જ્યારે ભરૂચ બોમ્બે સ્ટેટમાં આવતું હતું ત્યારે 1949માં જન્મેલા અહેમદ પટેલના પિતા સોશ્યલ વર્કર હતા. તેઓ ઘરનું ત્રીજું સંતાન હતા અને તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની યુથ કોંગ્રેસમાં જોડાયા. યુવા વયે કોંગ્રેસનો હાથ ઝાલ્યો પછી તે જ કોંગ્રેસનો ટેકો બન્યા. તસવીરમાં રાજીવ ગાંધી સાથે અહેમદ પટેલ.
કારકિર્દીની શરૂઆતમાં સ્થાનિક ચૂંટણીમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ઇંદિરા ગાંધીએ છઠ્ઠી લોકસભાની ચૂંટણીમાં 1977માં ભરૂચથી તેમને ઉમેદવારી આપી અને તેમનો વિજય થયો. ઇંદિરા ગાંધી તે સમયે હાર વેઠીને બેઠા હતા અને અહેમદ પટેલના કહેણથી તે ભરૂચ આવ્યાં હતાં. તેમણે ત્રણ વખત લોકસભામાં કોંગ્રેસના સાંસદ રહ્યા અને પાંચ વખત કોંગ્રેસ તરફથી રાજ્યસભાના સાંસદ રહ્યા.
અહેમદ પટેલ સ્વભાવે ઋજુ અને થોડા અંતર્મુખી હતા. તેઓ રાજીવ ગાંધી સાથે વધુ સમય ગાળતા કારણકે તે જાણતા હતા કે રાજીવ ગાંધીને કોંગ્રેસના આગામી નેતા તરીકે તૈયાર કરાઇ રહ્યા હતા. જ્યારે 1984માં રાજીવ ગાંધી પોતાના માતાની હત્યા પછીની ચૂંટણીમાં 400 બેઠકની બહુમતીથી જીત્યા પછી અહેમદ પટેલને કોંગ્રેસ પાર્ટીના સંયુક્ત સેક્રેટરી અને સસંદિય સચિવ તથા જનરલ સેક્રેટરી જેવી પદવીઓ અપાઇ.
કોંગ્રેસનો સાથ છેક સુધી ન છોડનારા અહેમદ પટેલ નીચી કદ કાઢીના હતા અને તેમને લાઇમલાઇટમાં બહુ રસ નહોતો, તેમને નક્કર કામમાં જ રસ હતો. તેમને ઇન્ટરવ્યુઝ આપવાનું ગમતું નહીં અને યુપીએની સરકાર જોરમાં હતી ત્યારે ય તે કોંગ્રેસના સૌથી અગત્યના માણસ ગણાતા.
કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલને જ્યારે રાજકીય સ્તરે મજબુતાઇ મળી ત્યારે ગુજરાતમાં ભાજપની પકડ ધીરે ધીરે મજબુત થવા માંડી હતી. ભરૂચના આ નેતા ગાંધીનગરને બદલે સીધા દિલ્હી જ પહોંચ્યા અને ત્યાંથી જ તેમણે પોતાનું સ્થાન મક્કમ બનાવ્યું.
અહેમદભાઇનું સંબોધન જેટલું આત્મીય લાગતું તેટલા જ તે ખરેખર પણ આત્મીય હતા. બસ તેમની નિકટતા કેળવનારને એ ધીમા અને મક્કમ વિચારોની સમજ હોવી જોઇએ. કોંગ્રેસમાં સોય-દોરાનું કામ કરનારા, એટેલે કે પક્ષને બાંધી રાખનારા અહેમદ પટેલને કારણે જ કોંગ્રેસની સિસ્ટમ સોનિયા ગાંધી સમજી શક્યાં, તેને બહેતર રીતે હેન્ડલ કરી શક્યા.
અહેમદ પટેલને વિવાદો ટાળવું ગમતું, તે માનતા કે કોઇ કાયમી શત્રુ ન હોઇ શકે. આ ઠહેરાવ કોંગ્રેસને માટે ઝંઝાવતી વર્ષોમાં બહુ કામનો રહ્યો. રાજીવ ગાંધી સાથેની જુની તસવીરમાં યુવા અહેમદ પટેલ.
કોંગ્રેસના આંતરિક મતભેદોને તે મહત્વ ન આપતા અને સોફેસ્ટિકેશનથી કામ પાર પાડવામાં માનતા.
રાજીવ ગાંધી જ્યારે 1984માં લોકસભામાં જીત્યા ત્યારે તેમની એક ટીમ હતી જેને અમર, અકબર, એન્થનીની ટીમ કહેવાતી. તેમાં પાર્લિયામેન્ટરી સેક્રેટરીઝ હતા - અરુણ સિંઘ, અહેમદ પટેલ અને ઓસ્કાર ફર્નાન્ડિઝ. જો કે આ ગોઠવણ લાંબી ન ચાલી પણ છતાં ય રાજીવ ગાધી અને અહેમદ પટેલ વચ્ચે રેપો બહેતર બન્યો અને તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રેસિડન્ટ તરીકે નિમાયા. તસવીરમાં પ્રણબ મુખર્જી સાથે ભરતસિંહ સોલંકી, શંકર સિંહ વાઘેલા અને અહેમદ પટેલ.
જો કે ગુજરાતના વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ જેમ કે પ્રબોધ રાવળ, અમરસિંહ ચૌધરી, ઝીણાભાઇ દરજી, સનત મહેતા, માધવસિંહ સોલંકી વગેરેએ તેમને સહન તો કર્યા પણ માન ન આપ્યુ.
કોંગ્રેસના આ આંતરીક જૂથવાદથી પક્ષને થનારા નુકસાનને અહેમદ પટેલ કળી શક્યા પણ ટોચના કોંગ્રેસી ચહેરાઓ માટે અહેમદ પટેલ હંમેશા મહત્વના રહ્યા.
અહેમદ પટેલને પોતાની આગવી ફિલોસોફી બનાવી હતી કે જે પણ કોંગ્રેસને નબળું પાડે તે ટાળવું. તેમણે છેલ્લે સુધી આ ફિલોસોફીને અનુસરી.
એક સમયે નરસિંહા રાવની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવાનો થયો ત્યારે અહેમદ પટેલે અર્જુન સિંહ, શિલા દિક્ષીત, શિવ શંકર, નટવર સિંહ, એમ એલ ફોતેદાર વગેરેને જરાય મચક નહોતી આપી.
અહેમદ પટેલના આ અભિગમને કારણે કોંગ્રેસ પરિવારમાં તેમનું માન વધ્યું.
અહેમદ પટેલે એ પણ તકેદારી રાખી કે કોંગ્રેસના આંતરીક જુથવાદમાં સોનિયા ગાંધી તટસ્થ રહે અને સંતુલિત રહે.
જો કે જરૂર પડી ત્યારે નરસિંહા રાવ અને સિતારામ કેસરીને 24 અકબર રોડ પરથી વિદાય આપવામાં અહેમદ પટેલનો જ હાથ હતો.
અહેમદ પટેલનું માન પક્ષમાં સતત વધ્યું કારણકે તે માત્ર પક્ષ લક્ષી હતા.
તેમને પોતાને કોઇ મહત્વકાંક્ષાઓ નહોતી, કોઇ મંત્રાલય નહોતું જોઇતું. તેઓ ક્યારેય રાષ્ટ્રપતિ ભવનના બેંક્વેટમાં દેખાતા પણ નહીં.
એ વાત અલગ છે કે કેન્દ્રિય મંત્રાલય ગોઠવવાનું હોય તો તે ચાવીરૂપ ભૂમિકા ભજવતા પણ આ જ મંત્રીઓની શપથ વિધીમાં તે હાજરી આપવાની તસ્દી ન લેતા.
અહીં હૉસ્પિટલમાં આમ જનતા સાથે વાત કરી રહેલા અહેમદ પટેલ તો બરાક ઓબામા સાથેના ડિનરના આમંત્રણને ય ના પાડી ચૂક્યા હતા.
તેમનામાં એક બહુ ઉંડી સમજ હતી જેનાથી તે ઘોંઘાટ, હોબાળા અને દેખાદેખીથી દૂર જ રહ્યા. તેમનો આત્મવિશ્વાસ આ લાલસાહિન વૃત્તિનું પરિણામ હતો. જેને કંઇ મેળવવાની લાલચ ન હોય એને કંઇ ગુમાવવાનો ડર પણ ન હોય.
તેઓ બહુ આસાનીથી લોકો સાથે ભળતા, તેમના સુધી પહોંચવું મુશ્કેલ નહોતું. ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા ત્યારે વડોદરાના એક વરિષ્ઠ પત્રકારના ફોન કૉલને પગલે 48 કલાકમાં રાજ્યમાં લશ્કર ઉતારવાનો નિર્ણય લેવાયો હતો જેમાં અહેમદ પટેલે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
ટેમ્પટેશન્સથી દૂર રહેલા અહેમદ પટેલનું નામ હંમેશા વિશ્વસનિય રહ્યું અને સૌથી પ્રભાવી પણ રહ્યું. તે કોંગ્રેસના કોર ગ્રૂપના અચળ સભ્ય હતા અને છેલ્લા કેટલાક સમયથી તો કોંગ્રેસની ધરી હતા તેમ કહેવામાં ય કોઇ અતિશયોક્તિ નથી. તસવીરમાં ગુજરાતના સિદ્ધાર્થ પટેલ સાથે અહેમદ પટેલ.
તેમની વિદાયથી કોંગ્રેસના ગઢનો બહુ મોટો કાંગરો ખરી પડ્યો એમ કહેવું જ રહ્યું. સોનિયા ગાંધીની તબિયત હવે નરમ-ગરમ રહે છે અને અહેમદ પટેલની ખોટ એટલે કોંગ્રેસનું એક બહુ મોટું પ્રકરણ અચાનક જ પુરું થઇ ગયાની સ્થિતિ છે. તેમન અવસાનથી કોંગ્રેસ ફરી એકવાર નોંધારી બની છે.
અહેમદ પટેલ(Ahmed Patel) જે કોંગ્રેસના (Congress) ચાણક્ય અને સોનિયા ગાંધીના (Sonia Gandhi) ડાબા હાથ ગણાતા તે કોરોના વાઇરસનો ચેપ લાગતા હૉસ્પિટલમાં દાખલ હતા અને બાદમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ્યર થતા 71 વર્ષની વયે તેમનું નિધન થયું. જાણીએ તેમના વિષે કેટલીક વિગતો જેને કારણે તેમનું સ્થાન કોંગ્રેસમાં હંમેશા ધરી સમાન રહ્યું. (તસવીરો- અહેમદ પટેલ ફેસબુક પેજ)