તાજેતરમાં ટ્વિટર પર એક વિડિયો ફરે છે જેમાં એક ડૉગી એના કદ કરતાં ઘણી ઊંચી દીવાલ પર ચડવાની કોશિશ કરે છે

આ ક્લિપને અત્યાર સુધી ૮ લાખ વ્યુઝ મળ્યા છે
આપણા ગુજરાતીમાં એક ઉક્તિ છે ‘કરતાં જાળ કરોળિયો ભોંય પડી પછડાય, વણતૂટેલે તાંતણે ફરી ઉપર ચડવા જાય.’ અનેક વખતના પ્રયાસ પછી પણ જો કોઈ કામ ન થતું હોય તો એને કરોળિયાનો દાખલો આપીને નાસીપાસ થતો અટકાવાય છે. તાજેતરમાં ટ્વિટર પર એક વિડિયો ફરે છે જેમાં એક ડૉગી એના કદ કરતાં ઘણી ઊંચી દીવાલ પર ચડવાની કોશિશ કરે છે, પણ ચડી નથી શકતો. ૬ વારના નિષ્ફળ પ્રયાસ પછી સાતમા કૂદકા વખતે એ દીવાલ પર ચડવામાં સફળ થાય છે.
ટ્વિટર-યુઝર તનસુ યેગન દ્વારા શૅર કરવામાં આવેલી આ ક્લિપને અત્યાર સુધી ૮ લાખ વ્યુઝ મળ્યા છે. નેટિઝન્સે ક્લિપને ખૂબ વખાણવાની સાથે ડૉગે પ્રત્યેક પ્રયાસ વખતે અજમાવેલા પેંતરાને પણ વખાણ્યા છે. એક ટ્વિટર-યુઝરે લખ્યું છે કે ‘તમે કેટલી વાર પ્રયાસ કરો છો એ મહત્ત્વનું નથી, તમે સફળ થાઓ છો એ મહત્ત્વનું છે.’