Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આપણી વચ્ચેની ‘દિલ કી દૂરી, દિલ્લી કી દૂરી’ દૂર કરો : મોદી

આપણી વચ્ચેની ‘દિલ કી દૂરી, દિલ્લી કી દૂરી’ દૂર કરો : મોદી

25 June, 2021 11:49 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાશ્મીરી નેતાઓ સાથેની વડા પ્રધાનની મીટિંગમાં અમિત શાહે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની બાંયધરી આપી હોવાનો દાવો

દિલ્હીમાં ગઈ કાલે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય નેતાઓ સાથેની મીટિંગ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ

દિલ્હીમાં ગઈ કાલે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય નેતાઓ સાથેની મીટિંગ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ


કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ટોચના નેતાઓ ગઈ કાલે દિલ્હી આવ્યા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ નેતાઓ મુખ્યત્વે પાંચ માગણીઓ સાથે આવ્યા હતા. સમગ્ર પ્રદેશને રાજ્યનો દરજ્જો આપો, લોકશાહીની પ્રણાલી પ્રસ્થાપિત કરવા વહેલાસર વિધાનસભાની ચૂંટણી યોજો, કાશ્મીરી પંડિતોનો ફરી વસવાટ કરાવો, તમામ રાજકીય નેતાઓને નજરકેદ અને અટકમાંથી મુક્ત કરો તેમ જ ડોમિસાઇલને લગતા નિયમોમાં પણ ફેરફાર કરો એવી માગણી આ કાશ્મીરી નેતાઓએ મોદી સમક્ષ રજૂ કરી હતી.

દરમ્યાન, ગુલામ નબીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે એવું અમિત શાહે કહ્યું હતું.



એ.એન.આઇ.ના અહેવાલ મુજબ મોદીએ આ કાશ્મીરી નેતાઓને કહ્યું હતું કે ‘રાજકીય મતભેદોને બાજુએ રાખીને દરેકે રાષ્ટ્રના હિતમાં અને પ્રજાના લાભ માટે જ કાર્યો કરવાં જોઈએ. આપણી વચ્ચે જે ‘દિલ કી દૂરી, દિલ્લી કી દૂરી’ છે એ દૂર કરો.’ હાઈ-પ્રોફાઇલ મીટિંગ બપોરે ૩ વાગ્યે શરૂ થઈ હતી અને ત્રણ કલાક સુધી ચાલી હતી, જેમાં કેન્દ્રશાસિત પ્રદેશના કુલ ૧૪ મુખ્ય નેતાઓએ હાજરી આપી હતી.


૨૦૧૯ની પાંચમી ઑગસ્ટે જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તતા (કલમ ૩૭૦) પાછી ખેંચી લેવામાં આવી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી નાખવામાં આવ્યું ત્યાર પછી વડા પ્રધાન મોદી સાથેની કાશ્મીરના મુખ્ય નેતાઓની આ પહેલી ઉચ્ચ-સ્તરીય બેઠક હતી.

મોદીએ પછીથી પત્રકારોને કહ્યું હતું કે ‘મતદારક્ષેત્રોની હદ નક્કી થવા સહિતની બાબતો પરિપૂર્ણ થશે ત્યાર પછી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. શાંતિપૂર્ણ ચૂંટણીઓ સીમાચિહ્‍નરૂપ બનાવવાની કેન્દ્રની નેમ છે. આ સમગ્ર પ્રદેશને વિકાસ અને પ્રગતિના પંથે લઈ જવા માટેના પ્રયાસમાં આ બેઠક મહત્ત્વનું પગલું ગણી શકાય.’


સુમેળભર્યા માહોલમાં યોજાયેલી આ મીટિંગમાં ખાસ કરીને ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત ડોભાલ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને ગૃહસચિવ તેમ જ કૉન્ગ્રેસના ગુલામ નબી આઝાદ, તારાચંદ, જી. એ. મીર, નૅશનલ કૉન્ફરન્સના ફારુક અબદુલ્લા તથા ઓમર અબદુલ્લા, પીડીપીનાં મેહબૂબા મુફ્તી તેમ જ અલ્તાફ બુખારી, બીજેપીના રવિન્દર રૈના, નિર્મલ સિંહ, કવિન્દર ગુપ્તા, માર્ક્સવાદી પક્ષના સજાદ ગની લોન અને પૅન્થર્સ પાર્ટીના ભીમ સિંહનો સમાવેશ હતો.

Whatsapp-channel Whatsapp-channel

25 June, 2021 11:49 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK