અમેરિકાના વિદેશપ્રધાન રુબિયો ભારતની મુલાકાતે આવ્યા છે
અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયો ભારતની મુલાકાતે આવ્યા છે. ગઈ કાલે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા સેવા તીર્થ પર ગયા હતા
અમેરિકાના વિદેશપ્રધાન માર્કો રુબિયો ભારતની મુલાકાતે આવ્યા છે. ગઈ કાલે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા સેવા તીર્થ પર ગયા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ હતો અમેરિકાના રાષ્ટ્રપતિ તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વાઇટ હાઉસ આવવાનું નિમંત્રણ. આ મુલાકાતમાં ભારત તરફથી વિદેશપ્રધાન એસ. જયશંકર, નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર પણ હાજર રહ્યા હતા. એ પછી માર્કો રુબિયો અને અમેરિકાના પ્રતિનિધિમંડળ સાથે ભારત-અમેરિકાની સ્ટ્રૅટેજિક ભાગીદારી, એનર્જી અને ટ્રેડ અને વૈશ્વિક શાંતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘તમામ સંઘર્ષોનું સમાધાન સંવાદ અને વાટાઘાટો દ્વારા થઈ શકે છે.’
આ મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપતિની ચીનની યાત્રા પછી એક જ વીકમાં થઈ રહી હોવાથી અમેરિકાના મીડિયાએ માર્કો રુબિયોની ભારતયાત્રાને કૂટનીતિક નહીં પરંતુ ડૅમેજ કન્ટ્રોલ મિશન ગણાવ્યું હતું.
ADVERTISEMENT
ઈરાની રાજદૂતે કહ્યું, અહીં સભ્યતાનો ક્રૅશ કોર્સ ફ્રીમાં મળશે
માર્કો રુબિયો પત્ની જીનેટ ડી રુબિયો સાથે દિલ્હી ઍરપોર્ટ પર લૅન્ડ થયા એ ક્ષણની તસવીરો પોસ્ટ કરીને માર્કો રુબિયોએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘ભારત પહોંચી ગયો છું. એક શાનદાર યાત્રાની રાહ જોઈ રહ્યો છું.’ આ પોસ્ટના જવાબમાં ઈરાનના મુંબઈના રાજદૂતે હિન્દીમાં કટાક્ષમાં લખ્યું હતું કે ‘થોડા સીખ લો યાર... સભ્યતા કા ક્રૅશ કોર્સ ફ્રી મેં મિલ જાએગા.’
અમેરિકાએ જ્યારથી ઈરાની સભ્યતાને મિટાવી દેવાની ચીમકી આપી હતી ત્યારથી ઈરાનના નેતાઓ અને રાજદૂતો ઈરાનની સંસ્કૃતિ કેટલી જૂની છે એ અમેરિકાને સંભળાવવાનો એક પણ મોકો ચૂકતા નથી.
