ઇન્દ્રદેવ ઇન્સ્ટિટ્યૂટમાં સમૂહલગ્નનું આયોજન થયું હતું. લગ્ન માટે ૩૦૦ અરજી આવી હતી એમાંથી ૨૬૫ યુગલની પસંદગી થઈ હતી
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
લગ્નપ્રસંગ હોય કે અન્ય કોઈ કાર્યક્રમ હોય ત્યારે ઘણીબધી સુવિધા ભાડે લવાતી હોય છે. મંડપ, ડેકોરેશન, બૅન્ડવાજાં, કપડાં તો સામાન્ય થઈ ગયાં છે; પણ ઉત્તર પ્રદેશના બાગપતમાં લગ્ન કરવા માટે વરરાજા પણ ભાડાના લાવવામાં આવ્યા હતા. બન્યું એવું કે ઇન્દ્રદેવ ઇન્સ્ટિટ્યૂટમાં સમૂહલગ્નનું આયોજન થયું હતું. લગ્ન માટે ૩૦૦ અરજી આવી હતી એમાંથી ૨૬૫ યુગલની પસંદગી થઈ હતી. લગ્ન પહેલાં પ્રોબેશન વિભાગે તમામ યુગલોના દસ્તાવેજની ચકાસણી શરૂ કરી. બૅન્ડવાજાં અને શરણાઈવાદન સાથે લગ્નની વિધિ શરૂ થઈ અને ફેરા ફરવાની વિધિ આવી ત્યારે ભાડૂતી વરરાજા પકડાઈ ગયા. અધિકારીઓ પૂછપરછ કરતા હતા ત્યારે તેમને શંકા ગઈ અને ફેરા અટકાવ્યા. એક વરરાજાને ઊભા કર્યા અને તેનું આધાર કાર્ડ તપાસ્યું ત્યારે એ નકલી નીકળ્યું હતું. જોકે અધિકારીઓએ તેની સામે કોઈ કાર્યવાહી નહોતી કરી. તેને વરરાજા બનવા માટે ૨૦૦૦ રૂપિયા અપાયા હોવાનું તેણે કબૂલ્યું હતું.