જોકે ક્લૅર બ્રાઉન કહે છે કે તેના પિતાની આ શરત અવાસ્તવિક છે

ક્લૅર બ્રાઉન
ઑસ્ટ્રેલિયાની ક્લૅર બ્રાઉનના પિતા તેને માટે ૧૨ કરોડ ડૉલર (લગભગ ૯૪ કરોડ રૂપિયા)નો વારસો છોડી ગયા છે, પરંતુ એ માટે તેણે પિતાની એક શરત પૂરી કરવી પડશે અને એ શરત છે નોકરી કરવાની. જોકે ક્લૅર બ્રાઉન કહે છે કે તેના પિતાની આ શરત અવાસ્તવિક છે. હાલમાં ક્લૅર તેના પિતાની સંપત્તિ મેળવવા માટે કોર્ટમાં કેસ લડી રહી છે. તેનું કહેવું છે કે પૈસા હોવા છતાં હું મારા પરિવાર સાથે સિડનીના પશ્ચિમી પરા માઉન્ટ ડ્રુઇટમાં લોકોની રાહત પર જીવન ગુજારી રહી છું.
તેના પિતા અને સફળ સ્ટૉકબ્રોકર ક્રિસ લૉરેને તેને સિડનીની સૌથી પ્રતિષ્ઠિત શાળામાં ભણવા મૂકી હતી, પણ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી તે નાણાંની તંગી વેઠી રહી છે.
જાન્યુઆરીમાં જ્યારે ક્રિસનું અવસાન થયું ત્યારે વારસો મેળવવા માટે બે જ શરત રાખવામાં આવી હતી, નોકરી કરવાની અને સમાજનાં ભલાઈનાં કામ કરવાનાં. જોકે ક્લૅર કહે છે કે હું અટેન્શન ડેફિસિટ-હાઇપરઍક્ટિવ ડિસઑર્ડરથી પીડાતી હોવાથી કામ કરી શકું એમ નથી.