પોતાની પ્રતિમાની પાસે ઊભેલી પ્રિસિલાનો ફોટો અને વિડિયો માર્કે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે
લાઇફ મસાલા
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પ્રેમની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. પ્રેમ ક્યારેક ગંભીર બનાવી દે તો ક્યારેક તોફાની. મેટાના અબજોપતિ બિઝનેસમૅન માર્ક ઝકરબર્ગે પણ આવું જ તોફાન સોશ્યલ મીડિયામાં મચાવ્યું છે. તેણે ઘરની પાછળ બનાવેલા બગીચામાં પત્ની પ્રિસિલા ચૅનની વિશાળ પ્રતિમા બનાવડાવીને મુકાવી છે. અને પોતાની પ્રતિમાની પાસે ઊભેલી પ્રિસિલાનો ફોટો અને વિડિયો માર્કે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. ફેસબુકના ૪૦ વર્ષના CEOએ એમાં લખ્યું છે કે ‘પત્નીની મૂર્તિઓ બનાવવાની રોમન પરંપરા પરત લાવ્યો. ડૅનિયલ અર્શમનો આભાર.’
માર્કે મૂર્તિ બનાવવાનું કામ ન્યુ યૉર્ક રહેતા શિલ્પકાર ડૅનિયલ અર્શમને સોંપ્યું હતું. વાસ્તુકળા, શિલ્પકળામાં નિપુણ અર્શમે ટિફની ગ્રીન પેટિનાની સાથે કાંસામાંથી પ્રિસિલા ચૅનની મૂર્તિ બનાવી છે. માર્ક અને પ્રિસિલાનાં લગ્નને ૧૨ વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને તેમને ત્રણ દીકરીઓ મૅક્સિમા, ઑગસ્ટ અને ઑરેલિયા છે. ઝકરબર્ગ હાર્વર્ડમાં હતા ત્યારે ૨૦૦૩માં કૉલેજની એક તેઓ પાર્ટીમાં મળ્યાં અને પછી મળવા લાગ્યાં હતાં. માર્કે ફેસબુક પર ગયા વર્ષે એક પોસ્ટ શૅર કરી હતી. એમાં બન્ને કેવી રીતે મળ્યાં એનો અણસાર આપ્યો હતો. માર્કે લખ્યું હતું કે ‘કૉલેજના મિત્રોએ મારા માટે એક ફેરવેલ પાર્ટી યોજી હતી અને ત્યાં અમે બંને મળ્યા. મને એવું લાગ્યું કે હવે સ્કૂલવાળા મને કાઢી મૂકશે. મેં તેને (પ્રિસિલાને) બહાર મળવા માટે પૂછ્યું અને કહ્યું કે હવે મારી પાસે બહુ થોડા દિવસો છે. પછી મેં ફેસબુક શરૂ કર્યું, અમે લગ્ન કર્યાં અને હવે અમારી ત્રણ દીકરીઓ છે. કેવી રોમાંચક સફર...’