° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


આપણને પુરુષાર્થની ટિકિટ લીધા વગર જ લૉટરી લગાડી લેવી છે

16 September, 2012 10:05 AM IST |

આપણને પુરુષાર્થની ટિકિટ લીધા વગર જ લૉટરી લગાડી લેવી છે

આપણને પુરુષાર્થની ટિકિટ લીધા વગર જ લૉટરી લગાડી લેવી છે(સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે)

ગામને પાદર ઠેઠ ખેતર હોય અને પગમાં વાળા (એક બીમારીનું નામ) રોગ ન દેતો. રાત મેઘલી હોય ને અમને કાળા બળદ ન દેતો. ઘરવાળી માથાભારે મળે અને સાળા પાછા પાડોશમાં ન દેતો. આટલી વસ્તુમાં તું ઈશ્વર અમારું ધ્યાન રાખી લે તો ખરેખર હું સુખી થઈ જાઉં.

ગુજરાતમાં મોડો-મોડો પણ વરસાદ ‘લેટ લતીફ’ની જેમ પહોંચી ગયો. લોકોની પ્રાર્થનાની અસર તો મને નથી લાગતી, પણ હા, ઈશ્વરને મૂંગાં પશુઓ પર દયા આવી હશે એ ચોક્કસ હું માનું છું. ઈશ્વર ક્યારેય સ્વાર્થી પ્રાર્થનાઓ નથી સાંભળતો. અત્યારે તો એવા કપરા કાળમાં આપણે જીવીએ છીએ કે ઈશ્વર ફરી અવતાર લે તો આપણે તેની પાસે પણ પહેલાં આઇડી પ્રૂફ માગીએ. ઈશ્વરને પોતે ખરેખર ઈશ્વર છે એવું સાબિત કરવામાં જ વર્ષો વીતી જાય. તેનો જન્મતારીખનો દાખલો કઢાવવા કે જૂનું સ્કૂલ-લીવિંગ સર્ટિફિકેટ ગોતાવવા તેને મામલતદાર કચેરીએ કે જૂની પ્રાથમિક શાળાએ ધક્કા ખવડાવીએ. અને અંતે ઈશ્વરને પોતાની સચ્ચાઈ સાબિત કરવા માટે જંતરમંતર કે રામલીલા મેદાનમાં ઉપવાસ પર જ બેસવું પડે. પછી આપણા આદરણીય નેતાઓ ઈશ્વર પર પણ સીબીઆઇની રેઇડ પડાવે. અણ્ણા હઝારે કે બાબા રામદેવની જેમ ઈશ્વરને પણ ચારેબાજુથી મૂંઝવવાના ભરપેટ પ્રયત્નો થાય.

કંટાળીને ઈશ્વર પછી આ દેશને સુધારવા પોતાની રાજકીય પાર્ટી બનાવે તો? ભારતીય ભગવાન પાર્ટી (બીબીપી), નિશાન સુદર્શનચક્ર. તમામ દેવતાઓ આ પાર્ટીના ચૂંટણીપ્રચાર માટે ઊતરી પડે. નારદજીને મિડિયા સેલના કન્વીનર બનાવવામાં આવે.

દરેક ભગવાન ગામેગામ યાત્રા કાઢીને તેના ભક્તો (મતદારો)ને વિનંતી કરે કે આ દેશનો ઉદ્ધાર ઇચ્છતા હો તો સુદર્શનચક્ર પર ચોકડી મારી કે બટન દબાવી ભારતીય ભગવાન પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવો. મારું અંગત માનવું છે કે આપણી જૂની પાર્ટીઓ અને એના નફ્ફટ નેતાઓ ઈશ્વરને પણ ચૂંટણીમાં તો હરાવી જ દે હોં! અને પછી થાકેલો-હારેલો ડિપોઝિટ ગુમાવેલો આપણો ઈશ્વર પાછો સ્વર્ગમાં જતો રહે.

કોઈ અજાણ્યા કવિની મને ખૂબ ગમતી કવિતા છે કે:

લખી-લખીને કોઈ બિચારે લખ્યો ઈશ્વરને કાગળ

સરનામામાં એમ લખ્યું કે મંદિર-મસ્જિદની આગળ-પાછળ

શેરો કરીને પાછું આવ્યું કે સરનામું ના ઊકલ્યું છે

ત્યારે મુજને ખબર પડી કે ઈશ્વરે ઘર બદલ્યું છે


બહુ જૂનો દાખલો છે કે એક ભિખારી સવારથી સાંજ સુધી મંદિરેથી મસ્જિદે ભટકતો રહે. કોઈ ભક્ત તેના ભિક્ષાપાત્રમાં ભીખ નથી નાખતો. ઢળતી સાંજે ભિખારી કંટાળીને મૈખાનાના દરવાજે બેસે. કલાકમાં તો મૈખાનામાંથી પીધેલા અને નાખેલા પિયક્કડ જેવા બહાર નીકળતા જાય અને પેલા ભિખારીના કટોરામાં કોઈ સો, કોઈ પાંચસો તો કોઈ હજાર નાખતા જાય. બે કલાકમાં તો ભિખારીનો કટોરો નોટોથી છલકાઈ જાય ત્યારે ભિખારી પણ કુદરત સામું જોઈને એટલું જ કહે, રે ખુદા! તૂ રહતા કહાં હૈ? ઔર સરનામા કહાં કા દેતા હૈ?

એક માણસે વરસો સુધી ભગવાનની પ્રાર્થના કરી. અમુક વરસ પછી એક સવારે તેના મંદિરમાં આકાશવાણી થઈ કે ઈશ્વર તારી પ્રાર્થના નામંજૂર કરે છે. તોય પેલો શ્રદ્ધાળુ તો નાચવા લાગ્યો. આડોશપાડોશના લોકોને આ આકાશવાણીથી આઘાત લાગ્યો કે બિચાડો વરસોથી આટલી પ્રાર્થના કરે છે ને ઈશ્વરે તેની પ્રાર્થના રિજેક્ટ કરી. પાડોશીઓ આશ્વાસન આપે છે કે ઘેલા, રિજેક્ટ થયેલી પ્રાર્થના માટે કેમ નાચે છે? તારે તો રડવું જોઈએ.

ત્યારે પેલો માણસ હસે છે કે મારી પ્રાર્થના ઈશ્વરે ન સ્વીકારી એનું મને જરાય દુ:ખ નથી, પરંતુ ઈશ્વરને ખબર તો છેને કે કોઈ વરસોથી તેની પ્રાર્થના કરે છે. બસ, તેણે મારી નોંધ લીધી એનો જ રાજીપો છે એટલે જ નાચું છું.

આપણું પણ આવું જ છે. લોકો નોંધ લે એના માટે આપણે બધું જ કરવા તૈયાર છીએ, પણ ઈશ્વર નોંધ લે એવું કરવામાં આપણું મન નથી માનતું. એક જણને ભગવાને મર્યા પછી પૂછ્યું કે તેં ધરતી પર કર્યું શું? માણસે મસ્ત જવાબ આપ્યો કે સૉરી ભગવાન, કરવાનું શું હતું? મને તો એ જ ખબર નહોતી કે તેં મને શા માટે ધરતી પર મોકલ્યો છે.

લક્ષ્ય વગરના, દિશા વગરના આપણે સૌ સુખી થવા માટે જીવનભર દુ:ખી થઈએ છીએ. એક ભક્ત છ મહિનાથી માતાજીને પ્રાર્થના કરે કે હે મા! મને દસ કરોડની લૉટરી લગાડી દે. સાતમા મહિને માતાજીને દયા આવી એટલે તેણે ભક્ત પર પ્રસન્ન થઈને પ્રગટ થઈને ફટાક કરતી ભક્તને એક ઝાપટ ઝીંકી. ભક્ત બેબાકળો થઈ ગયો કે મા, હું છેલ્લા છ મહિનાથી તારી તીવ્રતાથી પૂજા કરું છું ને તું કેમ ઝાપટ મારે છે? માતાજી પણ ખિજાઈને બોલ્યાં કે બેટા, એટલે જ તો ઝાપટ મારી છે કે તું દસ કરોડની લૉટરીની સફળતા રોજ માગે છે, પણ કો’ક દી ટિકિટ તો લે. મેં તો તારી લોન બીજે મહિને જ પાસ કરી નાખી છે, પણ ટિકિટ વગર દસ કરોડ તને દેવા કઈ રીતે?

આ વાત બહુ નાનકડી છે, પણ મર્મ સમજો તો ખૂબ ઊંડો છે. ‘આ વાતું છે બહુ જીણીયું, જેમ લોટા કાપે છીણીયું!’ અત્યારે આપણે સૌને રાતોરાત કરોડપતિ થાવાનાં સપનાં ક્ષણે-ક્ષણે આવે છે, પણ પુરુષાર્થની ટિકિટ લીધા વગર આપણે લૉટરી લગાડી લેવી છે એટલે જ તો ઈશ્વરની થપ્પડ બક્ષિસમાં મળે છે.

બાકી તો દોસ્તો, ઈશ્વર બહુ દયાળુ છે. ઈ તો દેવા જ બેઠો છે. બાઇબલનું એક સૂત્ર છે કે ઈશ્વર એક જ કામમાં વ્યસ્ત છે અને ઈ કામ છે આપણને પ્રેમ કરવાનું! પણ તોય આપણને ભરોસો નથી. બસ હલાવ્યા વાંકે દાઝે છે.

એ ખુદા, તું એ કઈ રીતે સાંખી શકે? કે કોઈ તારા નામ પર ભીખ માગી શકે! 

ઑફ ધ રેકૉર્ડ

કામ લાગે એવા કાઠિયાવાડી શબ્દો :

સુવાઇણ = મોજ, કહટામણ = મૂંઝારો, ટેસડો = આનંદ, ગોકીરો = દેકારો, વહરો = ખરાબ, ઢીઢીયારી = ધ્રુસકાં નાખવાં.

16 September, 2012 10:05 AM IST |

અન્ય લેખો

સપ્તાહના ખાસ

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

27 December, 2020 06:12 IST | Mumbai | Rajani Mehta
સપ્તાહના ખાસ

નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું

નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું

12 December, 2020 06:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સપ્તાહના ખાસ

જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા

જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા

15 November, 2020 07:49 IST | Mumbai | ruchita

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK