Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નીતીશ સીએમ તો બન્યા, પણ ફરી રેકૉર્ડ બનાવવામાં છ કલાક લેટ થયા

નીતીશ સીએમ તો બન્યા, પણ ફરી રેકૉર્ડ બનાવવામાં છ કલાક લેટ થયા

11 August, 2022 08:31 AM IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૭માં રાજીનામું આપ્યાને માત્ર ૧૬ કલાકમાં નીતીશ ફરી સત્તા પર આવી ગયા હતા, આ વખતે તેમને ૨૨ કલાક લાગ્યા

પટનામાં ગઈ કાલે રાજભવન ખાતે બિહારના મુખ્ય પ્રધાનપદે શપથ ગ્રહણ કરી રહેલા જનતા દળ (યુનાઇટેડ)ના નેતા નીતીશ કુમાર.

પટનામાં ગઈ કાલે રાજભવન ખાતે બિહારના મુખ્ય પ્રધાનપદે શપથ ગ્રહણ કરી રહેલા જનતા દળ (યુનાઇટેડ)ના નેતા નીતીશ કુમાર.


નીતીશ કુમારે રેકૉર્ડ આઠમી વખત ગઈ કાલે બિહારના મુખ્ય પ્રધાનપદે શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ અને અન્ય પાર્ટીઓની સાથે મળીને નવી સરકાર રચી હતી. તેજસ્વી યાદવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

૨૦૧૭માં નીતીશ કુમારે બુધવારે રાજીનામું આપ્યું હતું અને પછી ગુરુવારે શપથગ્રહણ કર્યા હતા, જ્યારે ૨૦૨૨માં તેમણે મંગળવારે રાજીનામું આપ્યું અને બુધવારે તેઓ ફરી સીએમ બન્યા હતા.



૨૦૧૭માં તેમણે એ સમયની સરકારમાં સાથી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળના નેતા અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. આખરે તેમણે ૨૬ જુલાઈએ સાંજે છ વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. જોકે એ પછી ઝડપથી ઘટનાક્રમ બદલાયો. બીજા દિવસે સવારે નીતીશ કુમારે ફરી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ વખતે તેમણે બીજેપીની સાથે મળીને નવી સરકાર બનાવી હતી. વાસ્તવમાં એટલી ઝડપથી પૉલિટિકલ સર્કસ થયું કે રાજીનામું આપ્યાને માત્ર ૧૬ કલાકમાં નીતીશ કુમાર ફરી સત્તા પર આવી ગયા હતા. તેજસ્વીની જગ્યાએ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદી બન્યા હતા.


જોકે પાંચ વર્ષ બાદ બિલકુલ એ જ રીતે ઝડપી રાજકીય ઘટનાક્રમ થયો હતો. રાજ્યમાં બીજેપી વિપક્ષમાં જતી રહી, જ્યારે રાષ્ટ્રીય જનતા દળ સત્તામાં પાછી ફરી હતી. આ વખતે નીતીશ કુમાર મંગળવારે બપોરે પોણાચાર વાગ્યાની આસપાસ રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળવા પહોંચ્યા હતા અને લગભગ ૩.૫૦ વાગ્યે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યાને માત્ર ૨૪ કલાકમાં તેમણે ફરી શપથ ગ્રહણ કર્યા હતા. જોકે ૨૦૧૭વાળી સ્પીડ નહોતી જોવા મળી. રાજીનામું આપ્યા બાદ ફરી શપથ ગ્રહણ કરતાં તેમને ૨૨ કલાક લાગ્યા હતા.  
દરમ્યાનમાં પટનામાં બીજેપીએ ગઈ કાલે ભારે વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને જાહેર કર્યું હતું કે તેઓ જિલ્લાઓમાં પણ વિરોધ-પ્રદર્શન કરશે.

બીજેપીએ એવો આરોપ મૂક્યો હતો કે નીતીશ કુમારની ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવાની આકાંક્ષા હતી અને જ્યારે તેમને ના પાડવામાં આવી ત્યારે તેમણે બિહારમાં ગઠબંધન તોડ્યું હતું.


૨૦૧૪માં સત્તા પર આવનારી વ્યક્તિ ૨૦૨૪માં જીતશે કે નહીં? : વડા પ્રધાનને સીધો પડકાર

શપથગ્રહણ સમારોહ બાદ મીડિયા સાથેની વાતચીતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સીધો પડકાર ફેંકી નીતીશે સવાલ કર્યો હતો કે મોદી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ફરી ચૂંટાઈ આવશે? તેમણે કહ્યું હતું કે ‘મને પીએમની પોસ્ટની આકાંક્ષા નથી. સવાલ એ પૂછવો જોઈએ કે ૨૦૧૪માં સત્તા પર આવનારી વ્યક્તિ ૨૦૨૪માં જીતશે કે નહીં.’ નીતીશે વધુ એક વખત ખાતરી આપી હતી કે તેઓ વિપક્ષોની એકતા માટે સખત મહેનત કરશે. નીતીશે કહ્યું હતું કે ‘હું ૨૦૨૦ની ચૂંટણીનાં પરિણામો બાદ મુખ્ય પ્રધાન નહોતો બનવા ઇચ્છતો હતો, પરંતુ મારા પર પ્રેશર કરવામાં આવ્યું હતું.’ બીજેપીએ નીતીશ પર બિહારની જનતાની સાથે વિશ્વાસઘાત કરવાનો અને જનાદેશનો અનાદર કરવાનો આરોપ મૂક્યો હતો. એના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘હું રહું કે ન રહું, લોકોને જે કહેવું હોય એ કહેવા દો.’

જયરામ રમેશે કરી બિહારની મહારાષ્ટ્ર સાથે સરખામણી

મહારાષ્ટ્ર બાદ બિહારમાં પણ ઓચિંતું સત્તા-પરિવર્તન થયું છે. જોકે આ બન્ને રાજ્યોમાં થયેલા સત્તા-પરિવર્તનમાં રહેલા ફરક વિશે કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશે ગઈ કાલે એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘બિહારમાં ઑપરેશન લોટસ નહોતું, કોઈ કૅશ પકડાઈ નહોતી, આસામના મુખ્ય પ્રધાન નહોતા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની કોઈ રેઇડ નહોતી, કોઈ રિસૉર્ટ-યાત્રા નહીં. બધું જ બિહારની લાક્ષણિક પદ્ધતિથી, સભ્ય રીતે અને ઓછા ખર્ચે થયું હતું. સીએમને સૌથી વધુ બેઠકો ધરાવતી પાર્ટી અને અન્ય પાર્ટીઓનો સપોર્ટ મળ્યો. મહારાષ્ટ્રમાં બીજેપીએ પક્ષપલટો કરાવ્યો હતો. બિહારમાં બીજેપીને રિજેક્ટ કરાઈ છે અને એનો નિકાલ કરવામાં આવ્યો છે.’ નોંધપાત્ર છે કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં બળવો થયો હતો. બળવાખોર વિધાનસભ્યોને સુરત અને ગુવાહાટીમાં લઈ જવાયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

11 August, 2022 08:31 AM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK