયને ફીંડલું વાળી દઈ પાછો ખસેડી શકાતો હોત તો! તો તે ઘરમાં ભરાઈ રહી હોત અને આ મુલાકાત કલ્પના બની રહેત.

ખંડમાં ઘેરી શાંતિ હતી. ચસોચસ. બે સ્ત્રીઓ એકમેકની સામે ઊભી હતી. એક, જેણે જીવનનો ઘણો હિસ્સો જીવી લીધો હતો અને એની ચડ-ઊતરમાં ચોમેર ફંગોળાઈ હતી. અને બીજી, જે બંધ કળીની જેમ ધીમે-ધીમે ખૂલી રહી હતી. ઋતુ-ઋતુનાં ટાઢ-તડકો વેઠ્યાં નહોતાં. એક સ્ત્રી તરલ વાદળો વચ્ચે થોડા તેજવિહીન ઢળતા સૂરજ જેવી, બીજી સંધ્યા સમયે ઝાંખી દેખાતી બીજલેખા જેવી. એક જ ભૂરા આકાશમાં સાથે.

મોબાઇલનો મધુર રિંગટોન ગુંજી ઊઠ્યો. સુસ્મિતા ઝબકી ગઈ. સભાન બની. સ્ક્રીન જોયા વિના મોબાઇલ સ્વિચ્ડ ઑફ કરી દીધો. કાજલ ભીંતસરસી જડાઈને ઊભી રહી તેના પર તાક માંડીને.

સુસ્મિતાને થયું : અરે, તે આ શું કરી બેઠી હતી! આટલાં વરસોથી મનને બંદીવાન બનાવી તે ચોકી કરતી હતી અને આજે આ મામૂલી છોકરી સામે પોતાની જાતને ખુલ્લી પાડી દીધી હતી! મૂરખ કાજલ નહીં, પોતે હતી.

તેના ચહેરા પર નર્મિમ સખતાઈ આવી ગઈ. પોતાની અંતરંગ લાગણીઓ ઉઘાડી પડતાં પોતે પોતાના પર રોષે ભરાઈ હોય એમ તેની માંજરી આંખોમાં કેસરી તિખારો ઝબકી ગયો. તેના ચહેરા પર ખુન્નસ જોઈને કાજલ ડરી ગઈ. લજામણીના છોડની જેમ તે પોતાનામાં બિડાઈ ગઈ. પોતાનાથી શેહ પામતા લોકોની આંખોમાંનો ભય સુસ્મિતા બરાબર પારખી શકતી હતી. તેણે આજ સુધી પીડા વહોરીને જે આગવી દુનિયા રચી હતી એની એક પણ ઈંટ આજ સુધી કોઈને ખેરવવા નથી દીધી તો આજે આ છોકરીને તેની દુનિયા શું તહસનહસ કરવા દેશે?

ના, બિલકુલ નહીં. મનની ભોગળ તેણે બરાબર વાસી દીધી. અદબ વાળી તે કાજલની પાસે આવીને સામે ઊભી રહી. છંછેડાયેલો નાગ ફેણ ચડાવી વેંત છેટે હોય એમ કાજલ હાહોહાડ થથરી ગઈ. સુસ્મિતાએ અસલ મિજાજ પ્રગટ કર્યો, ‘તું શું જોઈને અહીં આવી હતી છોકરી? મને ધમકી આપવા? બ્લૅકમેઇલનો ઇરાદો છે?’

બોલતાં-બોલતાં તે હસી પડી, ‘તને એમ કે તું કરણની ગર્લફ્રેન્ડ છે, પ્રેમિકા છે એટલે હું તને હાથ જોડીશ, કાકલૂદી કરીશ?’

કાજલ ગરોળીની જેમ ભીંતને ચીપકેલી રહી. ગળું સુકાઈ ગયું. સૂસવતા અવાજે સુસ્મિતા બોલી, ‘તારી હેસિયત શી કે તું મારી સામે શિંગડાં માંડે? તું છે કોણ? મા-બાપની આમન્યા તોડી ઘર છોડીને ચાલી ગયેલી એક અભિમાની બદતમીઝ છોકરી! માત્ર તારું નામ એકલું-અટૂલું, એ સિવાય છે શું તારી પાસે? બોલ. અને તારી નફ્ફટાઈ જો કે મારા લીલાછમ વૃક્ષ પર તારે એક વેલની જેમ ચડી જવું છે? તને અહીં સુધી પહોંચવા દીધી, મારા દીકરા સાથે હરવા-ફરવા દીધી. મને થયું કે મારા દીકરાને તું ગમે છે, ભલે તારી સાથે થોડી મજા કરી લ. એટલે તું જળોની જેમ ચોંટી પડી? હાઉ ડેર યુ! ગેટ આઉટ. જસ્ટ ગેટ આઉટ ઑફ અવર લાઇફ. મારા જીવનનું કર્યું-કારવ્યું તારા જેવી છોકરી ધૂળધાણી કરી નાખે એ હું શું ચલાવી લઈશ? તારું આ રૂપાળું થોબડું ફરી બતાવ્યું છે તો... હું શું કરી શકું છું એ તું જાણતી નથી.’

શબ્દોના ડંખમાં બધું વિષ ઠાલવી દીધું હોય એમ સુસ્મિતા હોઠ ભીડીને કાજલને રોષથી તમતમતી જોઈ રહી.

ગેટ આઉટ, જસ્ટ ગેટ આઉટ. કાજલને ઝેર ચડતું હતું અને કાળી બળતરા થતી હતી. એટલું તો સ્પષ્ટ થઈ ગયું હતું કે કરણને પામવો એટલે આ સિંહણના મોંમાંથી ભક્ષ્ય ખેંચી કાઢવા જેવો મોતનો ખેલ છે.

કાજલને થયું કે તેણે બધું જ ખોઈ દીધું હતું, કશું જ બચ્યું નહોતું. કરણ માટે ઘર છોડ્યું હતું. માતા-પિતા, સ્વમાન, ખુમારી બધું જ.

જેની પાસે કશું કીમતી હોય તેને ખોવાનો ડર રહે છે, પણ તેના હાથ તો ખાલી હતા. તો પછી ડર શાનો? શા માટે આ સ્ત્રીથી ડરવું જોઈએ અને સાંભળી લેવું જોઈએ? શા માટે?

તેનામાં હિંમત આવી. અચાનક ધરતી ફાડી ફૂટી નીકળેલા વાંસની જેમ તે ટટ્ટાર થઈ ગઈ. હારણ થયેલો માણસ જીવ પર આવી જાય એમ સ્વસ્થ થતાં જ તેની આંખોમાંથી ભય ઓસરી ગયો.

હવે આ પાર કે પેલે પાર...

(ક્રમશ:)

16 December, 2012 07:24 AM IST |

અન્ય લેખો

સપ્તાહના ખાસ

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

27 December, 2020 06:12 IST | Mumbai | Rajani Mehta
સપ્તાહના ખાસ

નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું

નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું

12 December, 2020 06:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સપ્તાહના ખાસ

જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા

જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા

15 November, 2020 07:49 IST | Mumbai | ruchita

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK