છ સૈન્ય ઠેકાણાંઓને ટાર્ગેટ કરવાના ઇરાદાથી પાકિસ્તાનથી ૪ આતંકવાદીઓ ઘૂસ્યા, લાઇન ઑફ કન્ટ્રોલ પાસે પીર પંજાલની પર્વતમાળાનાં જંગલોમાં જોવા મળી હતી શંકાસ્પદ ઍક્ટિવિટી
પ્રતીકાત્મક તસવીર
ભારતીય સુરક્ષા એજન્સીઓના કહેવા મુજબ લેબૅનનના શાદાબ બાઝી સાથે પાકિસ્તાનના ૩ આતંકવાદીઓ પાકિસ્તાનના રસ્તે ભારતમાં ઘૂસી ચૂ્કયા છે. એવી શંકા છે કે આ આતંકવાદીઓ કાશ્મીરમાં ૬ સૈન્ય થાણાં પર મોટો હુમલો કરવાની પેરવીમાં છે.
સિક્યૉરિટી એજન્સીઓને મળેલા ખુફિયા રિપોર્ટ મુજબ આ આતંકવાદીઓ પૂંછના ગગરિયા અને કુંડેનાળા વિસ્તારથી ભારતમાં ઘૂસ્યા છે. આ આખો વિસ્તાર ગાઢ જંગલો અને પહાડી રસ્તાથી ઘેરાયેલો છે. ખુફિયા એજન્સીઓને મળેલા રિપોર્ટ મુજબ આતંકવાદીઓના લિસ્ટમાં લેબૅનનનો શાદાબ બાજી અને પાકિસ્તાનના ઝાકિર ખાન અને ઝુલ્ફખાન શિકારી ઉર્ફે આમિર ખાન તેમ જ પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીરનો મીર હમઝા સામેલ છે. આ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તય્યબાના હાઇબ્રિડ મૉડલ પર કામ કરી રહ્યા છે. આતંકવાદીઓની ઉંમર ૨૩થી ૨૫ વર્ષની વચ્ચે છે અને તેઓ કાશ્મીરનાં જ ૬ સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવવાના છે.
ADVERTISEMENT
પીર પંજાલની પર્વતમાળાના કાઝીગુંડમાં શંકાસ્પદ આતંકવાદીઓની ઍક્ટિવિટી જોવા મળી છે. તેઓ બે લોકલ ગાઇડની મદદથી આગળ વધી રહ્યા છે.
