ઉત્તરપ્રદેશના કુશીનગરમાં એક ફાઈટર જેટ ક્રેશ થયું છે. ટેક ઓફ થયાના 10 મિનિટ બાદ જ ફાઈટર જેટ જગુઆરનો એરબેઝ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ વિમાન પાઈલટની ટ્રેનિંગ પર હતું. પરંતુ ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું. પાઈલટે કૂદીને પોતાનો જીવ બચાવ્યો છે.
કર્ણાટકમાં રાજકીય સંકટ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સિદ્ધારમૈયા કેમ્પ તરફથી થઈ રહેલા હુમલાઓથી નિરાશ થઈને પદ છોડવાની ધમકી આપી છે. કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પોતાના નેતા ગણાવવા પર કુમારસ્વામીએ કહ્યું કે કોંગ્રેસ નેતાઓએ આ મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ. હું તેના માટે યોગ્ય વ્યક્તિ નથી. જો તેઓ આવું જ કરવા માંગે છે તો હું પદ છોડવા માટે તૈયાર છું. તેઓ હદ પાર કરી રહ્યા છે. કોંગ્રેસ નેતાઓએ પોતાના ધારાસભ્યોને અંકુશમાં રાખવા જોઇએ.
ચૂંટણીપંચ માર્ચના પહેલા અઠવાડિયામાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. મુખ્ય વિપક્ષીય દળો બીજેપી અને કોંગ્રેસે આ પહેલા ફેબ્રુઆરીમાં ચૂંટણીપ્રચારને લઈને વ્યસ્ત કાર્યક્રમ બનાવી લીધો છે. કોંગ્રેસનું ફોકસ 80 સીટોવાળા ઉત્તરપ્રદેશ પર છે, જ્યાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકાને મોટી જવાબદારી સોંપી છે. રિપોર્ટ્સ પ્રમાણે, રાહુલ અને પ્રિયંકા 4 ફેબ્રુઆરીના રોજ પાર્ટીના અધિકારીઓ તરીકે અહીંયા પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.
સપા નેતા આઝમ ખાને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારતરત્ન આપવા અંગે સવાલ ઉઠાવ્યો છે. આઝમે કહ્યું કે આમાં કોઈ રાજકારણ નથી. પ્રણવે સંઘનું આમંત્રણ સ્વીકાર્યું હતું અને એક કાર્યક્રમમાં તેમના હેડક્વાર્ટર ગયા હતા, આ (ભારતરત્ન) તેનું જ ઇનામ છે. બીજી બાજુ એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પૂછ્યું- ભારતરત્ન જેટલા લોકોને આપવામાં આવ્યો, તેમાંથી કેટલા દલિતો, આદિવાસીઓ, મુસલમાનો, ગરીબો, સામાન્ય વર્ગ અને બ્રાહ્મણોને આપવામાં આવ્યા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જાન્યુઆરી મંગળવારના રોજ સવારે 'પરીક્ષા પે ચર્ચા 2.0' કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓની સાથે પેરેન્ટ્સ અને શિક્ષકો સાથે પણ વાતચીત કરશે. આ વખતે વિદ્યાર્થીઓને મોદીને મળવાનો મોકો મળશે. આ દરમિયાન મોદી કેટલાક સિલેક્ટેડ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે. મોદીએ આકાશવાણી પર પ્રસારિત થતા મનકી બાત કાર્યક્રમમાં જણાવ્યું કે તેઓ આ વખતે બાળકોના શિક્ષક અને પેરેન્ટ્સ સાથે પણ વાતચીત કરશે.
આઇઆરસીટીસી કૌભાંડમાં સોમવારે લાલુપ્રસાદ યાદવ માટે એક રાહતના સમાચાર છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે IRCTC કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડીદેવી, પુત્ર તેજસ્વી યાદવ તથા અન્યને નિયમિત જામીન આપી દીધા છે. કોર્ટે એક લાખ રૂપિયાની વ્યક્તિગત રકમ તથા એટલી જ રકમનો એક ગેરંટર લાવવા પર નિયમિત જામીન આપ્યા છે. મામલાની આગામી સુનાવણી 11 ફેબ્રુઆરીના રોજ થશે.
કચ્છના ભચાઉમાં માંડવી-મુન્દ્રા મત વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્રના લગ્નમાં એંશીના દાયકાના ચંબલના ભૂતપૂર્વ ડાકૂ મલખાનસિંહ આવ્યા હતા. અલબત્ત તેઓ જાનૈયાઓને લૂંટવા માટે નહીં, પરંતુ સન્માનનીય મહેમાન તરીકે આમંત્રણને માન આપીને પ્રસંગની ઉજવણીમાં સામેલ થવા આવ્યા હતા. લગ્નમાં ઉપસ્થિત અનેક લોકો તેમની સાથે તસ્વીર ખેંચાવતા જોવા મળ્યા હતા. ડકૈતોમાં સિદ્ધાંતવાદી ગણાતા મલખાનસિંહને કોઈ ડાકૂ કે ભૂતપૂર્વ ડાકૂ તરીકે સંબોધે એ પસંદ નથી. તેઓ કહે છે કે હું ડાકૂ નહોતો, બાગી હતો; મને ડાકૂ નહીં, બાગી કહો!
સુરતમાં અમરેલી વિસ્તારમાં નવનિર્મિત બ્રિજનો ગર્ડર તૂટતાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત અન્ય એક વ્યક્તિ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો. જણાવી દઈએ કે કાર લઈ જતા અને હેવી વ્હીકલને લીધે આ ઘટના બની. લોકોએ આ બ્રિજના ઉદ્ધાટન પહેલા આપમેળે બ્રિજનું કામ શરૂ કર્યું હતું.
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ત્રીજી વન ડેમાં હરાવીને સિરીઝ જીતી લીધી છે. પહેલી ત્રણ વન ડે જીતવાની સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પર પણ કબજો જમાવ્યો છે. ત્રીજી વન ડે જીતીને ભારતે ઈતિહાસ રચી લીધો છે. આ મેચ જીતવાની સાથે જ વિરાટ સેનાએ વન ડે સિરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. પાંચ વન ડેની સિરીઝમાં ટીમ ઈન્ડિયા હવે 3-0થી આગળ છે. આ મેચ જીતવાની સાથે જ ભારતે 10 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં સિરીઝ જીતી છે. ક્રિકેટ ઈતિહાસમાં માત્ર બીજી વખત ભારત ન્યૂઝીલેન્ડમાં વન ડે સિરીઝ જીત્યું છે.
ઝી એન્ટરટેઇનમેન્ટનું સંચાલન કરનારા સુભાષ ચંદ્રાના એસેલ ગ્રુપે રવિવારે કહ્યું કે લેણદારોની સાથે તેમની સંમતિ બની ગઈ છે. આ સંમતિ હેઠળ ઝી એન્ટરટેઇનમેન્ટ અને ડિશ ટીવી જેવી લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં મોટો ઘટાડો થયા પછી પણ ગ્રુપને ડિફોલ્ટર જાહેર નહીં કરવામાં આવે. એસેલ ગ્રુપે એક નિવેદનમાં કહ્યું કે પ્રમોટર્સની લેણદારો સાથે લાંબી વાતચીત ચાલી, જેમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે લિસ્ટેડ કંપનીઓના શેર્સના ભાવમાં ભારે ઘટાડો થયા પછી પણ એસેલ ગ્રુપને ડિફોલ્ટર જાહેર કરવા જેવી કાર્યવાહી નહીં થાય.
જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.