બૉમ્બે હાઇકૉર્ટે પોતાના એક આદેશમાં કહ્યું કે કોઇપણ સગીરના બ્રેસ્ટને કોઇપણ પ્રકારના 'સ્કિન ટૂ સ્કિન' કૉન્ટેક્ટ વગર POCSO (Protection of Children from Sexual Offences) એક્ટ હેઠળ યૌન શોષણની શ્રેણીમાં આવતું નથી. હાઇકૉર્ટના નાગપુર બેન્ચની જજ પુષ્પા ગનેડીવાલાએ પોતાના 19 જાન્યુઆરીના પાસ કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોઇપણ પ્રકારની છેડછાડની ઘટનાને યૌન શોષણની શ્રેણીમાં રાખવા માટે ઘટનામાં 'યૌન ઇરાદે કરવામાં આવેલું સ્કિન ટૂ સ્કિન કૉન્ટેક્ટ' હોવો જોઇએ. તેમણે કહ્યું કે સગીરને ગ્રોપ કરવું એટલે ટટોળવું, યૌન શોષણની શ્રેણીમાં નહીં આવે.
સેશન કૉર્ટે એક 39 વર્ષના વ્યક્તિને 12 વર્ષની બાળકીનું યૌન શોષણ કરવાના અપરાધમાં ત્રણ વર્ષની સજા પણ સંભળાવી હતી, જેને ગનેડીવાળાએ સંશોધિત કર્યું છે. ડિસેમ્બર, 2016માં થયેલી આ ઘટનાને લઈને સગીરની ગવાહીમાં કહેવામાં આવ્યું છે કે આરોપી સતીશ નાગપુરમાં બાળકીને કંઇક ખવડાવવાની લાલચ આપી પોતાના ઘરે લઈ ગયો હતો. ગનેડીવાળાએ પોતાના આદેશમાં કહ્યું છે કે, જ્યાં તેણે બાળકીના વક્ષસ્થળનો સ્પર્શ કર્યો અને તેના કપડા ઉતારવાનો પ્રયત્ન કર્યો.
કૉર્ટે કહ્યું કે જોકે, તેણે બાળકીના કપડાં ઉતાર્યા વગર તેને સ્પર્શ કર્યો હતો, તે આ યૌન શોષણ માની શકાય નહીં, પણ આ આઇપીસી ધારો 354 હેઠળ મહિલાની શાલીન ભંગની ઘટના માનવામાં આવશે. જ્યાં કલમ 354 હેઠળ દોષીનને એક વર્ષની સજા હોય છે, જ્યારે POCSO એક્ટમાં ત્રણ વર્ષની સજાનું પ્રાવધાન છે. સેક્શન કૉર્ટે દોષીને પૉક્સો અને કલમ 354 હેઠળ ત્રણ વર્ષની સજા સંભળાવી હતી, જે એક સાથે જ ચાલવાની હતી. જો કે, હાઇકૉર્ટે તેને પૉક્સો એક્ટમાંથી છોડી દીધો અને કલમ 354 હેઠળ સજા જાળવી રાખી.
આ બૉમ્બે હાઇકૉર્ટના નિર્ણયને લઈને ગુજરાતી મિડ ડે સાથે શિક્ષકો તેમજ નારીના હિતેચ્છુઓએ વાત કરીને આ અંગે પોતાનો મત રજૂ કર્યો છે. જાણો અહીં..
સમાજ સેવિકા અને ગુજરાતી ભાષાના ઉમદા લેખિકા તેમજ સ્ત્રીઓના ઉત્કર્ષ અને સન્માન માટે સતત લડતા અને પ્રવૃત્તિશીલ એવા સોનલબેન શુક્લા આ વિશે જણાવે છે કે, "બળાત્કાર માટે પણ એવું મનાતું કે જ્યાં સુધી માણસે પોતાનું ગુપ્તાંગ ન વાપર્યું હોય તો તે બળાત્કાર ન કહેવાય, ભલે પછી એણે સળગતી સીગરેટ કે પાઇપ નાખ્યો હોય. આ માટે પુરુષને ક્રૂર આનંદ આવે કદાચ કોઇક પ્રકારનું બિભત્સ આનંદ પણ મળે તો એ શું બળાત્કાર નહોતો?, માંડ નારી આંદોલને અનેક રીતે ધમાલ કરીને આ વ્યાખ્યા બદલાવી. ગમે તે હોય તે પોતાનો હાથ વાપરે કે બીજી કોઇ વસ્તુ એ બળાત્કાર જ છે. જે નાની છોકરી જેને પોતાને ઇચ્છાઓ જાગી પણ નથી, તેના સ્ત્રીજીવનની શરૂઆત શું પુરુષ સાથેના આવા અનુભવોથી થાય? બે વર્ષની બાળકીને પણ બળાત્કાર કરનારો મળી આવે છે તો પોતાની અનિચ્છા હોવા છતાં છાતી કે ગમે તે શરીરના ભાગ પર કોઇ માણસ હાથ ફેરવી જાય કે દબાવે તો એ શું નાનોસૂનો ગુનો કહેવાય? અજાણતાં હાથ લાગ્યો છે એવો ડોળ કરનારા છાતી કે કમર નીચે આગળ પાછળ હાથ ફેરવી જનારા ઓછા મળે છે? મુંબઇમાં રોજ બસમાં, કે ટ્રેનની ભીડમાં આવતી જતી તરુણીઓનો શો અનુભવ છે તે આપણે ક્યાં નથી જાણતાં; સ્કૂલ કૉલેજની છોકરીઓ, કે નોકરી કરતી બહેનોને પૂછો. આ ચુકાદાઓથી તો હરામીઓ ફાવી ગયા." (તસવીર સૌજન્ય આશિષ રાણે)
"આ જે નિર્ણય બૉમ્બે હાઇકૉર્ટે આપ્યો છે તેની સામે બધી મહિલા સંસ્થાઓ તૈયારી કરી રહી છે આ ચૂકાદો અતિશય અપમાનકારક નિર્ણય છે એક તરફ આપણે બેટી બચાઓ બેટી પઢાઓને એવી બધી મોટી મોટી વાતો કરીએ અને અત્યારે આ પ્રકારના અનેક દુષ્કર્મો થાય તે ખરેખર ચિંતાજનક છે. છેલ્લા 9 મહિનામાં સાડાચાર લાખ કરતા વધુ ફોન ગયા છે જેમાં લગભગ 1 લાખ જેટલા ફોન તો 18 વર્ષથી નાની બાળકીઓના છે. રાજ્ય પણ જ્યારે આવી ઘટનાઓને નગણ્ય માને જેમાં બંધારણ આર્ટિકલ 14, 15, 16 અને 21 આ બધાનું અહીં હનન થાય છે. કોઇની પાસેથી સાવ નાનકડી વસ્તુ લઈએ ત્યારે પણ પૂછવું જરૂરી બની જાય છે ત્યારે આખું સ્ત્રી શરીર તેમની માટે પોતાની પ્રૉપર્ટી કઈ રીતે હોઇ શકે? એકતરફ જ્યાં સાઇબર ક્રાઇમની વાત કરીએ તો બિભત્સ ચિત્ર બતાવવું તે પણ સજાપાત્ર છે તો આ કઈ રીતે ગુનો નથી. આ ચૂકાદો આપનારે શું પોતે આ બધાં જ કાયદાઓ વાંચ્યા છે? આ દુષ્કર્મ થયું તેને કારણે કેટલા બધાં કાયદાઓનું હનન થયું છે. આવા અનેક કાયદાઓ છતાં જો જજ આવો નિર્ણય આપે તો, ન્યાયાધીશને જ જેન્ડર સેન્સિટાઇઝેશનની જરૂર છે."- ડૉ. વિભૂતિ પટેલ, એસએનડીટી મહિલા વિદ્યાપીઠનાં ભૂતપૂર્વ પ્રૉફેસર
સમાજશાસ્ત્રી અને ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ પ્રૉફેસર ગૌરાંગ જાની જણાવે છે કે, "આ પ્રકારનું જજમેન્ટ ખૂબ જ આશ્ચર્યજનક અને આઘાતજનક છે એ પણ હાઇકૉર્ટ દ્વારા અપાયું હોય ત્યારે. કારણકે તમે જોઇ શકો છો કે જે પ્રકારના અત્યાચારો બહેનો અને બાળકીઓ ઉપર વધતા જાય છે, કેટલા બધાં ક્ષેત્રોમાં બહેનો પર અત્યાચાર વધતા જાય છે. તેમાં તમે કોઇપણ ડેટા જુઓ તો તમને ખ્યાલ આવે કે દરેક પ્રકારની વયમાં આ પ્રકારના અત્યાચારો વધી રહ્યા છે ત્યારે એને આ રીતે વ્યાખ્યાબદ્ધ કરો તો એ અયોગ્ય છે. જો તમે શાબ્દિક હિંસાને પણ હિંસા માનતા હોવ ત્યારે આ પ્રકારની ઘટનાને આમ ડિફાઇન કરી દેવી તે એમાંથી તેને બાદ કરી દો તો તે ખરેખર ચિંતા ઉપજાવનારી વાત છે અને જે પણ લોકો હોય, સંગઠનો હોય, સરકાર છે કે સુપ્રીમ કૉર્ટે પણ આ અંગે હસ્તક્ષેપ કરવો જોઇએ. આમેય જ્યાં પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીઓ માટે આટલા બધાં પ્રશ્નો છે એવામાં પુરુષોમાં એક જુદાં જ પ્રકારની સમજ (જેને ગેરસમજણ કહી શકાય તે) ઊભી થશે. આ પ્રકારની હિંસા જે ઘરની અંદર અને ઘરની બહાર થઈ રહી છે તેમાં હવે પુરુષોને છૂટો દોર મળી જશે. કાયદો સ્ત્રીને રક્ષણ આપનારો છે પણ જો તે કવચ જ ઢીલું કરી દેવામાં આવે કે તેની સાથે બાંધછોડ કરવામાં આવે તો તે કેટલું યોગ્ય છે?"
"આ નિર્ણય સ્વીકૃત નથી, એક સમય હતો જ્યારે લોકો સહન કરી લેતા હતા પણ હવે એ નહીં થાય, તેનો વિરોધ કરવામાં આવે છે અને આવશે. એક તરફ જ્યાં આપણે ગઈકાલે જ તો હજી બાળકી દિવસ ઉજવ્યો ત્યારે જો બૉમ્બે હાઇકૉર્ટ આવો નિર્ણય આપે તો એ વિચારવા જેવી વાત છે કે આપણો સમાજ કઈ દિશા તરફ વળી રહ્યો છે? અને બૉમ્બે હાઇકૉર્ટ સમાજને શું સંદેશ આપવા માગે છે?" એસએનડીટી મહિલા વિદ્યાપીઠ ગુજરાતી વિભાગાધ્યક્ષા ડૉ. દર્શના ઓઝા
મીઠીબાઇ કૉલેજના સમાજશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રૉફેસર અને સ્ત્રી સન્માન માટે સતત પ્રયત્નશીલ એવા ખેવના દેસાઇએ ગુજરાતી મિડ-ડે સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ નિર્ણય જૂનવાણી અને રૂઢીચુસ્ત નિર્ણય છે. પૉક્સો એક્ટ જે બાળકો માટે છે અને તેમાં જો શરીરનો શરીર સાથેનો સ્પર્શ હોય તો જ ગુનો ગણાય એવું માનતા હોઇએ તો આપણે કેટલા પાછળ છીએ. સ્ત્રીઓ માટે 2013માં આવેલો કાયદા એટલો ફૉર્વર્ડ છે કે સ્ત્રીનો પીછો કરવો કે, તેને ટગર ટગર જોયા કરવું તે પણ ગુનો હોય તો બાળકોના કેસમાં આપણે વધારે સંવેદનશીલ થવાની જરૂર છે તેવામાં આવા ચૂકાદા આવે તે ખરેખર શરમજનક વાત છે. જો કાયદાના અર્થઘટનો ચૂકાદો આપનારા જ આ પ્રકારના કરશે તો લોકો ન્યાયની માગ કોની પાસે કરશે? અને કદાચ આ જ કારણસર લોકોને કાયદાકીય વ્યવસ્થા પર હવે વિશ્વાસ રહ્યો નથી. જે સમયમાં આપણે કાયદાનો ઢાલ તરીકે ઉપયોગ કરવાનો છે ત્યાં એ કાયદાના ઇમ્પિલિમેન્ટેશન સમયે કેમ પાછળ પડી જવાય છે તે એક મોટો પ્રશ્ન છે..."
બૉમ્બે હાઇકૉર્ટે પોતાના એક આદેશમાં કહ્યું કે કોઇ સગીર છોકરીને નિર્વસ્ત્ર કર્યા વગર, તેના વક્ષસ્થળે(છાતી)ને સ્પર્શવું, યૌન હુમલો નથી. જો કે, એવા આરોપી વિરુદ્ધ આઇપીસી ધારો 354 (શાલીનભંગ) હેઠળ કેસ ચાલશે. કૉર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે યૌન હુમલાની પરિભાષામાં શારીરિક સંપર્ક પ્રત્યક્ષ હોવું જોઇએ કે સીધો શારીરિક સંપર્ક થવો જોઇએ. તસવીર સૌજન્ય જાગરણ, મિડ-ડે અને આશિષ રાણે.