સોનમ વાંગચુકને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ આ આંદોલનમાં સત્તાવાર રીતે જોડાશે?
સોનમ વાન્ગચુક
દેશના જાણીતા પર્યાવરણવિદ અને વિજ્ઞાની સોનમ વાંગચુકે સોશ્યલ મીડિયા પર યુવાનો દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘કૉક્રૉચ જનતા પાર્ટી’ (CJP) આંદોલનને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. સરકારી નીતિઓ સામે ડિજિટલ માધ્યમથી વિરોધ નોંધાવતા આ અભિયાનની પ્રશંસા કરતાં વાંગચુકે પોતાને આ મૂવમેન્ટના ‘માનદ કૉક્રૉચ’ ગણાવ્યા છે અને સરકારને યુવાનોના અવાજને દબાવવાને બદલે તેમની ચિંતાઓ સાંભળવાની અપીલ કરી છે.
સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં સોનમ વાંગચુકે કહ્યું હતું કે ‘લોકશાહીમાં આવાં આંદોલનોને કોઈ ખતરો માનવાને બદલે જનતાના ફીડબૅક તરીકે જોવાં જોઈએ. હું યુવાનોની આ ડિજિટલ સર્જનાત્મકતાથી ખૂબ પ્રભાવિત થયો છું. સરકારે આ સંદેશનો મર્મ સમજવો જોઈએ, સંદેશ આપનારને ખતમ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. જો અવાજ દબાવવામાં આવશે તો પણ મુદ્દાઓ ખતમ નહીં થાય.’
ADVERTISEMENT
સોનમ વાંગચુકને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ આ આંદોલનમાં સત્તાવાર રીતે જોડાશે? ત્યારે તેમણે હસતાં-હસતાં મજાકિયા અંદાજમાં કહ્યું કે ‘હું આ પક્ષની સદસ્યતા મેળવવાને લાયક નથી, કારણ કે હું બેરોજગાર કે આળસુ નથી; પરંતુ હા, હું પોતાને આ અભિયાનનો ‘માનદ કૉક્રૉચ’ જરૂર માનું છું.’
સોનમ વાંગચુકે આ ડિજિટલ વિરોધની સરખામણી અખબારોમાં છપાતાં રાજકીય કાર્ટૂનો સાથે કરી હતી. તેમણે કહ્યું કે ભારતના યુવાનોએ વિરોધ-પ્રદર્શન માટે પથ્થરમારો કે હિંસાનો રસ્તો નથી પસંદ કર્યો પરંતુ રચનાત્મક ડિજિટલ માધ્યમ પસંદ કર્યું છે, જે એક મજબૂત લોકશાહીની નિશાની છે.
સાથે જ સોનમ વાંગચુકે સરકારને ચેતવણી આપતાં નેપાલનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘નેપાલમાં જ્યારે ઇન્ટરનેટ બંધ કરીને યુવાનોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો ત્યારે રોષે ભરાયેલા યુવાનો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને પરિસ્થિતિ હિંસક બની ગઈ હતી. ભારતમાં આવું ન થાય એ માટે સરકારે સમયસર જાગવું પડશે.’
સોનમ વાંગચુકે સરકાર અને યુવાનો બન્નેને સંયમ જાળવવાની અને શાંતિપૂર્ણ રીતે લોકશાહી ઢબે સંવાદ સાધવાની અપીલ કરી હતી.
લદ્દાખમાં નેપાલ જેવો જેન-ઝી પ્રોસ્ટેસ્ટ શરૂ કરવાના પ્રયાસમાં સોનમ વાંગચુકની ૨૦૨૫ની ૨૬ સપ્ટેમ્બરે નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ અંતર્ગત સરકારે ધરપકડ કરી હતી. તેમને જોધપુરની જેલમાં રાખવામાં આવ્યા હતા. ૧૭૦ દિવસ પછી સરકારે તેમના પરના આરોપોને પાછા ખેંચી લીધા હતા અને ૧૪ માર્ચે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
કૉક્રૉચ જનતા પાર્ટીના વિરોધમાં શરૂ થઈ લાલ હિટ જનતા પાર્ટી
સોશ્યલ મીડિયા પર શરૂ થયેલા ડિજિટલ અભિયાન ‘કૉક્રૉચ જનતા પાર્ટી’નો ટ્રેન્ડ હજી થંભ્યો નથી. જોકે હવે એના વિરોધમાં એક નવી પાર્ટીએ ઇન્ટરનેટ પર એન્ટ્રી મારી છે. એનું નામ છે લાલ હિટ જનતા પાર્ટી. @rajputana_com.44 નામના અકાઉન્ટથી વાઇરલ થયેલી એક પોસ્ટમાં લખેલું છે, ‘હું કૉક્રૉચ જનતા પાર્ટીનો પુરજોશથી વિરોધ કરું છું. હું લાલ હિટ જનતા પાર્ટીને સમર્થન કરું છું. અમને ઘૃણા નહીં, સફાઈ જોઈએ છે.’
અભિજિત દીપકેનો આરોપ : સરકાર ડરી ગઈ, CJPની વેબસાઇટ બંધ કરી દીધી
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના ફાઉન્ડર અભિજિત દીપકેએ શનિવારે સરકાર પર તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક કરવાનો અને વેબસાઇટ બંધ કરી દેવાનો આરોપ લાગવ્યો હતો. સવારે ૮.૨૫ વાગ્યે તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘હું મારું અકાઉન્ટ ઍક્સેસ નથી કરી શકતો.’
એ પછી અભિજિતે સરકારે વેબસાઇટ સરકારે બંધ કરી દીધી હોવાનો આરોપ લગાવતાં બપોરે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘અમારી વેબસાઇટ પણ બંધ કરી દીધી છે. એના પર ૧૦ લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ૬ લાખ લોકોએ શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી પર સહી કરી હતી. મારું પર્સનલ અકાઉન્ટ પણ હૅક કરી દેવામાં આવ્યું છે. સરકાર કૉક્રૉચથી આટલી ડરેલી કેમ છે? આ તાનાશાહી રવૈયો ભારતના યુવાનોની આંખો ખોલી રહ્યો છે. તમે અકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી શકો છો, પણ આંદોલનને હૅક નહીં કરી શકો.’
