પરિવારે કહ્યું કે તે ૩ મહિના પહેલાં ઘરેથી ગુમ થઈ ગઈ હતી.
અજબગજબ
નાગની જેમ જમીન પર સરકતી મહિલાના વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
આ વિશ્વ ગજબની અજાયબીઓથી ભરેલું છે. અક્કલ કામ કરતી બંધ થઈ જાય એવી ઘટના ઝારખંડના કરીવાડીહ ખરૌંદી રાજ્યમાં બની છે. અહીં રાનીડીહ ગુપ્તાધામ નામની ગુફા આવેલી છે અને ત્યાં શંકર ભગવાનનું અતિ પ્રાચીન મંદિર છે. શ્રાવણ મહિનામાં દૂર દેશાવરથી શિવભક્તો અહીં ભક્તિમાં લીન થવા આવતા હોય છે. આ સોમવારે પણ દર્શનાર્થે આવેલા ભાવિકોને સાક્ષાત્ નાગણનાં દર્શન થયાં. એક યુવતી નાગણ જેવું રૂપ ધરીને ગુફાના મુખ્ય દ્વાર પાસે જોવા મળી. નાગની જેમ જમીન પર સરકતી હતી અને વારે-વારે જીભના લપકારા મારતી તે યુવતીને જોઈને લોકો દંગ થઈ ગયા. વાત આખા ગામમાં પ્રસરી અને લોકોનાં ટોળાં ઊમટી આવ્યાં. તે યુવતીનો પરિવાર પણ હાંફળોફાંફળો થતો ત્યાં પહોંચ્યો. ગુફામાં તેની પૂજા કરી અને વાજતેગાજતે ઘરે લઈ આવ્યો. પરિવારે કહ્યું કે તે ૩ મહિના પહેલાં ઘરેથી ગુમ થઈ ગઈ હતી. શોધવાના અનેક પ્રયાસો છતાં તે નહોતી મળી. આ ઘટનાને કેટલાક ઈશ્વરનો ચમત્કાર ગણાવે છે તો કેટલાક યુવતી સાથે કામણટૂમણ થયાની શંકા વ્યક્ત કરી રહ્યા છે. પોલીસ પણ દોડતી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં સત્ય બહાર આવશે એવી આશા સાથે તપાસ શરૂ કરી દીધી છે.