હેતલ દેસાઇ પોતાની વાત કરતા કહે છે કે, “અમારાં લગ્ન થવું અસંભવ જ હતું. દીપક ત્યારે ૩૦ વર્ષના અને હું ૨૯ની અને તે મક્કમ હતો કે તે લગ્ન નહીં જ કરે અને મેં એમ નક્કી કરેલું કે હું કોઇ ગુજરાતી છોકરા સાથે તો નહીં જ પરણું, એવું કેમ નક્કી કરેલું એ મને હવે અત્યારે યાદ નથી. અમારી વચ્ચે દોસ્તી તો પહેલા દિવસથી જ હતી પણ પ્રેમ કે લગ્નનો ઇરાદો તો હતો જ નહીં. દીપક પોતાના દેખાવ, કપડાં બધાં પ્રત્યે સાવ બેદરકાર, એમને કંઇ ફેર ન પડે. જોઇને પ્રેમમાં પડી જવાય એવી શક્યતાઓ ઓછી. અમે રિપોર્ટિંગ સિવાયના સમયમાં જ્યારે મળતાં, રખડતાં, રિધમ હાઉસ કે પૃથ્વી થિએટર જતાં અને સબર્બન ટ્રેનમાં સાથે જતા ત્યારે મને એમ તો થયું જ કે માણસ આકર્ષક નથી પણ એની સાથે વાતો ખૂટતી નથી.”