પોલીસ તેને આવીને પકડી જાય અને પોતે જીવતો હોવાનું કાયદાના ચોપડે પુરવાર થાય
બાબુરામ ભીલ
તમને જીવતેજીવ મરી ગયેલા ગણવામાં આવે તો તમારી જાતને જીવતી પુરવાર કરવા માટે શું કરવું પડે? રાજસ્થાનના મિથોરા ગામના બાબુરામ ભીલે આ માટે તમામ હદો પારી કરી નાખી છે. વાત એમ છે કે બાબુરામને થોડા સમય પહેલાં તેમનું ડેથ-સર્ટિફિકેટ તેમના ઘરે આવીને પકડાવી દેવામાં આવ્યું હતું. તેમના નામનું ડેથ-સર્ટિફિકેટ હોવાથી તેમણે હવે પોતાને જીવતા સાબિત કરવાની જદ્દોજહદ કરવી પડે એમ હતી. ભાઈ પોતે મૃત્યુ નોંધની કચેરીએ રૂબરૂ જઈને અનેક વાર રજૂઆત કરી આવ્યા પણ તેમનું ડેથ-સર્ટિફિકેટ રદ કરવામાં ન આવ્યું તે ન જ આવ્યું. કાયદાની નજરે તેઓ જીવતા છે એવું સાબિત કરવા માટે તેમણે અલગ જ રસ્તો અપનાવ્યો. બાબુરામ હાથમાં પેટ્રોલ ભરેલી બૉટલ અને ઘરમાં શાકભાજી કાપવાનું ચપ્પુ લઈને તેમના ગામની સ્કૂલમાં પહોંચી ગયા. ત્યાં જઈને તેમણે બે ટીચર્સ અને એક વાલી પર હુમલો કરતો હોય એમ તેમને ડરાવ્યા. એક-બે વાર નહીં, ત્રણેક વાર તેણે આવું કર્યું જેથી એ ગુનો બને. પોલીસ તેને આવીને પકડી જાય અને પોતે જીવતો હોવાનું કાયદાના ચોપડે પુરવાર થાય. જોકે આમ કરવામાં ભાઈસાહેબે ખરેખર એક ટીચરને જખમી કરી દીધા હતા અને હવે તેને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.

