° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


અબ બિન્દાસ્ત બોલ ઇન્ડિયા : આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં અંગ્રેજોના સમયના ‘ઝેરી’ કાયદાના અમલ પર રોક

12 May, 2022 09:34 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો : કેન્દ્ર સરકારનું સક્ષમ મંચ અંગ્રેજોના સમયના રાજદ્રોહના કાયદા પર પુનર્વિચાર ન કરે ત્યાં સુધી આ કાયદા હેઠળના તમામ પેન્ડિંગ કેસ, અપીલ અને કાર્યવાહી સ્થગિત રહેશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

 રાજદ્રોહના કાયદાના રાજકીય દુરુપયોગના આક્ષેપો વચ્ચે ગઈ કાલે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક આદેશ આપ્યો હતો. અદાલતે જ્યાં સુધી કેન્દ્ર સરકારનું સક્ષમ મંચ અંગ્રેજોના સમયના આ કાયદા પર પુનર્વિચાર ન કરે ત્યાં સુધી સમગ્ર દેશમાં એફઆઇઆરની નોંધણી, ચાલી રહેલી તપાસ તેમ જ સખત પગલાં લેવા પર સ્ટે મૂક્યો હતો. રાજદ્રોહ કાયદાનો દુરુપયોગ કરીને વિરોધીઓનો અવાજ શાંત કરવામાં આવતો હોવાનો આરોપ મૂકવામાં આવતો રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિરોધીઓને પોતાનો અવાજ બુલંદ કરવા માટે વધારે હિંમત મળી શકે છે. નોંધપાત્ર છે કે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અંગ્રેજોના સમયના આ ઝેરી કાયદા પર હાલ સ્ટે મૂકવામાં આવ્યો છે.

આ કાયદા બાબતે નોંધપાત્ર આદેશ આપતાં ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે દેશનાં હિતો તેમ જ નાગરિકોની આઝાદી અને તેમનાં હિતો વચ્ચે બૅલૅન્સની જરૂર છે. કેન્દ્ર સરકારની ચિંતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૨૪એ (રાજદ્રોહ)ની કઠોરતા અત્યારની સામાજિક સ્થિતિને અનુરૂપ નથી. એટલા માટે અદાલતે આ જોગવાઈની સમીક્ષા કરવા મંજૂરી આપી હતી.

આ બેન્ચમાં જસ્ટિસ સૂર્ય કાંત અને હિમા કોહલી પણ સામેલ હતાં. અદાલતે જ્યાં સુધી આ રાજદ્રોહ કાયદાના પુનર્વિચારની પ્રક્રિયા ચાલતી હોય ત્યાં સુધી રાજદ્રોહના આરોપસર કોઈ નવો એફઆઇઆર દાખલ ન કરવાનો પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યો હતો.

અદાલતે જુલાઈના ત્રીજા અઠવાડિયામાં આ મામલે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો.

અદાલતે જણાવ્યું હતું કે ‘જેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યા હોય તેમને અદાલતના દ્વાર ખટખટાવવાની છૂટ છે, જ્યાં તેઓ અત્યારના આ આદેશને ધ્યાનમાં રાખીને રાહત માટે વિનંતી કરી શકે છે.

ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાએ આ ઑર્ડરમાં જણાવ્યું હતું કે ‘આ પહેલાંની સુનાવણીમાં એટર્ની જનરલને આ રાજદ્રોહના કાયદાના દુરુપયોગનાં ચોંકાવનારાં ઉદાહરણો આપવામાં આવ્યાં હતાં, જેમ કે ‘હનુમાન ચાલીસા’ બોલવાનો કેસ. એટલા માટે જ અમને અપેક્ષા છે કે જ્યાં સુધી આ કાયદા અંગે પુનર્વિચારની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી સરકારો દ્વારા આ કાયદાની જોગવાઈનો ઉપયોગ સતત ન કરવો એ યોગ્ય રહેશે.

અદાલત કેન્દ્ર સરકારના એ સજેશનથી સંમત થઈ નહોતી કે રાજદ્રોહના અપરાધો માટેના એફઆઇઆરની નોંધણીને મોનિટર કરવા માટે પોલીસ સુપરિન્ટેન્ડન્ટ રેન્કના ઑફિસરને જવાબદાર બનાવવામાં આવે. 

સુપ્રીમ કોર્ટે આદેશમાં આ મહત્ત્વની બાબતો જણાવી

- સુપ્રીમે કેન્દ્ર અને રાજ્યોને રાજદ્રોહના આરોપસર કોઈ એફઆઇઆર ન નોંધવા જણાવ્યું છે.

- રાજદ્રોહ માટે દાખલ કરવામાં આવેલા આરોપોના સંબંધમાં તમામ પેન્ડિંગ કેસ, અપીલ અને કાર્યવાહી સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો.

- આરોપીઓને આપવામાં આવેલી રાહત સતત રહેશે.

- રાજદ્રોહના પેન્ડિંગ કેસ વિશે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આપણે એ કેસની ગંભીરતા જાણતા નથી, એમાં આતંકવાદ કે મની લૉન્ડરિંગનો ઍન્ગલ પણ હોઈ શકે છે. 

અંગ્રેજોના સમયમાં બન્યો હતો કાયદો

બ્રિટિશ શાસનમાં ૧૮૭૦માં આ કાયદો બન્યો હતો. એ સમયે આ કાયદાનો ઉપયોગ અંગ્રેજોના શાસનની વિરુદ્ધ બળવો કરનારાઓ પર કરવામાં આવતો હતો. એ સમયે આ કાયદા હેઠળ અનેક લોકોને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. દેશમાં પહેલી વખત ૧૮૯૧માં બંગાળના પત્રકાર જોગેન્દ્ર ચન્દ્ર બોઝ પર રાજદ્રોહ કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો. તેઓ બ્રિટિશ સરકારની આર્થિક નીતિઓનો વિરોધ કરી રહ્યા હતા. 

326
કેસ ૨૦૧૪થી ૨૦૧૯ દરમ્યાન રાજદ્રોહના કાયદા હેઠળ દેશમાં નોંધવામાં આવ્યા હતા.

6
વ્યક્તિને જ દેશમાં આ કાયદા હેઠળ દોષી જાહેર કરવામાં આવી હતી.

141
કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 

54
કેસ સૌથી વધુ આસામમાં ૨૦૧૪ અને ૨૦૧૯ દરમ્યાન નોંધવામાં આવ્યા હતા, જેમાંથી ૨૬ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ૨૫ કેસમાં સુનાવણી પૂરી થઈ હતી. જોકે અહીં એક પણ કેસમાં ૨૦૧૪થી ૨૦૧૯ દરમ્યાન આરોપીને દોષી જાહેર કરવામાં આવ્યો નથી. 

40
કેસ છ વર્ષના સમયગાળા દરમ્યાન ઝારખંડમાં નોંધાયા હતા, જેમાંથી ૨૯ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ૧૬ કેસમાં સુનાવણી પૂરી થઈ હતી. આ રાજ્યમાં આ તમામ કેસમાંથી માત્ર એક વ્યક્તિને દોષી જાહેર કરવામાં આવી હતી.  

31
કેસ હરિયાણામાં નોંધવામાં આવ્યા હતા, જેમાંથી ૧૯ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને છ કેસમાં સુનાવણી પૂરી થઈ હતી. અહીં પણ માત્ર એક વ્યક્તિને દોષી જાહેર કરાઈ હતી.  

25
કેસ બિહાર, જમ્મુ-કાશ્મીર અને કેરલામાં નોંધાયા હતા, જેમાંથી એક પણ કેસમાં બિહાર અને કેરલામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જોકે આ ત્રણ રાજ્યોમાં ૨૦૧૪થી ૨૦૧૯ દરમ્યાન એક પણ કેસમાં આરોપીને દોષી જાહેર કરાયો નથી.  

મેઘાલય, મિઝોરમ, ​ત્રિપુરા, સિક્કિમ, આંદામાન-નિકોબાર, લક્ષ્યદ્વીપ, પૉન્ડિચેરી, ચંડીગઢ, દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં રાજદ્રોહનો એક પણ કેસ દાખલ કરવામાં આવ્યો નથી. 

ભારત સિવાય આ દેશોમાં પણ છે આવો કાયદો
ભારત સિવાય અન્ય કેટલાક દેશોમાં પણ સરકારોની વિરુદ્ધ બોલવા બદલ રાજદ્રોહનો કાયદો લાગુ પડે છે. આવા દેશોમાં ઈરાન, અમેરિકા, સાઉદી અરેબિયા, ઑસ્ટ્રેલિયા અને મલેશિયાનો સમાવેશ થાય છે. જોકે આ દેશોમાં આ કાયદા હેઠળ બહુ ઓછા કેસ નોંધવામાં આવે છે. 

"કેન્દ્ર સરકારે પોતાની સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ કરી છે, સાથે જ આપણા વડા પ્રધાનનો હેતુ પણ કોર્ટને જણાવવામાં આવ્યો છે. અમે અદાલત અને એની સ્વતંત્રતાને માન આપીએ છીએ, પરંતુ એક લક્ષ્મણરેખા છે કે જેનું દેશની વ્યવસ્થા સાથે જોડાયેલી તમામ સંસ્થાઓ અને ભાગોએ ખરા અર્થમાં અને યોગ્ય ભાવનાથી સન્માન કરવું રહ્યું. લક્ષ્મણરેખા પાર ન કરી શકાય. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે આપણે ભારતીય બંધારણની જોગવાઈઓ અને અત્યારના કાયદાનું સન્માન કરીએ." : કિરેન રિજિજુ, કેન્દ્રીય કાયદાપ્રધાન

12 May, 2022 09:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

અભિનેત્રી અમરીન ભટની હત્યામાં સંડોવાયેલા આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા

આતંકવાદીઓએ બુધવારે એક મહિલા ટીવી કલાકારની ગોળી મારીને હત્યા કરી હતી

27 May, 2022 04:54 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ભારતીય ભાષાના પુસ્તકને પહેલી વાર મળ્યો બુકર પુરસ્કારઃ આ નવલકથાને મળ્યું સન્માન

આ એવોર્ડ જીત્યા બાદ ઉત્તર પ્રદેશના મૈનપુરીની ગીતાંજલિ શ્રીએ કહ્યું કે તે ખૂબ જ ખુશ છે

27 May, 2022 03:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

હવે અજમેર શરીફ દરગાહમાં મંદિર હોવાનો દાવો, સુરક્ષામાં વધારો

અજમેરની દરગાહ સંબંધિત આ નવા દાવા બાદ અજમેર જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ પર છે

27 May, 2022 12:39 IST | Ajmer | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK