Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૨૧

લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૨૧

21 October, 2012 07:44 AM IST |

લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૨૧

લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૨૧




વર્ષા અડાલજા

છત પર તેજ ગતિથી ફરતા પંખાએ શબ્દોને ઓરડામાં ફંગોળ્યાં : ડોન્ટ યુ ડેર મિસ્ટર ધીરુભાઈ સંઘવી, મને આંગળી પણ અડાડી છે તો હું સીધી પોલીસ-સ્ટેશન જઈશ.

પિતાના હાથને પકડી લઈને કાજલે બધાના ચહેરા પર નજર ફેરવી પોતાના શબ્દોની ચોટને માપી. સૌ શેહ પામી ગયા હતા : ઓ માય ગૉડ! જીવનમાં પહેલી જ વાર આ ચમત્કાર બન્યો હતો. ઘરમાં તેનું મૂલ્ય શું હતું? સતત બધા તેને ઉતારી પાડતા. નીચાજોણું થાય એવું સંભાળાવતા. અત્યારે સ્તબ્ધ અને ડરેલા.

આખરે તે જ બધાથી મુઠ્ઠીઊંચેરી સાબિત થઈ હતીને!

અસાવધ ક્ષણે ધીરુભાઈએ જોરથી ઝટકો માર્યો. કાજલની પકડ છૂટી ગઈ. હજી તે પોતાના તોરમાં હતી. તરુણનો ચહેરો તમતમી ગયો હતો. કાજલે તેને કહ્યું, ‘તરુણ, આજે આપણા પપ્પાના અસંસ્કારી વર્તન માટે તું કંઈ નહીં બોલે?’

તરુણનું ગળું સુકાઈ ગયું, ‘કાજલ, અસંસ્કારી અને બેશરમીભર્યું વર્તન તારું છે.’

‘તરુણ, તું મને સાચા-ખોટાના પાઠ શીખવશે? તું? ગિવ મી અનધર વન.’

ધીરુભાઈ હવે સ્વસ્થ થઈ ગયા હતા. તરુણે હમણાં જ તેની પાસેથી જવાબ માગ્યો હતોને! તેની વાત સાચી હતી. વીજળીના ઝબકારની જેમ તેમને સત્ય સમજાયું હતું. ઘરની, સંતાનોની જવાબદારી અદા કરવામાં તે પાછળ પડી ગયા હતા. કાજલે તેમનો હાથ પકડી લીધો હતો. જાણે કોઈ યુદ્ધમાં વિજય થયો હોય એમ મગરૂરીથી તે વાતો કરી રહી હતી. તેણે તેમની સત્તાને, એક ઘરના નીતિ-નિયમોને પડકાર્યા હતા. ઘરના વડીલ તરીકેનું કર્તવ્ય આજે પૂરું બજાવશે એ વિચારથી બળ મળ્યું હોય એમ તેમણે દૃઢ સ્વરે કહ્યું, ‘કાજલ, મારા પ્રશ્નનો જવાબ હજી તેં આપ્યો નથી. ક્યાં હતી તું?’

નવો મોરચો ખૂલતો હોય એમ કાજલે એ જ અભિમાની લહેકાથી કહ્યું, ‘મારા કામ પર ગઈ હતી, ધૅટ્સ ઑલ. ઓહો! એવી કઈ મોટી વાત છે કે તમે...’

‘છે, મોટી વાત છે. બધી વાત મોટી અને ગંભીર છે. તું મનફાવે ત્યાં ચાલી જાય, મનફાવે એમ વર્તે એ હું નહીં ચલાવી લઉં. મૉડલ બનવાનો નિર્ણય લઈ લીધો અને ઍડ રિલીઝ થવાના ટાઇમે અમે યાદ આવ્યા? એ પ્રશ્નનો જવાબ પણ તેં હજી નથી આપ્યો.’

કાજલનો પિત્તો ગયો. ફરી એકની એક વાત! કેટલી વાર ગાઈ-વગાડીને કહેવાની કે મારે સરપ્રાઇઝ આપવું હતું! હવે હદ થતી હતી. સાચે જ બધા જડ હતા, જુનવાણી વિચારના હતા; તેને ક્યારેય નહીં સમજી શકે.

‘તમે બધા આંખ ખોલો, ગાંધારીના પાટા છોડી નાખો. દુનિયા કેટલી બદલાઈ ગઈ છે! ગ્લોબલ વિલેજ શબ્દ તો સાંભળ્યો છેને! અને પપ્પા, તમે મને ઘરના ખૂંટે ગાયની જેમ બાંધી રાખવા માગો છો? આઇ કાન્ટ બિલીવ ધિસ. રિયલિટી ટીવી-શોઝ તો તમારા ફેવરિટ છે. એમાં...’

‘રિયલિટી શોની વાત ક્યાં આવી આખી વાતમાં? ભસી મર જલદી.’

‘પપ્પા સૉરી, માણસ છું, બોલીને જ કહીશ. યસ, રિયલિટી શોમાં પોતાની ટૅલન્ટ દર્શાવવા આપણે નામ પણ ન સાંભળ્યાં હોય એવાં દૂરનાં નાનાં-નાનાં ગામોમાંથી પોતાનાં સંતાનોને લઈને ખુદ મા-બાપ ભારે ખર્ચ કરીને આવતાં હોય છે, પ્રોત્સાહન આપતાં હોય છે.

રિક્ષા-ડ્રાઇવર ઉધાર લઈને દીકરીને શોમાં લઈ આવે છે તેનું સપનું સાકાર કરવા. ત્યારે તમે હરખાઈને તેનાં વખાણ કરો છો અને તમારી ઍડલ્ટ દીકરી પોતાના બળે ઊડી રહી છે ત્યારે તમારે પાંખો જ કાપી નાખવી છે? તમારા જેવા જક્કી બાપ મેં જોયા નથી.’

સાવિત્રીબહેન માટે આખી વાત અસહ્ય હતી. જે ઘરને એક રાખવા જિંદગી ખર્ચી નાખી હતી એની ઈંટો ખરી રહી હતી.

‘જો બેટા કાજલ...’

તરત ધીરુભાઈએ હાથ ઊંચો કર્યો, ‘રહેવા દે સાવિત્રી, આ છોકરી તને ગાંઠવાની નથી. કહી દીધું કાજલ? હું રૂઢિવાદી પિતા છું એમ તું સાબિત કરવા માગે છેને! એક વખત કહી તો જોવું હતું કે પપ્પા, મારે આવી કરીઅર કરવી છે, આમ કરવું છે; હું ના પાડત. તું મને સમજાવત, જીદ કરત; મનાવી લીધો હોત તંે મને. તેં હંમેશાં તારું ધાર્યું તો કર્યું છે. અમને સંતોષ તો રહે કે તેં માતા-પિતા તરીકે અમને માન આપ્યું, આદર કર્યો. આ તો તેં અમારો વિશ્વાસભંગ કર્યો!’

કાજલે બેફિકરાઈથી કહ્યું, ‘નો, આઇ ડોન્ટ થિન્ક સો. દેખીતું જ હતું. તમને પ્રિયા વહાલી હતીને! મમ્મી વળી ક્યારેક મારો ભાવ પૂછતી હતી! મને શિખામણ અને મારી ટીકા, બસ.’

‘એય કાજલ! ખબરદાર તારી મા માટે ઘસાતો એક શબ્દ પણ બોલી છે તો! આ ઘર માટે તેણે જાત ઘસી નાખી છે સમજી?’

સાવિત્રીબહેને ચમકીને આંસુભર્યો ચહેરો ઊંચો કર્યો. આંસુના ધૂંધળા પડદાની પેલે પાર તેણે પતિને જોયા. મક્કમ. કાજલની બરાબર સામે. કુટુંબના મોભી. જે સંતાનો સામે તેમણે માનહાનિ કરી હતી તેમની સામે તેના ગૃહિણીપદનું ગૌરવ ફરીથી કરી રહ્યા હતા.

‘તને એમ લાગે છેને કે તારી મા, અમે બધા તને વહાલ નહોતાં કરતાં; કાળજી નહોતાં રાખતાં! કાજલ, દૂરબીન એક જ હોય છે. જે દૃશ્ય દૂર દેખાતું હોય છે એ જ દૃશ્ય દૂરબીન ઉલટાવતાં સાવ પાસે દેખાય છે એ તો ખબર છેને! ઊલટાનું મને તો એમ લાગતું હતું કે સાવિત્રી અને પ્રિયાએ તને ખૂબ લાડ કરીને રીતસરની બગાડી મૂકી ત્યારે આજે આવું બોલવાની હિંમત કરી તેં.’

કાજલ જોરથી ચિલ્લાઈ, ‘માય ગૉડ! એકની એક વાત ક્યાં સુધી પીંજ્યા કરશો? હું ટ્રાવેલિંગ કરીને આવી છું, થાકી ગઈ છું; મારે આરામ કરવો છે.’

કાજલે ટ્રૉલી-બૅગનું હૅન્ડલ પકડ્યું અને બેડરૂમ તરફ જવા લાગી. એ સાથે જ ધીરુભાઈ બેડરૂમના દરવાજાને રોકીને ઊભા રહી ગયા.

‘તું વાતનો ઉલાળિયો નહીં કરી શકે કાજલ. મારે નિવેડો લાવવો છે; આજે જ, હમણાં જ.’

કાજલને થયું કે આજે ઘરની રૂખ જુદી જ હતી. તેને ખાતરી હતી કે હંમેશની જેમ તે થોડું લડશે-બોલશે અને વાત ત્યાં જ પૂરી થઈ જશે, પણ આજે તેના મિજાજથી કોઈ શેહ પામ્યું દેખાતું નહોતું. વૉટ ધ હેલ! તે કંટાળાથી બોલી, ‘શું છે? શેનો નિવેડો?’

‘એક વાત બરાબર ખીલે બાંધી લે કાજલ. તારી કઈ ઍડ્વર્ટાઇઝમેન્ટ છે, ક્યાં શૂટિંગ છે, ક્યારે જશે-આવશે એ તારે સાવિત્રીને કહેવું પડશે. તું જ્યાં હશે ત્યાંથી તું ઠીકઠાક છે એનો ફોન કરશે. કશું કહ્યા વિના તું દિવસો સુધી ચાલી જાય એ તો નહીં જ ચાલે. રાત્રે પાર્ટીઓમાં તારી મેળે ભટકવા નીકળી પડીશ એ તો નહીં જ ચાલે અને હા, આ શરતોમાં કોઈ ફેરફાર નહીં જ થાય એ પણ સમજી લેજે.’

પ્રિયાને થયું કે હમણાં જ કાજલ પગ પછાડશે, સામા જવાબો આપશે; પણ કાજલ નિશ્ચલ ઊભી રહી. પિતાના તમતમતા ચહેરાને તાકી રહેતાં નિશાન તાકતી હોય એમ બોલી, ‘તમારી એક પણ શરત મને મંજૂર નથી. હું મારી જિંદગીની માલિક છું, મારી મરજી મુજબ જીવીશ. સાંભળ્યું તમે બધાએ?’

જરાય વિચલિત થયા વિના ધીરુભાઈ દરવાજાની વચ્ચેથી ખસ્યા નહીં.

‘અમને સમજવાની તારી છેલ્લી તક. તારી પાંખો કાપવા માટે નીતિનિયમો નથી પણ તારા રક્ષણ માટે, ઘરની ડિસિપ્લિન માટે છે. મને તારો જવાબ જોઈએ છે, હમણાં જ... અત્યારે.’

કાજલ સાબદી થઈ ગઈ. પિતાની એક-એક શરત એક-એક સળિયો બની તેની આસપાસ પાંજરું રચી દેતી હતી. ના, તે કેદી બનીને હરગિજ નહીં જીવે.

‘હું આમાંની એક પણ શરત માનીશ નહીં. કમ વૉટ મે. શું કરી લેશો તમે?’

ફેણ ચડાવી હોય એમ કાજલનો ટટ્ટાર સીનો, ત્રાટક કરી ભૂરકી નાખતી આંખો, શબ્દોમાંનો ઝેરીલો ડંખ. પોતાની માન્યતા કેટલી ભૂલભરેલી હતી કે ઘરમાં તેમની કોઈ ગણતરી જ નહોતી! બધાની નજર તેમના પર હતી. તેમનો નિર્ણય અંતિમ હતો. તેમણે દૃઢતાથી, નિષ્કંપ સ્વરે કહ્યું, ‘મારી વાત તને માન્ય ન હોય તો તું ઘર છોડીને જઈ શકે છે. આજે જ, આ જ ક્ષણે.’

સન્નાટો. નિશ્ચલ સ્તબ્ધતા. ઠક... ઠક... કાગડો બાલ્કનીમાં કૂંડા સાથે ચાંચ ઠોકી રહ્યો હતો. પૂતળું થઈ ગયેલાં સાવિત્રીબહેનમાં જીવ આવ્યો. પતિને હચમચાવી નાખ્યા, ‘આ શું બોલો છો તમે? દીકરીને ઘરમાંથી કાઢી મુકાય? જો કાજલ બેટા, તું...’

‘જાતને સંભાળો સાવિત્રી. જો આ ઘર કાજલને પંખીનો માળો ન લાગતું હોય અને પીંજરું લાગતું હોય તો આપણે ક્રૂર તો નથી કે તેને પૂરી રાખીએ! મા-બાપ, ભાઈ-બહેન કરતાં તેને કરીઅર વહાલી હોય તો ભલે. અહીં રહેવું હોય તો મારી શરતે, નહીં તો દુનિયા વિશાળ છે.’

પ્રિયાએ અનરાધાર રડતી માને સોફામાં બેસાડી. તરુણે પરાણે પાણી પાયું, પણ તેમના હૃદયમાં હાહાકાર હતો. સળી-સળી મમતાથી બાંધેલો માળો આમ વિંખાશે એવી કલ્પના પણ ક્યારે હતી?

કાજલ અકળાતી હતી. આ રોવા-ધોવાનું નાટક ક્યારે અટકશે? ઘર છોડવાનું તો ક્યારનું મનમાં નક્કી હતું, પણ સહી સમયની પ્રતીક્ષા હતી. બધી સગવડ કરીને નીકળી જવું હતું, પણ પપ્પા જ તેને આમ કાઢી મૂકશે એવી તો કલ્પના પણ નહોતી. હંમેશાં તેણે સૌને પોતાને કાકલૂદી કરતા, મનાવતા જોયા હતા અને આજે એ જ લોકો તેને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી રહ્યા છે! તે સાવિત્રીબહેન સામે વીફરી, ‘આ રડવાનું નાટક બંધ કરીશ? તને તો હું વર્ષો પહેલાં નહોતી જોઈતીને! ખુશ થા કે તારી ઇચ્છા પૂરી થઈ ગઈ.’

‘અને હું પણ મારી ઇચ્છા પૂરી કરી લેવા માગું છું કાજલ.’

ધીરુભાઈ કાજલ પર ધસી ગયા અને જોરથી તમાચો માર્યો. અણધાર્યા હુમલાથી કાજલ લથડિયું ખાઈ ગઈ. ધીરુભાઈએ તેને બાવડેથી ઝાલી ઊભી કરી.

‘હવે તું પોલીસ-સ્ટેશન જઈને ફરિયાદ કરવાની તારી ઇચ્છા પૂરી કરી લે. આ થપ્પડ મેં તને નહીં, મને મારી છે. વર્ષો પહેલાં મારે જે કરવું જોઈતું હતું એ લાગણીભીરુ મન આજે કરી રહ્યું છે. મારે જીભાજોડી નથી જોઈતી. ગેટ આઉટ, જસ્ટ ગેટ આઉટ ઑફ માય હાઉસ!’

તમાચો માર્યો? મને? હૃદય પર સોળ ઊઠી આવ્યા. કેવું ઘર અને કેવાં મા-બાપ?

‘જાઉં છું. આ ખોબા જેવડા ઘરમાં મારો શ્વાસ ઘૂંટાતો હતો, ભયંકર ગૂંગળામણ થતી હતી. મારું નસીબ જોરદાર હતું સાવિત્રીબહેન કે હું જીવી ગઈ. હું મારી આવડતથી, પુરુષાર્થથી મારું જીવન એવું બનાવીશ કે તમે સૌ જોતા રહી જશો. આવવાનું તો કહેવાનું નથી, આવજો કહીને શું કરું?’

કાજલે ટ્રૉલી-બૅગનું હૅન્ડલ પકડ્યું. ઉતાવળે ધીરુભાઈ તેની અડોઅડ જઈને ઊભા રહ્યા. બોલતા ભભૂકી ઊઠ્યાં, ‘આજથી તારા નામની પાછળ મારું નામ ક્યારેય લગાડતી નહીં, સમજી?’

સાવિત્રીબહેન પતિને કરગરી પડ્યા, ‘તેને પાછી વાળો, જુવાન દીકરી એકલી ક્યાં જશે? શું કરશે?’

ધીરુભાઈએ શાંતિથી કહ્યું, ‘તું નકામી ચિંતા કરે છે સાવિત્રી. આવી ફિકર તો આપણા જેવા મુફલિસ લોકોને થાય. જે લાખો કમાય, યુવાન અને ફૅશનેબલ હોય તેને મદદ કરનારાઓનો તોટો નથી. આજકાલ તો ઘરના લોકો કરતાં મિત્રોના ભાવ ઊંચા છે.’

કાજલે કાન પર હાથ દાબી દીધા.

‘આ નાટક બંધ કરશો?’

ચૂપચાપ સહમીને ઊભી રહી ગયેલી પ્રિયા કાજલ પાસે દોડી ગઈ.

‘કાજલ, પપ્પાની માફી માગી લે. ઉંબર બહાર પગ મૂકવાનો અર્થ સમજે છેને!’

‘અફકોર્સ પ્રિયા, આજથી આપણા સંબંધો પૂરા થાય છે. હું એ જ ઇચ્છું છું.’

કાજલ ઝડપથી બહાર નીકળી ગઈ. ધીરુભાઈ એક ફલાંગે બારણામાં પહોંચી ગયા.

‘તારી એ ઇચ્છા અમે જરૂર પૂરી કરીશું, તારા નામનું નાહી નાખીશું.’

રોષમાં બારણું પછાડી ઘરમાં પાછા ફરતા તે સોફામાં બેસી પડ્યા, ગુમસૂમ. મન બહેરું બની ગયું હતું. હળવે-હળવે તેમની પીઠ પર એક હાથ ફરવા લાગ્યો. તેમને બહુ ગમતી સાવિત્રીની જૂની ટેવ. પ્રિયા બીજી તરફ બેસી ગઈ. તરુણ પગ પાસે ઉભડક બેસી પડ્યો. આ જ તો તેમનો પરિવાર! કાજલના શબ્દોનું ઝેર ધીમે-ધીમે શરીરમાં ફેલાવા માંડ્યું હતું. એનું મારણ શોધતા હોય એમ તેમણે હાથ પહોળા કરી બધાને આfલેષમાં લેતા વીંટાળી લીધા.

સાવિત્રીબહેન પતિના ખભે માથું ઢાળતાં રડી પડ્યાં.

‘તમે દીકરીને જાકારો દીધો? ક્યાં જશે હવે?’

ધીરુભાઈએ પત્નીનાં આંસુ લૂછ્યાં, ‘તું જાણે છે તે મનથી ક્યારથી ચાલી ગઈ હતી. આપણે સાથે ક્યાં જીવતાં હતાં? તે સૌથી અળગી, સ્વતંત્ર જ હતીને! તારે રોજનો લોહીઉકાળો.’

તરુણે પણ માને આશ્વાસન આપ્યું, ‘તને ખબર છે મમ્મી; લોખંડવાલા, ગોરેગામ બધી જગ્યાએ છોકરીઓ એકલી રહે જ છેને! રિલૅક્સ. તેને સારા શ્રીમંત ફ્રેન્ડ્સ પણ છે. તે જરાય દુ:ખી થવાની નથી.’

સાવિત્રીબહેને આશાભરી આંખે તરત જોયું : મિત્રો હતા કાજલને, શ્રીમંત અને સારા પણ! કોણ હતા? તરુણને શી-શી ખબર છે?

પણ ત્યાં તો ભરાયેલા કંઠે આવું છું કહીને તે બહાર ચાલી ગયો. પ્રિયા ધીમેથી ઊઠીને બેડરૂમમાં ચાલી ગઈ. પપ્પા-મમ્મી ઘણા વખતે એકમેકના સાંનિધ્યમાં એક જ પીડા સાથે સહન કરી રહ્યાં હતાં.

એક અત્યંત વસમી વેદનાની ઘટના હૃદયને વિદારે છે અને એ જ ઘટના બે વ્યક્તિનાં અળગાં થઈ ગયેલાં હૃદયનો સેતુ બનીને સુખ પણ આપે છે.

કેવી વિચક્ષણ હતી માનવીય સંબંધોની આ લીલા!

પ્રિયાએ બેડરૂમમાં નજર કરી. બે બહેનોને આ રૂમ મળ્યો ત્યારે કાજલ કેવી ઊછળી પડેલી! ક્રીમ અને લોશન્સથી ભરેલું ડ્રેસિંગ-ટેબલ, માનીતા સ્ટારનાં દીવાલો પર પોસ્ટર્સ, ટેબલ પર ભણવાનાં અભ્યાસનાં પુસ્તકો, શૂઝથી ભરેલી શૂ-રૅક. બધે જ કાજલની સ્મૃતિની ફિંગરપ્રિન્ટ્સ હતી. પલંગ પર તેણે હોંશથી ખરીદેલી ચાદર પર તેના સળ હતા. પ્રિયાએ કબાટ ખોલ્યો. મોટે ભાગે કાજલનાં કપડાં, પર્સ, કૉસ્ચ્યુમ જ્વેલરીથી ખીચોખીચ ભરેલો કબાટ.

ખુલ્લા કબાટ પાસે પ્રિયા બેસી પડી : કાજલ, તને ખબર છે તું આ ઘરમાં શું-શું પાછળ છોડી ગઈ છે? આ ચીજવસ્તુઓ સાથે ગૂંથાયેલી યાદો, અમારા સૌનું વહાલ, મા-બાપની શીળી છાંય, ભાઈ-બહેન સાથે મસ્તી, લડાઈ, રિસામણાં... એમાંથી તારો હિસ્સો છુટ્ટો પાડીને તું લઈ જઈ શકશે કાજલ? તું જાણે છે કાજલ કે દાદાએ અને પપ્પાએ કુળનો આંબો ચીતરાવી, મઢાવીને ડ્રૉઇંગ-રૂમની દીવાલે મૂક્યો છે! આપણા વંશવૃક્ષની ડાળીએ તારા નામની ફૂટેલી કૂંપળ સદા લીલીછમ રહેશે. ન કરમાશે, ન સૂકું પાન બની ખરી પડશે.

પ્રિયાની આંખો છલકાતી હતી : મને શ્રદ્ધા છે કાજલ, તું એક દિવસ આ ઘરમાં પાછી ફરશે અને ત્યારે તારા મનમાંથી કડવાશનાં ઝેર નીતરી તારું મન સ્વચ્છ થઈ ગયું હશે. અમે પ્રેમથી સ્વાગત કરીશું, વેલકમ હોમ. હું કંકુથી બારણે શુભ-લાભ લખીશ. તરુણ આસોપાલવનું તોરણ બાંધશે. મમ્મી રંગોળી કરશે. પપ્પા તને છાતીએ ચાંપતાં કહેશે, બેટા ભલે પધાર્યાં.

€ € €

બૅગ લઈને કાજલ લિફ્ટમાં નીચે ઊતરી. કૉમ્પ્લેક્સમાંથી બહાર નીકળી જતાં પાછળ એક નજર કરી.

વેલાઓની જેમ તેને વીંટળાઈ વળેલા સંબંધોની મજબૂત જાળ કાપીને આખરે ત્યાંથી નીકળી ગઈ હતી.

ના, કાઢી મૂકી હતી. તે પોતે જ નીકળી જવાની હતી. મનમાં તે વાત ઘોળતી જ હતી. કરણને કહ્યું ત્યારે તેણે સ્પષ્ટ ના પાડેલી : પાગલ થઈ ગઈ છે? ગ્રૅજ્યુએટ થઈ જા, મૉડલ તરીકે એસ્ટાબ્લિશ થઈ જા. પછીની વાત પછી.

તે નારાજ થઈ ગયેલી : કરણ, ડગલે ને પગલે જવાબ આપવો પડે છે. તને મળવા દરેક વખતે બહાનાં મળતાં પણ નથી.

કરણ કહેતો : ઘરની હૂંફ અને સલામતી છોકરી માટે કર્ણનાં કવચકુંડળ જેવી હોય છે.

તેને નવાઈ લાગેલી : તું આટલો ઑર્થોડોક્સ છે?

ના, ઑર્થોડોક્સ નથી, પણ હાઈ સોસાયટીની લાઇફ મેં જોઈ છે કાજલ.

તે કરણને વળગી પડેલી : મારાં કવચકુંડળ તું છે.

થોડા દિવસથી ટુકડે-ટુકડે થયેલી આ વાત આજે અચાનક સાકાર થઈ ગઈ. હવે અવઢવનો સવાલ જ ક્યાં હતો! પપ્પાએ જ કહી દીધું, ગેટ આઉટ. પણ જે રીતે ઘર છોડ્યું એ ખૂબ જ અપમાનજનક લાગ્યું હતું. પોતે જ બધા સંબંધોનાં આવરણો ઉતારીને માત્ર કાજોલ બનીને કહેવાની હતી કે હું જાઉં છું.

એ ક્ષણની કેટલી પ્રતીક્ષા કરી હતી!

ગર્વથી ટટ્ટાર થઈને બોલવાની હતી : હું મારી રીતે જીવવા માગું છું. મારી મેળે, મારા પુરુષાર્થની સીડીથી સડસડાટ ઉપર ચડતી સિદ્ધિની ટોચે ચડી જઈશ. ઉપરથી નજર કરીશ ત્યારે નીચે ઊભેલા લોકો કેટલા વામણા લાગશે! તમે પણ.

કાજલે એ વખતના દૃશ્યની કલ્પના પણ કરી હતી : તે જેવી ઘર છોડવાની વાત કરશે ત્યારે પપ્પા કોકડું વળીને ખૂણામાં ભરાઈ જશે. તરુણનું મોં સાવ બંધ. તેના રહસ્યની ભૂતની ચોટલી મારા હાથમાં હશે. મમ્મી તો રડવા જ માંડશે અને પ્રિયા ગરીબડી બનીને માફી માગશે, ટોપલો ભરીને ઉપદેશની લહાણી કરશે.

અને તે બધાને તરછોડીને સડસડાટ ઘર બહાર નીકળી જશે એ કલ્પનામાત્રથી હરખાતી.

પણ આજે એવું કશું જ ન બન્યું. તેની ગણતરી ઊંધી વળી ગઈ હતી.

પપ્પાએ કહી દીધું : ગેટ આઉટ. એટલું જ નહીં, તારા નામનું નાહી નાખ્યું કહેતાં મોં પર દરવાજો બંધ કરી દીધો. પપ્પાએ હાથ ઉપાડ્યો હતો.

કાજલે ફરી ઘર તરફ નજર કરી. હવે તે કાજોલ બનીને જીવશે. માત્ર કાજોલ. પોતાનું નામ. તેની એકમાત્ર મૂડી. બહુ કીમતી મૂડી છે મારી પાસે પપ્પા, તમારા નામની જરૂર નથી.

કાજલ કમ્પાઉન્ડની બહાર નીકળી ગઈ. કરણની સાથે જ તે બૅન્ગલોર ગઈ હતી. ત્રણ દિવસે તે પાછી ફરી અને કરણ ઑફિસના કામે બૅન્ગલોર રહી ગયો હતો. ત્રણેક દિવસ પછી તે મુંબઈ આવશે. તે નક્કી તેના રહેવાની વ્યવસ્થા કરી આપશે. ત્યાં સુધી જોકે ચિંતા નહોતી. મિત્રો તો કુટુંબીજનોથી વિશેષ હતા અને વિશેષ જ હોયને! સગાંવહાલાં તો જન્મજાત મળે છે અને મિત્રો પસંદગી કરીને બનાવાય છે. લોહીના સંબંધો આજે એકઝાટકે જ ખતમ થઈ ગયા હતાને!

ઑટો માટે તે ઊભી રહી હતી. રવિવાર હતો. સવારના સમયે હજી રસ્તાઓ ભરચક બન્યા નહોતા. તેની સોસાયટીમાં જ કોઈ રિક્ષામાં આવ્યું. કાજલને તરત ખાલી થયેલી ઑટો મળી ગઈ. લોખંડવાલા માર્કેટમાં હજી દુકાનો ખૂલી નહોતી. હાઇ પૉઇન્ટ રેસ્ટોરાંની ગલીમાં ઑટો વળી ગઈ. બન્ને તરફ સોસાયટીઓનાં મકાનો હતાં. છેવાડેના એક મકાન પાસે ઑટો ઊભી રખાવી કાજલ ભાડું ચૂકવી ઊતરી ગઈ. કમ્પાઉન્ડમાં દાખલ થતાં વૉચમૅને રોકી. રજિસ્ટરમાં એન્ટ્રી કરી અને નીચેથી ઇન્ટરકૉમ કર્યો : તારા કમ્પાઉન્ડમાં ઊભી છું. ઉપર આવું..?

‘યુ? કમ ઑન.’         

બીજે માળે લિફ્ટ ઊભી રહી. ૨૧-બી ફ્લૅટની ડૉરબેલ પહેલાં જ બારણું ખૂલ્યું.

‘હાય રિહાના! મે આઇ કમ ઇન?’

નાઇટ ડ્રેસમાં ઊંઘરેટી રિહાનાએ ભારે અવાજે આવકાર આપ્યો, ‘હાય જાન! ક્યા બાત હૈ? સન્ડે મૉર્નિંગ મેં ઘર સે બાહર? સોના નહીં ક્યા?’

‘અંદર આવવા દે તો બોલુંને!’

બૅગ ખેંચી ઘરમાં દાખલ થતાં કાજલને હજી મૂંઝવણ થતી હતી. રિહાનાને શું કહેવું? કેટલું કહેવું? આમ તો બે-ચાર દિવસ જ તેને અહીં આશરો જોઈતો હતો. કરણ બૅન્ગલોરથી આવે પછી નિિંત હતી. તેની પાસે બૅગ જોઈને બગાસું ખાતાં રિહાના સોફામાં સૂતાં-સૂતાં બોલી, ‘બૈઠ જા, ખડી ક્યૂં હૈ? ઍડ કે લિએ તૈયાર હોના હૈ? ધે ડિન્ટ ગિવ યુ વૅનિટી વૅન? જરા રૌફ જમા. શૂટિંગ કહાં હૈ?’

બૅગ એક તરફ મૂકી કાજલ ઈઝીચૅરમાં બેસી પડી. અહીં આવી તો ગઈ હતી, પણ હજી મનમાં સંકોચ હતો. રિહાનાનો ગાઢ પરિચય હજી નહોતો. તેનો બૉયફ્રેન્ડ ગુજરાતી હતો. રિહાના ઍડ એજન્સીમાં હતી. એકલી રહેતી હતી. કરણ સાથે બે-ચાર ડિનર-લંચ પર મળેલાં. આટલા સંબંધને આધારે તે અહીં આવી હતી. અનુના ઘરે તો જઈ શકાય એમ હતું જ નહીં. રિહાનાએ પાણીનો ગ્લાસ ધર્યો.

‘સાલી બાઈ ગાંવ ગયી હૈ. બસ, પીત્ઝા ઔર બર્ગર પર ઝિન્દા હૂં.’

કાજલે માંડ થોડું પાણી પીધું. ગ્લાસ ખૂબ ગંદો હતો. એમ તો ઘર પણ એવું જ હતું. ઍશ-ટ્રે સિગારેટનાં ઠૂંઠાંથી ભરેલી, આમતેમ ફંગોળાયેલાં ન્યુઝપેપર, કોલ્ડ ડ્રિન્કનાં ખાલી ટિન, નૅપ્કિન, એક તરફ ગૂંચળું વાળીને પડેલું જીન્સ, સિગારેટનો ધુમાડો અને ઘરમાં ઘૂમરાતી વાસથી તેને ઊબકો આવી ગયો.

સિગારેટનો કશ ખેંચી લઘરવઘર વાળમાં હાથ ફેરવતાં રિહાના બોલી, ‘અરે બાબા, શૂટિંગ કબ હૈ? કૌન સી પ્રોડક્ટ હૈ? દેખ કાજલ...’

કહેવું તો પડશે જ. કાજલે સંકોચથી કહ્યું, ‘શૂટિંગ નહીં હૈ રિહાના. મેં... મેં ઘર છોડી દીધું છે.’

રિહાનાએ નીચે જ રાખ ખંખેરી.

‘વૉટ? ઘર સે ઝાંસી કી રાની બનકે નિકલી હો! સચ્ચી બોલું? માં-બાપ હિટલર કી ઔલાદ આજકલ બન ગએ હૈં. સાલે સમઝતે હી નહીં કિ બેટી કમાકે દેનેવાલી હૈ, ઉસે સંભાલ કે રક્ખો.’

કાજલ તરત બોલી પડી, ‘નહીં, ઐસી બાત નહીં હૈ. શૂટિંગ, ટ્રાવેલિંગ, પાર્ટીઝ... ઈસ બીચ મેં કૉલેજ, એક્ઝામ્સ... છોટે ઘર મેં સબકો ડિસ્ટર્બ હોતા હૈ ઔર મુઝે ભી તકલીફ હોતી હૈ. આઇ વૉન્ટ માય ઓન સ્પેસ, મેન્ટલી ઍન્ડ ફિઝિકલી. ઘર તો ઘર છેને રિહાના!’

સિગારેટ બુઝાવતાં રિહાના હસી પડી.

‘રિયલી કાજલ? પ્લાનિંગ કરકે ઘર છોડા હૈ તો દૂસરે ઘર કા અરેન્જમેન્ટ કરતે હૈં. એક હી બૅગ લેકે નિકલ નહીં પડતે ભિડૂ ઔર ફ્રેન્ડ કે ઘર અડ્ડા નહીં જમાતે. મત બતા. ઓકે વિથ મી.’

બગાસાં ખાતી તે ઊભી થઈ.

‘કુછ સોચેંગે. તેરે ફોન સે ગધી મૈં ઉઠ ગયી નહીં તો સોતી થી દેર તક. દેખ મેરે દીદાર. છુટ્ટી કે દિન પ્રતીક ભી મુઝે શામ તક ફોન નહીં કરતા. તૂ ભી ક્યા યાદ કરેગી! ચલ, મૈં ફ્રેશ હોકે આતી હૂં. ફિર રેસ્ટોરાં મેં ખાને પર હલ્લા બોલ! ટૂટ પડેંગે.’

બોલતી-બોલતી રિહાના અંદર ગઈ. વેરવિખેર ગંદું ઘર જોતાં કાજલને સૂગ ચડી. બારી પાસે ઊભી રહી. કરણને ફોન કર્યો. સ્વિચ્ડ-ઑફ હતો. કરણને જલદી કહી દેવું જોઈએ. અહીં આવતાં રસ્તામાંથી પણ ફોન કર્યો હતો. ફોન સ્વિચ્ડ-ઑફ જ આવતો હતો.

‘કમ ઑન બેબી.’

વાળમાં દાંતિયો ફેરવતી જીન્સ પર કુર્તી અને પગમાં શૂઝ પહેરતી રિહાના ઝડપથી આવી.

‘ચલ બે ભૂખ લગી હૈ ઝોરોં સે. મેરી તો પ્યાસ ભી કભી નહીં બુઝતી સાલી. અરે હાં, પર્સ મેં પૈસે તો હૈં ના! ઓકે. ગુડ, વેરી વેરી ગુડ. મૈં ફક્કડરામ હૂં.’

બન્ને બહાર નીકળ્યાં. રિહાનાએ દરવાજો બંધ કર્યો. કાજલે લિફ્ટનું બટન દાબ્યું. કાજલ ખુશ પણ હતી અને મનમાં ફડક પણ હતી. લિફ્ટ આવી. દાખલ થતાં થતું હતું કે ઘર બહારનો આ રસ્તો હવે તેને ક્યાં લઈ જશે?

(ક્રમશ:)

પ્રિયાની આંખો છલકાતી હતી : મને શ્રદ્ધા છે કાજલ, તું એક દિવસ આ ઘરમાં પાછી ફરશે અને ત્યારે તારા મનમાંથી કડવાશનાં ઝેર નીતરી તારું મન સ્વચ્છ થઈ ગયું હશે. અમે પ્રેમથી સ્વાગત કરીશું, વેલકમ હોમ. હું કંકુથી બારણે શુભ-લાભ લખીશ. તરુણ આસોપાલવનું તોરણ બાંધશે. મમ્મી રંગોળી કરશે. પપ્પા તને છાતીએ ચાંપતાં કહેશે, બેટા ભલે પધાર્યાં.




Whatsapp-channel Whatsapp-channel

21 October, 2012 07:44 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK