° °

આજનું ઇ-પેપર
Wednesday, 23 June, 2021


આવી જાઓ મેદાનમાં : કોણ-કોણ છે મારી સામે?

09 December, 2012 09:36 AM IST |

આવી જાઓ મેદાનમાં : કોણ-કોણ છે મારી સામે?

આવી જાઓ મેદાનમાં : કોણ-કોણ છે મારી સામે?
(શૈલેશ નાયક)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દેશ અને દુનિયાની નજર જ્યાં મંડાયેલી છે એ અમદાવાદની મણિનગરની બેઠક પરથી ગુજરાતના મુખ્ય પ્રધાન ત્રીજી વાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે તેમને માત આપવા કૉન્ગ્રેસનાં શ્વેતા સંજીવ ભટ્ટ ઉપરાંત રિક્ષા-ડ્રાઇવર, ઍડ્વોકેટ, બિઝનેસમૅન, પ્રોફેસર, મૅનેજિંગ ડિરેક્ટર, રિટાયર્ડ કર્મચારી સહિત આઠ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઊતર્યા છે. કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર તો શ્વેતા ભટ્ટના સમર્થનમાં અગાઉ જ ખસી ગયા છે.
આ આઠ ઉમેદવારોમાંથી કોઈકે અસત્ય સામે ન્યાયની લડત માટે તો કોઈ ઉમેદવારે હિન્દુત્વનું જનજાગરણ કરવા ચૂંટણીમાં ઝુકાવ્યું છે; જ્યારે કોઈએ મોંઘવારી, ભ્રષ્ટાચાર, ફિક્સ પગાર, જ્ઞાતિવાદ, મધ્યમ-ગરીબ વર્ગના પ્રશ્નો સહિતના મુદ્દા સાથે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે. જોકે આર્યની વાત એ છે કે મણિનગરની બેઠક પરથી ચૂંટણી લડતા ૧૦ ઉમેદવારોમાંથી માત્ર ત્રણ જ ઉમેદવાર મણિનગરમાં રહે છે એટલે કે સ્થાનિક ઉમેદવાર છે. બાકી નરેન્દ્ર મોદી સહિતના અન્ય સાત ઉમેદવારો આયાતી ઉમેદવાર છે. એક ઉમેદવાર તો આણંદનો રહેવાસી છે.

નરેન્દ્ર મોદીની જેમ મણિનગરની બેઠક પરથી ઉમેદવારી કરનારા બધા જ ઉમેદવારોને મોદી સામે વાંધો છે એવું નથી. કેટલાક ઉમેદવારોને પક્ષનો આદેશ છે તો એક ઉમેદવારને ભગવાન ભોલેનાથનો આદેશ મળ્યો હોવાથી મણિનગરમાંથી ઉમેદવારી નોંધાવી છે. નરેન્દ્ર મોદી સામે ચૂંટણીજંગમાં ઝુકાવનારા મોટા ભાગના નવા નિશાળિયા છે. જોકે એક ઉમેદવાર તો અટલ બિહારી વાજપેયી સામે પણ ગુજરાતમાંથી ચૂંટણી લડી ચૂક્યો છે. આવો મળીએ તેમને...

ભોલેનાથનો આદેશ થયો અને કહ્યું કે રાજા સામે ઊભા રહો
મણિનગરની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષના રિક્ષા-ડ્રાઇવર પરેશ શુક્લ ઉર્ફે ભોલેનાથે ઉમેદવારી કરી છે. પરેશ શુક્લ SUNDAY સરતાજને કહે છે, ‘ભોલેનાથે સાક્ષાત્ દર્શન આપીને કહ્યું કે રાજાની સામે ઊભો રહે. તો ગુજરાતનો રાજા કોણ? નરેન્દ્ર મોદી. એટલે હું તેમની સામે ચૂંટણીમાં ઊભો રહ્યો છું. બાકી મારે તેમની સાથે કોઈ દુશ્મની નથી.’

પ્રથમ વાર જ ચૂંટણી લડી રહેલા ન્યુ એસએસસી ફેલ પરેશ શુક્લ કહે છે, ‘હું જીતી જઈશ એવું લાગે છે, કેમ કે મણિનગરમાં રિક્ષા ચલાવતાં-ચલાવતાં મેં દરદીઓની સેવા કરી છે, તેમને ઓછા ભાડામાં ઘરે પહોંચાડ્યા છે, ઉંમરલાયક લોકોની સેવા કરી છે. ઘણી વખત મેં ગરીબોને ફ્રીમાં સેવા આપી છે. હું સેવાભાવી છું માટે મતદારો મને મત આપશે. ભગવાન કરે ને હું જીતી જઈશ તો ગુજરાતમાંથી ભ્રષ્ટાચારરૂપી રાક્ષસને જડમૂળથી ઉખેડી નાખીશ.’

હિન્દુત્વનું જનજાગરણ કરવું છે
મણિનગરનો સ્થાનિક રહેવાસી અને વિધાનસભા બેઠકનો યુવાન અપક્ષ ઉમેદવાર ૩૪ વર્ષનો પવન શ્રવણ માકન એટલા માટે ચૂંટણીમાં ઊભો રહ્યો છે કે તેને હિન્દુત્વનું જનજાગરણ કરવું છે. કાપડનો વેપારી અને ‘ક્રાઇમ નેટવર્ક’ નામનું વીકલી મૅગેઝિન ચલાવતો પવન માકન SUNDAY સરતાજને કહે છે કે ૨૦૧૦માં હું અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યો છું.

તમે નરેન્દ્ર મોદી સામે કેમ ચૂંટણીમાં ઊભા છો એ સવાલના જવાબમાં પવન માકન કહે છે, ‘હું હિન્દુ મહાસભાનો પ્રદેશ-અધ્યક્ષ છું અને મારી પાર્ટી હિન્દુત્વ માટે લડે છે. નરેન્દ્ર મોદીને પહેલાં અમે સર્પોટ આપતા હતા. નરેન્દ્ર મોદીએ હિન્દુવાદી છબિ બનાવી હતી એ ભૂલી ગયા છે, હિન્દુત્વની વાત બીજેપી ભૂલી ગઈ છે એટલે એનું જનજાગરણ કરવા ચૂંટણીમાં ઊભો છું.’

મણિનગર બેઠકના મતદારો તમને મત શા માટે આપે? પવન માકન કહે છે, ‘હું સ્થાનિક ઉમેદવાર છું. ઇલેક્શન સિવાય નરેન્દ્ર મોદી અહીં દેખાતા નથી. લોકો તેમના પ્રૉબ્લેમ લઈને તેમને ક્યાં મળવા જાય? દરેક સમાજના આગેવાનોનો મને સર્પોટ છે એટલે હું લડી રહ્યો છું.’

મોંઘવારીને નાથવી છે

૬૨ વર્ષના રિટાયર્ડ રેલવે-કર્મચારી જીવણભાઈ રામાભાઈ પરમારે ડેમોક્રેટિક ભારતીય સમાજ પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી છે. તેઓ સ્થાનિક રહેવાસી છે. જીવણભાઈ SUNDAY સરતાજને કહે છે, ‘બજારમાં મોંઘવારી વધી છે. એના પર અંકુશ નથી થઈ શકતો એટલે મોંઘવારીને નાથવા મેદાનમાં ઊતરવું પડ્યું છે.’

નરેન્દ્ર મોદી સામે ઉમેદવારી કરવાનું કારણ પૂછતાં તેઓ કહે છે, ‘આ તો મારો વિસ્તાર છે, હું અહીં રહું છું. હું કંઈ નરેન્દ્ર મોદી સામે ઊભો રહેવા માગતો નહોતો.’

મતદારો તમને શા માટે મત આપે? જીવણભાઈ પરમાર કહે છે, ‘હું ૩૦ વર્ષથી સમાજસેવા કરું છું. રેલવે એમ્પ્લૉઈઝનું ઘણું કામ કર્યું છે. આ વિસ્તારમાં રેલવે-કૉલોનીઓ છે એટલે બધા મારાથી વધારે પરિચિત છે. ૩૦ વર્ષથી અહીં રહું છું અને રેલવેના કર્મચારીઓ મતદારો પણ છે.’

ઓલ્ડ એસએસસી સુધીનો અભ્યાસ કરનારા અને પ્રથમ વાર ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા જીવણભાઈ પરમારના ચૂંટણીમુદ્દાઓમાં બેરોજગારી, ફિક્સ પગારની નોકરી અને મોંઘવારી મુખ્ય છે. તેઓ કહે છે કે ૨૫૦૦ રૂપિયાના ફિક્સ પગારમાં ઘરનું શું કામ થઈ શકે?

પાર્ટીનો આદેશ હતો 
મણિનગરની બેઠકનો સૌથી યંગેસ્ટ ઉમેદવાર ૩૧ વર્ષનો કશ્યપ સિદ્ધાર્થ યશવંતરાય બહુજન સમાજ પાર્ટીનો ઉમેદવાર છે અને તે પ્રથમ વાર ચૂંટણી લડી રહ્યો છે.

નરેન્દ્ર મોદી સામે ઉમેદવારી કરવા પાછળનું કારણ પૂછતાં કશ્યપ SUNDAY સરતાજને કહે છે, ‘ઘણા લોકો ઉમેદવારી કર્યા પછી ફૉર્મ પાછું ખેંચી લેતા હોય છે; પણ પાર્ટીને મારા પર ટ્રસ્ટ હતો, કેમ કે હું વર્ષોથી બહુજન સમાજ પાર્ટી સાથે જોડાયેલો છું. પાર્ટીનો આદેશ હોવાથી નરેન્દ્ર મોદી સામે ઉમેદવારી કરી છે.’

બીએ, એલએલબી સુધીનો અભ્યાસ કરનાર અને સાત વર્ષથી ર્કોટમાં પ્રૅક્ટિસ કરતો કશ્યપ સિદ્ધાર્થ કહે છે, ‘ભલે અત્યારે હું મણિનગરમાં રહેતો નથી, પણ પહેલાં હું સાત વર્ષ અહીં રહ્યો હતો. હું મણિનગરમાં ભણ્યો છું. અહીં મારાં ઘણાં સગાં રહેતાં હોવાથી મારી એક કનેક્ટિવિટી અહીં છે એટલે અહીંના મતદારો મને મત આપશે.’

ચૂંટણીમાં તમારા મુદ્દાઓ કયા છે? કશ્યપ કહે છે, ‘કાસ્ટિઝમ, અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રશ્નો, અલ્પસંખ્યકોના પ્રશ્નો વગેરેને હું વાચા આપીશ.’

કૉન્ગ્રેસ અને બીજેપીની નીતિઓ વિરુદ્ધમાં ઉમેદવારીકમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ઉમેદવાર અને સ્થાનિક રહેવાસી ૫૪ વર્ષના ઍડ્વોકેટ વિનોદ બ્રહ્મભટ્ટ SUNDAY સરતાજને કહે છે કે મેં કૉન્ગ્રેસ અને બીજેપીની નીતિઓની વિરુદ્ધમાં ઉમેદવારી નોંધાવી છે.

એલએલબી સુધીનો અભ્યાસ કરનાર વિનોદ બ્રહ્મભટ્ટ છેલ્લાં ૩૦ વર્ષથી ઍડ્વોકટ તરીકે ર્કોટમાં પ્રૅક્ટિસ કરે છે. જોકે તેઓ રેપકેસ, ફૅમિલીકેસ, ભરણપોષણના કેસ લડતા નથી. તેઓ ૧૯૯૫માં દસક્રોઈ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને હવે ફરી વાર મણિનગરમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવા પાછળનું કારણ જણાવતાં વિનોદ બ્રહ્મભટ્ટ SUNDAY સરતાજને કહે છે, ‘નરેન્દ્ર મોદી સામેની ઉમેદવારી વ્યક્તિગત નથી. તેમની સામે ઉમેદવારી કરવી એવું નથી. ૨૦૦૧માં નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા ત્યારે ભ્રષ્ટાચારની ગંધ આવશે તો ચમરબંધીઓને પણ નહીં છોડું એવું કહ્યું હતું, પણ કૉન્ગ્રેસના ૪૫ વર્ષના શાસનને શરમાવે એટલા પ્રકારનો ભ્રષ્ટાચાર બીજેપીના મુખ્ય પ્રધાનના શાસનમાં થયો છે. મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર, જ્ઞાતિવાદ, કોમવાદના પ્રશ્નો છે ત્યારે ખાસ કરીને ગરીબ-મધ્યમ વર્ગના પ્રશ્નો માટે મેં અનેક વખત સંઘર્ષ કર્યો છે. મતદારો અનેક પ્રકારના પ્રશ્નો-સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સીપીઆઇના સંઘર્ષને ધ્યાનમાં લઈને તેમ જ બીજેપી-કૉન્ગ્રેસનાં કૌભાંડોને જોઈને પાંચ વર્ષે મતદાન કરવાની ઉત્તમ તક મળે છે એનો ઉપયોગ મતદારો કરશે. મણિનગરની જનતા જાગૃત છે.’

ભારતનો એજ્યુકેશન મિનિસ્ટર બનવા માગું છુંસમાજસેવા કરતા ૬૦ વર્ષના નિવૃત્ત વડીલ અને સમાજવાદી પાર્ટીના મણિનગર બેઠકના ઉમેદવાર મર્ચન્ટ જગદીપ અરવિંદ કહે છે કે હું ભારતનો એજ્યુકેશન મિનિસ્ટર બનવા માગું છું. અમદાવાદના અટિરા વિસ્તારમાં રહેતા અને મણિનગરમાંથી ચૂંટણી લડવા ઉમેદવારી નોંધાવનારા જગદીપભાઈ SUNDAY સરતાજને કહે છે, ‘હું અગાઉ બીએસપીમાંથી ચાર વખત ચૂંટણી લડી ચૂક્યો છું. સરખેજ વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે લડી ચૂક્યો છું. એક વખત અપક્ષ ઉમેદવાર તરીકે ગાંધીનગર લોકસભા બેઠક પરથી અટલ બિહારી વાજપેયી સામે પણ ચૂંટણી લડ્યો હતો.’

જગદીપભાઈ પહેલાં બીએસપીમાં હતા, પરંતુ એના નેતા કાંશી રામના અવસાન પછી તેમણે બીએસપી છોડી દીધી હતી અને થોડો સમય કૉન્ગ્રેસમાં કામ કર્યું હતું. જગદીપભાઈ કહે છે, ‘બધાને શિક્ષણ મળતું નથી, નિરક્ષરતાને કારણે રાયટ્સ થતા હોય છે. જો બધાને શિક્ષણ મળે તો તોફાનો નહીં થાય. કમ્યુનલ વાયોલન્સ ન થાય એ મારો ઉદ્દેશ છે અને એ માટે હું ભારતનો એજ્યુકેશન મિનિસ્ટર બનવા માગું છું.’

તમે નરેન્દ્ર મોદી સામે કેમ ચૂંટણી લડી રહ્યા છો? જગદીપભાઈ કહે છે, ‘લોકોના હક માટે હું ચૂંટણી લડું છું. ૬૫ વર્ષથી ગરીબોએ ટૅક્સ ભર્યો છે. તેમને હક અપાવવો છે, તેમનું સશક્તીકરણ કરવું છે.’

ભ્રષ્ટાચારમુક્ત, લોકશાહીયુક્ત ભારત બનાવવું છેગુજરાતમાં દૂધની નગરી તરીકે ઓળખાતા આણંદમાં રહેતા અને નવીન ભારત નર્મિાણ મંચના ઉમેદવાર તરીકે મણિનગરની બેઠક પરથી ઉમેદવારી નોંધાવનારા બાવન વર્ષના અસોસિએટ પ્રોફેસર ડૉ. દિનેશ શનાભાઈ પટેલ SUNDAY સરતાજને કહે છે, ‘અમારે ભ્રષ્ટાચારમુક્ત, લોકશાહીયુક્ત ભારત બનાવવું છે એટલે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે.’

બીએસસી, એમએસસી અને રસાયણશાસ્ત્ર વિષયમાં પીએચડી કરનાર તેમ જ પ્રથમ વખત ચૂંટણીજંગમાં ઝુકાવનાર ડૉ. દિનેશ પટેલ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરમાં તેમ જ ઉદયપુરની બે યુનિવર્સિટીમાં રિસર્ચ-ગાઇડ છે. નવીન ભારત નર્મિાણ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. દિનેશ પટેલ કહે છે, ‘ભ્રષ્ટાચાર સામે જંગ ખેલવાનો અમારો અભિગમ છે. દેશ જુદી દિશામાં ધકેલાઈ ગયો છે. ભ્રષ્ટ નીતિને લઈને લોકશાહી સરમુખત્યારશાહી તરફ ધકેલાઈ રહી છે ત્યારે ભ્રષ્ટાચારમુક્ત અને લોકશાહીયુક્ત અખંડ ભારત બને એવા હેતુથી આ મંચની રચના કરી છે.’

નરેન્દ્ર મોદી સામે ઉમેદવારી કરવા પાછળનું કારણ પૂછતાં તેઓ કહે છે, ‘છેલ્લાં ૧૦ વર્ષમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર એક્સ્ટ્રીમ લેવલે પહોંચ્યો છે અને એના માટે નરેન્દ્ર મોદી સરકાર જવાબદાર છે. ગુજરાતના મતદારોને તેમની સાચી છબિનાં દર્શન થાય એ માટે ઉમેદવારી કરી છે.’

મતદારો સમક્ષ તમારો મુદ્દો કયો હશે? ડૉ. દિનેશ પટેલ કહે છે, ‘ભ્રષ્ટાચારમુક્ત શાસન લોકશાહીયુક્ત શાસન બને એ અમારો મુદ્દો છે. અમારા મંચના ઉમેદવારો સુરતના કતાર, વાઘોડિયા, ઉમરેઠ, આણંદ, મણિનગર અને વાંસદાની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેમ જ કાલોલ, આંકલાવ, ખંભાત અને સોજિત્રાના અપક્ષ ઉમેદવારો પણ અમારા મંચ સાથે છે.’

શ્વેતાબહેનને સર્પોટ જાહેર કર્યો૫૯ વર્ષના નિવૃત્ત બૅન્ક-અધિકારી અને ભારતીય જનતા દળના મણિનગર બેઠકના ઉમેદવાર ચાવડા અમરસિંહ બાદરસિંહજીએ કૉન્ગ્રેસનાં ઉમેદવાર શ્વેતા ભટ્ટને સર્પોટ જાહેર કર્યો છે. રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટિવિસ્ટ અને અમદાવાદમાં સાયન્સસિટી પાસે રહેતા અમરસિંહભાઈ SUNDAY સરતાજને કહે છે, ‘મારી લડાઈ અસત્યની સામે છે અને સત્યની લડાઈ લડવા ઊભો છું, પરંતુ કૉન્ગ્રેસનાં ઉમેદવાર શ્વેતા ભટ્ટને મેં મારો સર્પોટ જાહેર કર્યો છે એટલે હવે હું મારો પ્રચાર કરવાનો નથી. હવે હું શ્વેતાબહેન અને કૉન્ગ્રેસ માટે પ્રચાર કરીશ.’

બીજેપી = ભારતીય જનતા પાર્ટી, એલએલબી = બૅચલર ઇન લૉ, બીએ = બૅચલર ઑફ આટ્ર્સ, સીપીઆઇ = કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા, બીએસપી = બહુજન સમાજ પાર્ટી, બીએસસી = બૅચલર ઑફ સાયન્સ, એમએસસી = માસ્ટર ઑફ સાયન્સ, પીએચડી = ડૉક્ટર ઑફ ફિલૉસોફી


09 December, 2012 09:36 AM IST |

અન્ય લેખો

સપ્તાહના ખાસ

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

આપને હમેં પેદા ક્યૂં કિયા?આ સવાલનો હરિવંશરાય બચ્ચને શું જવાબ આપ્યો?

27 December, 2020 06:12 IST | Mumbai | Rajani Mehta
સપ્તાહના ખાસ

નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું

નવપરિણીત કપલોનું હનીમૂન અટવાયું

12 December, 2020 06:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સપ્તાહના ખાસ

જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા

જેમના નામથી પ્રત્યેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ મુછાળી મા

15 November, 2020 07:49 IST | Mumbai | ruchita

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK