° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


ભગવાનનાય દી બગાડી નાખે એવા માણસો પાકવા માંડ્યા છે

07 October, 2012 07:06 AM IST |

ભગવાનનાય દી બગાડી નાખે એવા માણસો પાકવા માંડ્યા છે

ભગવાનનાય દી બગાડી નાખે એવા માણસો પાકવા માંડ્યા છેસાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે

આ પુરુષોત્તમ મહિને અમારા હિંમતદાદાનાં ધર્મપત્ની શાંતિકાકીએ ખૂબ સત્સંગ કર્યો. ઠાકોરજીની સામે કાકી સૌથી વહેલાં ને પહેલાં પહોંચી જાય. પૂજારી હજી તો પડદો ઉઘાડે ત્યાં તેને શાંતિકાકીનાં દર્શન સૌથી પહેલાં થાય. શાંતિકાકી પાછાં પોતાના બોખા સ્વરે ઠાકોરજીને કહે પણ ખરાં, ‘હે ઠાકોરજી, તારાં દર્શન કરું ને મારો દિવસ સારો જાય!’

એક મહિનો આ ક્રમ રેગ્યુલર ચાલ્યો. શાંતિકાકીએ એક પણ રજા પાળ્યાં વગર નિત્યક્રમ જાળવી રાખ્યો. છેલ્લા દિવસે સવારે મંગળાનાં દર્શન જેવાં ખૂલ્યાં કે ઠાકોરજી મોઢું ફેરવીને ઊભા’તા! પૂજારીનું દિમાગ ઘૂમી ગ્યું. અફરાતફરી મચી ગઈ. શાંતિકાકીએ પણ તરત ટેન્શનમાં પૂછી લીધું, ‘કેમ ઠાકોરજી, આજ મોઢું ફેરવ્યું? તમારાં દર્શન કરું ને મારો આખો દિવસ સારો જાય છે.’

ત્યાં ઠાકોરજી બોલ્યા, ‘હા કાકી, પણ કોક દી મારેય દિવસ સારો કાઢવો હોયને!’

મૉરલ ઑફ ધ સ્ટોરી : ભગવાનના દી બગાડી નાખે એવા માણસો પાકવા માંડ્યા છે, બી અલર્ટ. ચાલો કંઈક એવું જીવન જીવવાની શરૂઆત કરીએ કે ઈશ્વરને સ્વર્ગ છોડીને માણસો ભેગું રહેવાનું અને જીવવાનું મન થાય. આપણી અઢળક પ્રાર્થનાથી તો તે નથી આવતો, ચિત્કારો અને ચીસોથી તો તે નથી પીગળતો. આપણે ઈ ચાહે છે એમ જીવવા લાગીએ તો કદાચ તે આપણા ગુના માફ કરી દે.

બાકી આ રહ્યા અમારા હિંમતદાદા. એક દી સવારના પોરમાં છાપું વાંચીને આંસુડાં સારતા ઓટલે બેઠા’તા. હું સ્કૂલે જવા નીકળ્યો. મારાથી પુછાઈ ગ્યું, ‘કાં દાદા, કુટુંબમાં કોઈ ઊકલી ગ્યું? કેમ રડો છો?’

 દાદા ક્યે, ‘ના રે ના સાંઈ, મહિલા મંડળની બસ ખાઈમાં પડી એ ન્યુઝ વાંચીને રડું છું. બિચાડી મિની બસમાં બેઠેલી સત્તરે-સત્તર વૃદ્ધ મહિલાઓ ત્યાં જ મૃત્યુ પામી.’

મેં પૂછ્યું, ‘પણ એમાં તમારું કોઈ સગું હતું?’

દાદા ક્યે, ‘ઈનું તો રોણું આવે છે કે તારી કાકી આ બસમાં હોત તો? ભાયડો પાછો લંડન ઊપડતને?’

 હે રામ! આ જવાબ સાંભળીને હું સ્કૂલભેગો જ થઈ ગયો.

શાંતિકાકી જ્યારે-જ્યારે પ્રાર્થના કરે ત્યારે એમ બોલે, ‘હે ઠાકોરજી, મને આ જનમે આપ્યો ઈનો ઈ જ પતિ સાત જનમ સુધી દેજે.’

 એક દી મેં પૂછ્યું, ‘કાકી, આ એક ભવમાં તમે દાદાથી કંટાળ્યાં નથી કે હજી સાત જનમ રિપીટ માગો છો?’

કાકી ક્યે, ‘બેટા, એમાં મોટો ફાયદો છે. એક જનમમાં જેને તૈયાર કરીને ટ્રીટ કર્યા ઈ આવતે જનમ ફરી મહેનત ન કરવી પડેને એટલે!’

ત્યાં આ વાર્તાલાપ હિમાદાદા સાંભળી ગ્યા. ઈ ક્યે, ‘સાંઈ, એમ કાંઈ ભગવાન બહેરો નથી. ઈ બેય પક્ષે સાંભળીને જ નિર્ણય લ્યે હોં!’

અને અમે સૌ ખડખડાટ હસી પડ્યા.

સતી સાવિત્રીએ જમરાજા પાસેથી પણ તેના પતિને છોડાવીને ફરી જીવતો કયોર્. મતલબ એ કે પત્નીથી તમને જમરાજા પણ છોડાવી ન શકે. આટલું કહીને મેં ભારતભરના પતિદેવો વતી એક હળવીફૂલ કવિતા સંભળાવી:

પતિદેવો વ્યથિત વદને હવે આ વાત બોલે છે

કરેલાં કર્મની કથની આ પ્રત્યાઘાત બોલે છે!

મારું અંગતપણે માનવું છે કે જેણે આપણી સગાઈ કરાવી હોય એ કાકા-મામા-ફઈ-પાડોશી વૉટેવર પહેલાં પાંચ વરસ તો એવાં આપણને વહાલાં લાગે છે કે વાહ, આ ફલાણા ભાઈ કે બહેન ન હોત તો આપણું ઘર બંધાત જ નહીં; પણ લગનનાં વીસ વરસ પછી ઈ જ સગાઈ કરાવનારા આપણને ઝેર જેવા લાગે છે કે આણે જ મારો પગ આ ભેંસનાં શિંગડાંમાં નખાવ્યો. દરેક પુરુષ ચેક કરી લ્યે કે પોતાની સગાઈ કરાવનારાનું વર્તમાન સ્ટેટસ ક્યાં છે!

હું બોલું તોય બોલે છે, ન બોલું તોય બોલે છે

દિવસ હું મૌન પાળું તો એ આખી રાત બોલે છે!

જૂની જોક છેને કે એક ભાઈ રાતે શું કામ બબડતા હતા, કારણ કે તેને તેની વાઇફને લીધે દિવસે બોલવાનો મોકો જ નહોતો મળતો.

શનિ-રાહુ કે કેતુ આ ગ્રહો મારું બગાડે શું?

કે મારી કુંડળી માથે આ નમણી ઘાત બોલે છે

એ મારું પ્રિય ભોજન રાંધવા મોઢું બગાડે છે

ને પૂછું શું હું લઈ આવું? તો વસ્તુ સાત બોલે છે

હિંમતદાદા કાકી પર ખીજાણા કે લગનને આટલાં વરસ થયાં, તેં કોઈ દી મને વહાલથી જમાડ્યો નહીં! બીજે દી શાંતિકાકીએ ‘વાલ’નું શાક કર્યું ને કહ્યું પણ ખરું, ‘લ્યો સ્વામિનાથ આ વાલ! હવે રાજી?’

ગઝલ લખવા હું બેઠો’તો ને સાસુમા પધાર્યા ત્યાં

હઝલ થઈ ગઈ વ્યથા મારી આ ઝંઝાવાત બોલે છે!

દરેકના ઘરમાં સાસુ એક ખતરનાક વિલનના પાત્રમાં જ હોય છે. મિત્ર અતુલે એક દી મને કહેલું, ‘સીતામાતા વનમાં રામ સાથે ચાલ્યાં ગયાં એનું કારણ કદાચ એ જ હશે કે ઘરમાં ૧૪ વરસ ત્રણ સાસુઓ સાથે રહેવું એના કરતાં તો જંગલમાં પતિ સાથે ભટકવું સારું!’

મેં કહ્યું, ‘એવું નથી અતુલ. પૂ. મોરારીબાપુ ખૂબ સરસ દૃષ્ટાંત આપે છે કે સીતાએ રામનો સાથ જંગલભણી ન દીધો હોતને તો આ દેશની કોઈ પણ અધાર઼્ગના તેના પતિના કપરા સમયમાં તેને સાથ ન આપત. જાનકીએ તો દામ્પત્યજીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.’

જોકે અટાણે તો હવે એવા પ્રસંગો

આજુબાજુ જોવા મળે છે કે પતિદેવ શૅરબજારમાં ડૂબી જાય એટલે પત્ની બીજે દી સામાન લઈને રફુચક્કર થાય. હાલો હવે તમેય ઊપડો! આ રવિવારે આટલું જ કાફી છે. જય છટકેશ!

ઑફ ધ રેકૉર્ડ

હજ પઢતી વખતે સંત રાબિયાને કોઈએ પૂછ્યું, ‘મોહતરમા, આપ શૈતાન કો પત્થર મારના ભૂલ ગયીં હૈં.’

તો સંત રાબિયાએ સુંદર ઉત્તર આપ્યો, ‘અલ્લાહ સે ઇતની મોહબ્બત હો ગયી હૈ કિ શૈતાન સે નફરત કરના હી ભૂલ ગયી હૂં!’

07 October, 2012 07:06 AM IST |

અન્ય લેખો

સપ્તાહના ખાસ

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

27 December, 2020 06:12 IST | Mumbai | Rajani Mehta
સપ્તાહના ખાસ

નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું

નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું

12 December, 2020 06:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સપ્તાહના ખાસ

જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા

જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા

15 November, 2020 07:49 IST | Mumbai | ruchita

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK