આ કૅફેમાં ડિઝર્ટનું મેનુ તો છે જ, પણ આ ડિઝર્ટ કયા રેપ્ટાઇલ સાથી સાથે તમારે ખાવું છે એનું મેનુ પણ ડિસ્પ્લે કરેલું છે
રેસ્ટોરાં
રેપ્ટાઇલ્સ એટલે કે સરિસૃપ વર્ગનાં પ્રાણીઓ માટે કેટલાક લોકોને ખૂબ પ્રેમ હોય છે તો કેટલાકને જબરદસ્ત ડર લાગતો હોય છે. આ બેમાંથી કંઈ પણ હોય, એક વાર તો તમને મલેશિયાના સૌપ્રથમ રૅપ્ટાઇલ કૅફેમાં જવાનું ગમે એવું છે. જો સાપ, ગરોળી ગમતાં હશે તો મોજથી એમની વચ્ચે બેસીને આઇસક્રીમ અને ચૉકલેટનાં ડિઝર્ટ આરોગી શકશો અને જો તમને ડર હશે તોય આ પ્રાણીઓની વચ્ચે બેસવાનો ડર દૂર થઈ જશે, કેમ કે અહીં જે પ્રાણીઓ છે એ ખૂબ શાંત છે. આ કૅફેમાં ડિઝર્ટનું મેનુ તો છે જ, પણ આ ડિઝર્ટ કયા રેપ્ટાઇલ સાથી સાથે તમારે ખાવું છે એનું મેનુ પણ ડિસ્પ્લે કરેલું છે. ફૅન્ગ્સ બાય ડેકોરી નામના આ કૅફેમાં ચોમેર કાચની પેટીઓમાં સરિસૃપ પ્રાણીઓ મૂકવામાં આવ્યાં છે. તમારી પસંદગી મુજબનું પ્રાણી વેઇટર કાં તો તમારા ટેબલ પર અથવા તો તમારા હાથ કે ખભા પર મૂકી જાય છે. એ પ્રાણીઓ તમારા શરીર પર સરકતાં રહે અને સાથે તમારામાં એ ડિઝર્ટ માણવાની કેટલી હિંમત છે એની ચકાસણી થઈ જાય. આપણને લાગે કે આવું કોણ કરતું હશે, પણ આવા અખતરાઓના શોખીન ઘણા લોકો છે.

