૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા કેશવ કુંજમાં બાર-બાર માળના ત્રણ ટાવર: ૭૫,૦૦૦ સપોર્ટરોના ડોનેશનથી ૮ વર્ષમાં બન્યું નવું હેડક્વૉર્ટર : ૧૯ ફેબ્રુઆરીએ મોહન ભાગવત અને દત્તાત્રેય હોસાબળે ખુલ્લું મૂકશે
કેશવ કુંજ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના દિલ્હી યુનિટનું ભવ્ય હેડક્વૉર્ટર તૈયાર થઈ ગયું છે. પાટનગરના ઝંડેવાલાં વિસ્તારમાં બનેલા આ હેડક્વૉર્ટરને કેશવ કુંજ નામ આપવામાં આવ્યું છે. ઝંડેવાલાં વિસ્તારમાં જ આવેલા ઉદાસીન આશ્રમમાંથી ૮ વર્ષ કામ કર્યા પછી RSS એના ઓરિજિનલ ઍડ્રેસ પર પાછો ફરશે. નવેમ્બર ૨૦૧૬માં RSSના ચીફ મોહન ભાગવતે આ હેડક્વૉર્ટરના નવનિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. હવે ૧૯ ફેબ્રુઆરીએ મોહન ભાગવત અને RSSના જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસાબળે કાર્યકર્તા સંમેલન સાથે આ નવનિર્મિત હેડક્વૉર્ટરને ખુલ્લું મૂકશે.
લગભગ ૩.૭૫ એકર વિસ્તારમાં પથરાયેલા કેશવ કુંજનું નિર્માણ ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચે થયું છે. આ રકમ સંપૂર્ણપણે ૭૫,૦૦૦ સપોર્ટરોએ આપેલા ડોનેશનમાંથી ઊભી થઈ છે. કેશવ કુંજમાં ગ્રાઉન્ડ પ્લસ ૧૨ માળનાં ત્રણ બિલ્ડિંગ છે જેનાં નામ સાધના, પ્રેરણા અને અર્ચના રાખવામાં આવ્યાં છે. સાધના ટાવર પ્રાંત કાર્યાલય તરીકે કામ કરશે અને એમાં અન્ય ઍડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસો હશે. પ્રેરણા ટાવર પ્રવાસી કાર્યકર્તાઓ માટે છે જેમાં તેમને રહેવાની અને કામ કરવાની વ્યવસ્થા મળશે. આ ટાવરમાં નવમા માળે પત્રકારો માટેનો એક હૉલ છે. મોહન ભાગવત જ્યારે દિલ્હી જશે ત્યારે તેઓ આ ટાવરમાં રહેશે. અર્ચના ટાવર સહાયક સ્ટાફ માટે છે અને એમાં અન્ય શહેરોમાંથી આવતા સભ્યો માટે ૮૦ રૂમ છે.
ADVERTISEMENT
કેશવ કુંજને ગુજરાત-સ્થિત આર્કિટેક્ટ અનૂપ દવે દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. રાજસ્થાન અને ગુજરાતના નકશીકામથી પ્રેરિત થઈને કેશવ કુંજમાં લાકડાનો વપરાશ ઘટાડવા બારીકાઈથી ડિઝાઇન થયેલી ગ્રેનાઇટની ૧૦૦૦ વિન્ડો-ફ્રેમ્સ વાપરવામાં આવી છે. કેશવ કુંજને જરૂર પડનારી ઇલેક્ટ્રિસિટીનો ૨૦ ટકા હિસ્સો રૂફટૉપ સોલર પૅનલોમાંથી મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
કેશવ કુંજમાં અદ્યતન સુવિધાઓ અને ટૅક્નૉલૉજી ધરાવતાં ત્રણ ઑડિટોરિયમ છે જેની કમ્બાઇન્ડ ક્ષમતા ૧૩૦૦ લોકોની છે. એક ઑડિટોરિયમને વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને રામ જન્મભૂમિ આંદોલનના પ્રણેતા અશોક સિંઘલનું નામ આપવામાં આવ્યું છે.
કેશવ કુંજમાં પૅથોલૉજી લૅબ સાથેની પાંચ બેડની હૉસ્પિટલ છે, ડિસ્પેન્સરી છે અને એકસાથે ૧૦૦ જણને સમાવી શકતો ડાઇનિંગ હૉલ પણ છે. કેશવ કુંજમાં રહેનારા લોકો તથા મુલાકાતીઓ માટે કૅન્ટીનની પણ સગવડ છે. આ કૉમ્પ્લેક્સમાં યોગ સેન્ટર અને અદ્યતન ઇક્વિપમેન્ટ્સ સાથેનું જિમ્નેશ્યમ પણ છે. કેશવ કુંજમાં ૧૩૫ ગાડીઓ પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા છે અને એને વધારીને ૨૭૦ કારને સમાવી શકાય એવી પણ ગોઠવણ છે. કેશવ કુંજમાં હનુમાન મંદિર પણ છે.
કેશવ કુંજના બીજા અને ત્રીજા ટાવરની વચ્ચોવચ લીલીછમ લૉન છે જ્યાં RSSના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારની પ્રતિમા મૂકવામાં આવી છે. આ જગ્યાને સંઘ સ્થાન નામ આપવામાં આવ્યું છે અને અહીં RSSની દૈનિક શાખા ભરાશે અને સંગઠનને લગતી ઇવેન્ટ્સ યોજાશે.

