Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાહત માગવા ગયાં, થઈ આકરી ઝાટકણી

રાહત માગવા ગયાં, થઈ આકરી ઝાટકણી

02 July, 2022 09:03 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નૂપુરે તેમની સામે જોખમનું કારણ આગળ ધરીને તેમના વિરુદ્ધના તમામ એફઆઇઆર દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની સુપ્રીમ કોર્ટને વિનંતી કરી, પરંતુ અદાલતે તેમની અને સાથે દિલ્હી પોલીસની ટીકા કરી

નૂપુર શર્મા

નૂપુર શર્મા


બીજેપીનાં સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્મા ગઈ કાલે રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયાં હતાં. તેમને રાહત તો ન મળી, પરંતુ તેમની આકરી ટીકા જરૂર થઈ હતી. નૂપુરે તેમના વિરુદ્ધના દેશભરમાં અનેક એફઆઇઆરને દિલ્હીમાં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે પયગંબર મોહમ્મદ વિશેની કમેન્ટ્સ કરીને તનાવ સર્જવા બદલ અદાલતે નૂપુરની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે તેમણે તાત્કાલિક સમગ્ર દેશની માફી માગવી જોઈએ. નૂપુરે તેમની સામે જોખમનું કારણ આગળ ધરીને તેમના વિરુદ્ધના તમામ એફઆઇઆર દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરી હતી. જોકે આખરે નૂપુરે તેમની અરજી પાછી ખેંચી લીધી હતી. અદાલતે એમ પણ જણાવ્યું હતું કે તેમનાં બેજવાબદાર નિવેદનોએ સમગ્ર દેશમાં આગ લગાવી છે.

અદાલતે જણાવ્યું હતું કે ‘જે રીતે તેમણે સમગ્ર દેશમાં રોષની લાગણી જન્માવી છે, દેશમાં જે કંઈ બની રહ્યું છે એના માટે આ લેડી એકલી જવાબદાર છે.’ નૂપુર શર્માએ આ મહિનાની શરૂઆતમાં એક ટીવી ડિબેટમાં વાંધાજનક કમેન્ટ્સ કરી હતી જેનાથી ભારતમાં ખૂબ જ રોષ વ્યાપી ગયો હતો એટલું જ નહીં, અનેક ગલ્ફ દેશોએ પણ એની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.



નૂપુરના વકીલે જણાવ્યું હતું કે અરજીમાં નૂપુર શર્માએ તેમના નામનો ઉપયોગ કર્યો નથી કેમ કે તેમને ધમકીઓ મળે છે. અદાલતે આ દલીલને ફગાવીને કહ્યું હતું કે બધા સાથે સમાનતા રાખવામાં આવશે. કોઈ ભેદભાવ નહીં થાય.


સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે  ‘તેમની કમેન્ટ્સ તેમના દુરાગ્રહ અને ઘમંડી વ્યક્તિત્વ દર્શાવે છે. તેઓ એક પાર્ટીની પ્રવક્તા છે તો શું થયું? તેઓ વિચારે છે કે તેમને સત્તાનું પીઠબળ છે અને દેશના કાયદાની અવગણના કરીને કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે છે.’

અદાલતે જણાવ્યું હતું કે ‘આ લોકો ધાર્મિક નથી. તેમના મનમાં બીજા ધર્મો પ્રત્યે આદરભાવ નથી. આ કમેન્ટ્સ ચીપ પબ્લિસિટી કે પૉલિટિકલ એજન્ડા કે કોઈ અન્ય ઘૃણાસ્પદ ઍક્ટિવિટીઝ માટે કરવામાં આવી હતી.’


નૂપુરના વકીલે જવાબમાં કહ્યું હતું કે તેમણે તો એક ટીવી ડિબેટમાં ઍન્કર દ્વારા પૂછવામાં આવેલા એક સવાલનો માત્ર જવાબ આપ્યો છે.’ અદાલતે કહ્યું કે ‘તો પછી હોસ્ટની વિરુદ્ધ પણ કેસ દાખલ થવો જોઈએ.’

જ્યારે લૉયરે નાગરિકોના વાણીસ્વાતંત્ર્યની વાત કહી ત્યારે અદાલતે કહ્યું હતું કે ‘લોકશાહીમાં દરેકને વાણીસ્વાતંત્ર્ય છે. લોકશાહીમાં ઘાસને ઊગવાનો અધિકાર છે અને ગધેડાને ઘાસ ખાવાનો અધિકાર છે.’

નૂપુર શર્મા તરફથી પત્રકારોની આઝાદીના રક્ષણ વિશેના એક આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના વિશે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘નૂપુર શર્માને એક પત્રકારના આસન પર બેસાડી ન શકાય. તે ટીવી ડિબેટમાં જાય છે, પરિણામો અને સાંપ્રદાયિક સૌહાર્દ પર અસર શું થશે એનો વિચાર કર્યા વિના બેજવાબદાર સ્ટેટમેન્ટ્સ આપે છે.’

નૂપુર વિરુદ્ધની કમેન્ટ્સ પાછી ખેંચી લેવા લેટર પિટિશન કરવામાં આવી

સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા બીજેપીનાં સસ્પેન્ડ કરાયેલાં નેતા નૂપુર શર્મા વિરુદ્ધ કરાયેલી કમેન્ટ્સ પાછી ખેંચી લેવામાં આવે એવી માગણી કરતી લેટર પિટિશન ગઈ કાલે ચીફ જસ્ટિસ એન. વી. રામન્ના સમક્ષ કરવામાં આવી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જે. બી. પારડીવાલાની વેકેશન બેન્ચે નૂપુરની ઝાટકણી કાઢી હતી. દિલ્હીમાં રહેતા અજય ગૌતમ દ્વારા આ લેટર પિટિશન ફાઇલ કરવામાં આવી છે. 

ટીવી ડિબેટ એજન્ડા અને દિલ્હી પોલીસ સામે પ્રશ્નાર્થ

અદાલતે નૂપુર શર્માના કેસમાં દિલ્હી પોલીસની ટીકા કરી હતી. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે ‘જ્યારે તમે બીજા લોકોની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરો છો ત્યારે તેમની તાત્કાલિક ધરપકડ થાય છે, પરંતુ જ્યારે તમારી વિરુદ્ધ એફઆઇઆર દાખલ થાય છે ત્યારે તમને સ્પર્શ કરવાની કોઈએ હિંમત દાખવી નથી.’ શર્માના લૉયર મનિન્દર સિંહે જણાવ્યું હતું કે નૂપુર શર્મા વિરુદ્ધ એફઆઇઆર સૌપ્રથમ દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ‘દિલ્હી પોલીસે શું કર્યું છે? અમારું મોઢું ન ખોલાવો. ટીવી ડિબેટ શેના વિશે હતી? માત્ર એક એજન્ડા ચલાવવા માટે? શા માટે તેમણે ન્યાયને આધીન મુદ્દાની પસંદગી કરી હતી?’

Whatsapp-channel Whatsapp-channel

02 July, 2022 09:03 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK