ચાઇનીઝ ઝીણી આંખોને બદલે મસ્ત મોટી આંખો, ગોરી ત્વચા, ભૂખરા વાળ અને માંજરી આંખો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
‘સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ’માં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ એક ચાઇનીઝ કપલને ત્યાં ત્રણ વર્ષ પહેલાં એક રશિયન છોકરીનો જન્મ થયો હતો. પતિ-પત્ની બન્ને ચાઇનીઝ હતાં, પરંતુ જન્મેલી બાળકીમાં જરાય ચાઇનીઝપણું નહોતું. મતલબ કે ચાઇનીઝ ઝીણી આંખોને બદલે મસ્ત મોટી આંખો, ગોરી ત્વચા, ભૂખરા વાળ અને માંજરી આંખો. જેમ-જેમ દીકરી મોટી થતી ગઈ એમ તેના ચહેરાનાં ફીચર્સ વધુ સ્પષ્ટ નૉન-ચાઇનીઝ હોવાની ચાડી ખાતાં થઈ ગયાં. કપલને લાગ્યું કે કદાચ દીકરી હૉસ્પિટલમાં બદલાઈ ગઈ હશે. સંશયના ઉકેલ માટે છોકરીની ડીઑક્સિરીબો ન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટ કરીને માતા-પિતાના કનેક્શનને ચેક કરવામાં આવ્યું તો એ તેમની જ દીકરી હોવાનું પુરવાર થયું હતું. આવું કઈ રીતે શક્ય બને એ સમજવા માટે તેમણે વધુ જિનેટિક હિસ્ટરીની તપાસ કરાવી તો ખબર પડી કે આ બાળકી તેમની જ છે, પરંતુ તેના પિતાના દાદાના દાદા રશિયન હોવાથી દેખાવ તેમના જેવો છે.


