અમદાવાદના નિવાસી કિરીટ પંડ્યાએ ગુજરાત સરકારના ગરબા ઉપર પ્રતિબંધના નિર્ણયમાં પોતાની સંમતિ વ્યક્ત કરતા કહ્યું કે, અમારી સોસાયટીમાં પણ અમે કાયદા મુજબ ફક્ત આરતી કરીએ છીએ. પ્રસાદનું વિતરણ કરતા નથી. સોશ્યલ ડીસ્ટનિંગ રાખીને આરતી કરીએ છીએ. આ વખતે નવરાત્રીનો માહોલ જાણે છે જ નહીં, કારણ કે 10 વાગ્યા પછી બજારો પણ બંધ થઈ જાય છે. ખાણીપીણીની વસ્તુઓ બંધ થઈ જતી હોવાથી કોણ બહાર નીકળે?. યુવાઓને તો ચટાકો કરવો હોય જે હાલ બંધ છે. આ વખતે પાર્ટીપ્લોટો બંધ છે. આ વખતે અમદાવાદમાં પાંચ ટકાએ નવરાત્રીનો માહોલ નથી. વાતાવરણ નિરસ છે.
રૂપલ પરમારના મતે, કોરોનાને લીધે નવરાત્રીમાં ગરબાનું આયોજન ન થવું જોઈએ કારણ કે લોકોની સુરક્ષાનો સવાલ છે. નવરાત્રી દર વર્ષે આવે જ છે, તેથી આપણે આવતા વર્ષે પણ ગરબા રમી શકીએ છીએ પરંતુ હાલ આ મહામારી સામે લડત આપવાની જરૂર છે.
મનન શાહે કહ્યું કે, હું નવરાત્રીને ખૂબ જ મિસ કરી રહ્યો છું કારણ કે નવરાત્રી આવે ત્યારે એક સકારાત્મકતા આવતી હોય છે, એક અલગ જ જાતની ઉર્જા આવતી હોય છે. આ વખતે એ ઉર્જાને અનુભવી શકાતી નથી. કોવિડ-19ને લીધે માહોલ આખો નકારાત્મક બન્યો છે. નવરાત્રી આવી હોવા છતાં એવુ લાગે છે કે આપણે કંઈક મીસ કરી રહ્યા છીએ. દર વર્ષે હું ઓફિસથી આવીને ભલે કેટલો પણ થાકેલો હોવ પણ માતાજીની આરતી કરીને ગરબા રમતો જ હતો. દર વર્ષે માતાજીની સેવા કરવુ પણ મને ખૂબ ગમે છે. હું માનું છું કે કોરોનાના કાળમાં નવરાત્રીનું આયોજન પહેલાની જેમ ન થવું જોઈએ પરંતુ ગરબા થવા જોઈએ એવો મારો અંગત વિચાર છે. જોકે આવતા વર્ષે હું ડબલ-ટ્રીપલ મજા કરીશ. મને રોજ એવુ લાગે કે કદાચ સરકાર છેલ્લા દિવસે પણ ગરબા રમવાની મંજૂરી આપી.
રાજલ પરમારે કહ્યું કે, હું ગરબાને ખૂબ મિસ કરી રહી છું. મારુ માનવું છે કે નવરાત્રી થવી જ જોઈએ કારણ કે જોવા જઈએ તો લોકો જોબ પર જાય જ છે, દૈનિક જીવન પણ પહેલાની જેમ નોર્મલ થઈ રહ્યું છે તો નવરાત્રીમાં ગરબાનું આયોજન થવુ જોઈએ. જોકે મહામારીને લીધે અમૂક નિયંત્રણો પણ જરૂરી છે.
હેતલ પરમાર આ વખતે નારાજ છે. દર વર્ષે નવરાત્રી વખતે એક એક્સાઈટમેન્ટ હોય છે, જે આ વખતે હું મિસ કરું છું. સરકારના નિર્ણયની હું તરફેણમાં છું, કારણ કે ‘જાન હે તો જહા હે’. પરંતુ એકંદર પરિસ્થિતિને જોતા સરકારનો નિર્ણય પણ બરાબર છે.
દર્શિત પંચાલે કહ્યું કે, અમદાવાદ સહિત દરેક ગુજરાતી વ્યક્તિ આ વખતે ગરબા મિસ કરી રહ્યા છે એ વાત સ્પષ્ટ છે, ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે તે બરાબર જ છે કારણ કે કોરોનાનો કહેર હજી યથાવત્ છે. તેમ જ વિદેશમાં પણ આપણે જોઈએ તો લૉકડાઉનનો બીજા તબક્કો જોવા મળી રહ્યો છે. મારા હિસાબે વર્તમાન પરિસ્થિતિને જોતા આપણે એક વર્ષ ગરબા ન રમવા જોઈએ.
કેતુલ સોની આ વર્ષે રાતના બે-બે વાગ્યા સુધી ગરબા રમવાના જલસા ઉપરાંત માણેકચોકના ખાવાનું, નવરાત્રી સમયે મિત્રો સાથે ફરવાની મજા, પાસના સેટિંગ કરવાનો એક અલગ અનુભવ અને ઠેર ઠેર નવરાત્રી સમયે બનતા સુંદર મંડપ આ વખતે મિસ કરી રહ્યા છે. ગુજરાત સરકારના ગરબા રમવા ઉપર પ્રતિબંધના નિર્ણય બાબતે તેમણે કહ્યું કે, એક ગુજરાતી તરીકે તો આ નિર્ણયથી સંમત નહોતો પરંતુ વર્તમાન મહામરીને જોતા એમ થાય કે સરકારનો નિર્ણય બરાબર છે. યુવાનોની રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે પરંતુ આપણે વાયરસના કૅરિયર પણ ન બનવા જોઈએ.
મનાલી સરૈયા તેમના ફ્રેન્ડ સર્કલ જોડે નવરાત્રી ખૂબ એન્જોય કરતા હોય છે જે આ વખતે મિસિંગ છે. તેમણે કહ્યું કે, દર વર્ષે નવરાત્રીમાં કમસેકમ બેથી ત્રણ દિવસ અમે ફ્રેન્ડ્સ સાથે જ ગરબા રમીએ છીએ. જોકે વર્તમાન પરિસ્થિતિને જોતા સરકારે લાદેલા અમૂક પ્રતિબંધ પણ વાજબી છે. અત્યારે બધાની પૉઝીશન ખરાબ છે. જોકે આવતા વર્ષે વધારે એન્જોય કરીશું, એમ પણ તેમણે કહ્યું હતું.
સુમિત વાઘેલાએ કહ્યું કે, ગુજરાત સરકારનો ગરબા ઉપરનો પ્રતિબંધનો નિર્ણય વાજબી છે કારણ કે એક વર્ષ ભલે ગરબા ન રમી શકીએ પરંતુ લોકોનું જીવન સુરક્ષિત રહેશે. માણસનો જીવ જતો રહેશે તે પાછો નહીં આવે પરંતુ ગરબા તો આવતા વર્ષે પણ રમી શકાશે.
અર્તશ પંચાલે મહામારી બાબતે પોતાના વિચાર વ્યક્ત કરતા જણાવ્યું કે, કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક વર્ષ ગરબા ન રમીએ તો ચાલે કારણ કે કોઈનો જીવ જાય એનાથી મોટુ નુકસાન શું કહેવાય. મારા માસી ઘરમાં જ એક અઠવાડિયામાં બે મૃત્યુ થયા હતા. તેમ જ અમારી જૂની પોળમાં પણ પાંચ-છ જણનું મૃત્યુ થયું છે. હું પોતે લેબોરેટરીમાં કામ કરું છું એટલે મહામારીની ગંભીરતાને સમજું છું.
દિવ્યા ભાવસારે ગરબા રમવાના પ્રતિબંધ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ગરબાનું ગુજરાતની આન-બાન-શાન છે, તેથી ગરબા ન થાય એનુ મોટુ દુખ છે. માતાજીની આપણે આરાધના કરીએ અને એકબાજુ ગરબા રમીએ એ બંને સરખુ જ છે. ગરબાનો મતબલ એ કે તમને માતાજીની આરાધના કરો છો. મારા જીવનમાં પહેલી વખત આવુ બન્યું કે હું નવરાત્રીમાં ગરબા નથી રમી રહી. મારો અંગત મત છે કે તમે પાર્ટીપ્લોટમાં ગરબાની મંજૂરી ન આપો એ સમજ્યા કારણ કે તેમાં અલગ અલગ વિસ્તારના ઘણા લોકો ભેગા થાય પરંતુ પોળમાં ગરબાની મંજૂરી મળવી જોઈતી હતી. ગરબા એ નારીશક્તિનો વિષય છે. 12 મહિનાની એનર્જી ગરબાથી જ મળતી હોય છે. જોકે વર્તમાન પરિસ્થિતિમાં કોરોના મહામારીનો જે કહેર છે તે જોતા લોકોનો જીવ સુરક્ષિત રહે તે પણ જરૂરી છે.
પાયલ દવેના મતે ગુજરાત સરકાર મોટા મોટા પાર્ટીપ્લોટમાં ગરબાની પરમિશન ન આપે એ વાત બરાબર છે પરંતુ સોસાયટીઓમાં લોકો ધારે તો સોશ્યલ ડિસ્ટન્સીંગથી આયોજન કરી શક્યા હોત, પરંતુ સોસાયટીમાં પણ ગરબાની મંજૂરી ન અપાઈ એ મારી દૃષ્ટિએ ખોટું છે. અત્યારે આરતીથાળ તો માસ્ક પહેરીને થાય જ છે પરંતુ બધા લોકો ગરબાને મિસ કરી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં મોટા પાર્ટીપ્લોટમાં આયોજન કરવું પડકારરૂપ થયુ હોત પરંતુ સોસાયટીઓમાં છેલ્લા પાંચ-છ વર્ષથી ગરબીની પ્રથા ચાલુ થઈ છે એ તો કરવું જોઈએ.
નીતા જોશીએ કહ્યું કે, હું ઉપરાંત મારી આજુબાજુ રહેતા અમે બધા જ લોકો આ નવરાત્રીમાં ગરબાને મિસ કરી રહ્યા છીએ. મારા હિસાબે શૅરી ગરબા તો થવા જોઈએ. પરંતુ કોરોના મહામારીની ગંભીરતાને જોતા ગુજરાત સરકારે પણ આ નિર્ણય વિચારીને જ લીધો હશે, જેથી આગળ મહામારી ન ફેલાય. અમે ઘરે જ માતાજીની ઉપાસના કરીએ છીએ. જો આ વર્ષે લોકો સુરક્ષિત રહેશે તો આવતા વર્ષે આપણે વધુ સારી રીતે ગરબાનું આયોજન કરી શકશું.
મિનલ શાહ પણ ગયા વર્ષની નવરાત્રીની રોનકને મિસ કરી રહ્યા છે. જોકે તેમણે કહ્યું કે, વર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિને જોતા ગુજરાત સરકારે ગરબા ઉપર લાદેલા પ્રતિબંધને સકારાત્મકતાથી જોવો જોઈએ. આ નિર્ણયથી સંક્રમણ ફેલાવવાની આશંકાઓ ઓછી થશે.
નવરાત્રીની ખરી મજા તો ગુજરાતમાં આવતી હોય છે એ તો સ્પષ્ટ છે એમાં પણ અમદાવાદમાં નવરાત્રીનો ક્રેઝ જુદો જ હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને સંક્રમણ વધુ ન ફેલાય અને લોકો સલામત રહે એ માટે ગુજરાત સરકારે ગરબા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. અમદાવાદના રહેવાસીઓએ ગરબાને કેટલો મિસ કરી રહ્યા છે એની ફિલીંગ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી હતી.