આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરના સોનમર્ગમાં ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કરશે. આને લીધે શ્રીનગરથી લેહ સુધીના ટ્રાવેલિંગ ટાઇમમાં પણ થશે ઘટાડો
આજે ટનલના ઉદ્ઘાટન પહેલાં છેલ્લી ઘડીની સુરક્ષા-વ્યવસ્થા તપાસી રહેલા સલામતી દળોના અધિકારીઓ.
જમ્મુ અને કાશ્મીરના ગંડેરબાલ જિલ્લામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કરશે. આ પહેલાં આ વિસ્તારમાં સુરક્ષા-વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ટનલના ઉદ્ઘાટન બાદ વડા પ્રધાન મોદી એક જનસભાને પણ સંબોધવાના છે.
આ વિસ્તારમાં ટનલ માટે કામ કરતી કંપનીના કર્મચારીઓ પર ગયા ઑક્ટોબર મહિનામાં આતંકવાદીઓએ હુમલો કર્યો હોવાથી સુરક્ષા-વ્યવસ્થા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ હુમલામાં એક સ્થાનિક ડૉક્ટર સહિત સાત લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ADVERTISEMENT
ટનલના ઉદ્ઘાટન પ્રસંગે વડા પ્રધાન સાથે કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી, જમ્મુ અને કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્ય પ્રધાન ઉમર અબદુલ્લા ઉપસ્થિત રહેશે.
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઉમર અબદુલ્લાએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ઝેડ મોડ ટનલના ઉદ્ઘાટન સાથે સોનમર્ગ હવે આખું વર્ષ પર્યટન માટે ખુલ્લું રહેશે. એને એક સ્કી રિસૉર્ટ તરીકે વિકસિત કરવામાં આવશે. સ્થાનિક લોકોને હવે શિયાળામાં અહીંથી પલાયન નહીં કરવું પડે. શ્રીનગરથી કારગિલ અને લેહ સુધીની યાત્રાના સમયમાં પણ ઘટાડો થશે.
ટનલની વિશેષતા
આ ટનલ શ્રીનગર-લેહ હાઇવે પર આવેલી છે અને એનાથી શ્રીનગર અને લદ્દાખ વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો થશે.
આ ટનલનું બાંધકામ ૨૦૧૫ના મે મહિનામાં શરૂ થયું હતું અને ૨૦૨૪માં પૂરું થયું હતું. ૨૦૨૪ના ફેબ્રુઆરીમાં એનું સૉફ્ટ-ઓપનિંગ કરવામાં આવ્યું હતું.
આ ટનલ રણનીતિક રીતે મહત્ત્વની છે જે સૌથી યુવા કેન્દ્રશાસિત પ્રદેશને જોડશે.
આ ટનલ ગંડેરબાલ જિલ્લાના ગગનગીરને સોનમર્ગ હેલ્થ રિસૉર્ટથી જોડશે. શિયાળામાં વધારે બરફવર્ષાને કારણે આ વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે.
આ ટનલ નૅશનલ હાઇવે ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ (NHIDCL) દ્વારા વિકસિત કરવામાં આવી છે. એનું નામ અંગ્રેજીમાં ઝેડ આકારના રસ્તાને કારણે ઝેડ મોડ ટનલ આપવામાં આવ્યું છે.
ઝોઝિલા ટનલનું કામ ચાલુ
સોનમર્ગ અને લદ્દાખના દ્રાસ સેક્ટરને જોડનારી ઝોઝિલા ટનલને બાંધવાનું કામ ચાલુ છે. ૨૦૨૮ના ડિસેમ્બર મહિના સુધી એનું કામ પૂર્ણ થવાની ધારણા છે.
નંબરગેમ
6.5
આટલાં કિલોમીટર લાંબી છે ટનલ
2400
આટલા કરોડ રૂપિયા ખર્ચ ટનલ બાંધવામાં થયો છે
8650
આટલા ફુટની ઊંચાઈએ બનાવવામાં આવી છે ટનલ
7.5
આટલાં મીટર પહોળી છે ટનલ
2
આટલી લેન ટનલમાં છે

