વહેલી સવારે બે વાગ્યે અને ૪.૧૦ વાગ્યે થયેલા ભૂસ્ખલનથી કમસે કમ ૧૨૩નાં મોત, અનેક ઘાયલ : એસ્ટેટમાં કામ કરનારા મજૂરો ઊંઘમાં જ દટાઈ ગયા, નદીમાં તણાઈ ગયા
વાયનાડમાં ભૂસ્ખલને સર્જેલી તારાજી
કેરલાના વાયનાડ જિલ્લાના મેપ્પાડી વિસ્તારમાં ગઈ કાલે વહેલી સવારે બે વાગ્યે અને ૪.૧૦ વાગ્યે થયેલા ભૂસ્ખલનમાં આશરે ૧૨૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
ભૂસ્ખલનથી પબ્લિક અને પ્રાઇવેટ પ્રૉપર્ટીને ભારે નુકસાન થયું છે. જીવ ગુમાવનારા લોકોમાં મોટા ભાગે એસ્ટેટમાં કામ કરનારા લોકો છે જેઓ ઝૂંપડાં જેવાં ઘરોમાં રાતે સૂતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. ઘણા લોકો આ વિસ્તારમાંથી પસાર થતી ચલિયાર નદીમાં તણાઈ ગયા હોવાનું મનાય છે. આ દુર્ઘટનાનો વ્યાપ જોતાં મરણાંક વધે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા લોકો ગુમ છે અથવા દટાઈ ગયા છે.
ADVERTISEMENT
કોચીથી નેવીના પચાસ સ્વિમરોની ટીમ બચાવકાર્ય માટે પહોંચી છે, કારણ કે નદીમાં પાણીનો વેગ વધારે છે અને સામા છેડે પહોંચવા માટે નિષ્ણાત સ્વિમરોની જરૂર છે.
ભારે વરસાદને કારણે મંગળવારે સવારે ભૂસ્ખલન થયું હતું. બચાવકાર્ય માટે નૌકાદળની ટીમ પહોંચો હતી તથા આર્મી અને ઍર ફોર્સની મદદ પણ લેવામાં આવી છે.
વાયનાડમાં બચાવકાર્ય કરી રહેલા નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના જવાનો
તામિલનાડુએ પાંચ કરોડની સહાય જાહેર કરી
વાયનાડમાં થયેલા ભૂસ્ખલનને પગલે તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને કેરલાને પાંચ કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી. મુખ્ય પ્રધાનના પબ્લિક રિલીફ ફન્ડમાંથી આ રકમ આપવામાં આવશે.
બે દિવસનો શોક
કેરલાના ચીફ સેક્રેટરી ડૉ. વી. વેનુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘કાળજું કંપાવનારી આ દુર્ઘટનાને પગલે કેરલામાં મંગળવાર અને બુધવાર એમ બે દિવસનો શોક મનાવવામાં આવશે. બે દિવસ રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને તમામ સરકારી કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે.’
નરેન્દ્ર મોદીએ કેરલાના મુખ્ય પ્રધાન સાથે વાતચીત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરલાના મુખ્ય પ્રધાન પિનારાયી વિજયન સાથે ફોન પર વાતચીત કરીને કેન્દ્ર તરફથી તમામ સંભવિત મદદ કરવાની ખાતરી આપી હતી. પ્રધાનમંત્રી નૅશનલ રિલીફ ફન્ડમાંથી જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાની મદદની ઘોષણા કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો
કૉન્ગ્રેસના નેતા અને વાયનાડના ભૂતપૂર્વ સંસદસભ્ય રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું હતું કે ‘વાયનાડના મેપ્પડીમાં ભૂસ્ખલનની ઘટનાથી દુખી છું. મારી સંવેદના તમામ પરિવારજનો સાથે છે જેમણે પોતાના સંબંધીઓ ગુમાવ્યા છે. મને આશા છે કે ફસાયેલા લોકોને જલદી બહાર કાઢવામાં આવશે.’