નિષ્ણાતોના કહેવા પ્રમાણે ૭૨ અઠવાડિયાંમાં આ ઇન્જેક્શનથી ૨૦.૯ ટકા સુધીની સ્થૂળતા ઘટાડી શકાય છે
પ્રતીકાત્મક તસવીર
મેદસ્વીપણું અને સ્થૂળતાથી મુક્ત થવા માટે હવે ખર્ચાળ બૅરિયાટ્રિક સર્જરી કરાવવી નહીં પડે. વજન ઘટાડતા ઇન્જેક્શનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. અમેરિકન કંપની ઇલાય લિલીએ બનાવેલું આ ઇન્જેક્શન માઉંજારો ટિર્ઝેપેટાઇડ નામની દવાથી બનાવાયું છે. ટિર્ઝેપેટાઇડ દવાનો ઉપયોગ ટાઇપ-૨ ડાયાબિટીઝની સારવાર માટે પણ કરવામાં આવે છે. આ ઇન્જેક્શન મેદસ્વિતા ઘટાડવા માટે કરાવાતી બૅરિયાટ્રિક સર્જરીનો સારો અને સસ્તો વિકલ્પ હોવાનો દાવો કરાયો છે. ભારતમાં આ વર્ષના ડિસેમ્બર સુધીમાં જ એ મળવા લાગે એવી શક્યતા છે.
નિષ્ણાતોના કહેવા પ્રમાણે ૭૨ અઠવાડિયાંમાં આ ઇન્જેક્શનથી ૨૦.૯ ટકા સુધીની સ્થૂળતા ઘટાડી શકાય છે. કોઈ પણ વ્યક્તિ આ ઇન્જેક્શન લઈ શકે છે, પરંતુ દરદીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડોઝની માત્રા નક્કી કરવામાં આવે છે. જોકે આ ઇન્જેક્શનની એક અવળી બાજી પણ છે. દરદીએ દર પાંચ દિવસે આ ઇન્જેક્શન લેવું પડશે અને જો સારવાર બંધ કરી દેવાય તો ફરીથી મેદસ્વીપણું વધવાની શક્યતા નકારી શકાય એમ નથી. એટલે ઇન્જેક્શન લેવાનું શરૂ કર્યા પછી બંધ કરવાનું જોખમી થઈ શકે છે. ભારતમાં આ ઇન્જેક્શન ૧૫૦૦ રૂપિયાની કિંમતે મળવાની આશા વ્યક્ત કરાઈ છે. દર પાંચ દિવસે માઉંજારો ઇન્જેક્શન લેવાનું હોવાથી દર મહિને નવ હજાર જ્યારે એક વર્ષમાં ૧.૮ લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે, જ્યારે બૅરિયાટ્રિક સર્જરી પાછળ ત્રણથી ચાર લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. સાથે-સાથે દવા પણ લેવી પડતી હોય છે. આથી સર્જરી કરતાં ઇન્જેક્શનથી સારવાર સસ્તી હોવાનો દાવો પણ કરાયો છે.

