એલન મૅક્શૅન નામનો કર્મચારી તેની કંપનીએ આપેલી મર્સિડીઝ કારમાં ગુરુવારે એક ફુટબૉલ મૅચ જોઈને વૉલ્સેન્ડથી ઘરે આવી રહ્યો હતો ત્યાં તેની કારને નાનકડો અકસ્માત થયો હતો

એલન મૅક્શૅન
તમે મર્યાદા બહાર દારૂ પીને તમારી કારમાં બેસો અને જો તમારી કાર જ ઇમર્જન્સી નંબર ૯૯૯ ડાયલ કરીને પોલીસને બોલાવે તો તમે રંગે હાથે ઝડપાઈ જાઓ એવો કિસ્સો તાજેતરમાં ઇંગ્લૅન્ડમાં બન્યો છે. એલન મૅક્શૅન નામનો કર્મચારી તેની કંપનીએ આપેલી મર્સિડીઝ કારમાં ગુરુવારે એક ફુટબૉલ મૅચ જોઈને વૉલ્સેન્ડથી ઘરે આવી રહ્યો હતો ત્યાં તેની કારને નાનકડો અકસ્માત થયો હતો. કારે એ ઍક્સિડન્ટની જાણ ઇમર્જન્સી અધિકારીઓને કરી દીધી હતી.
આ સંદર્ભે કોર્ટમાં સુનાવણીમાં પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે મૅક્શૅને પોતાને ડ્રાઇવર ગણાવ્યો હતો, પરંતુ તેના મોઢામાંથી દારૂની વાસ આવતી હોવાથી તેને બ્રેથ ટેસ્ટ આપવાનું કહ્યું હતું અને એ ટેસ્ટમાં બહાર આવ્યું કે તેના લોહીમાં આલ્કોહૉલનું પ્રમાણ ૧૧૦ માઇક્રોગ્રામ હતું, જે ૩૫ માઇક્રોગ્રામની મર્યાદા કરતાં ત્રણ ગણું વધુ હતું. મૅક્શૅન નશાની અસરમાં જ ગાડી ચલાવતો હતો ત્યારે કાર એક નાનકડા ખાડામાંથી પસાર થતાં મૅક્શૅને કારની ઍરબૅગનું બટન દબાવી દીધું હતું. ત્યાર બાદ કાર અથડાઈ હતી. એ દરમ્યાન કારની સેફ્ટી સિસ્ટમે પૂછ્યું, ‘અમે ઇમર્જન્સી સર્વિસને ફોન કર્યો છે. તમે ઠીક છો?’ જોકે મૅકશૅન જવાબ આપવાની હાલતમાં નહોતો. મૅક્શૅને પણ પોતાના ગુના બદલ માફી માગી લીધી હતી. સમગ્ર ઘટના માટે તેના પર ૧૫૦૦ પાઉન્ડનો એટલે કે ૧.૪૩ લાખ રૂપિયાનો દંડ અને અન્ય ખર્ચા માટે ૨૩૦ પાઉન્ડ (અંદાજે ૨૧ હજાર રૂપિયા) લેવામાં આવ્યા હતા.