Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશમાં શું ચાલી રહ્યું છે

ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશમાં શું ચાલી રહ્યું છે

03 August, 2021 09:26 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પેગસસના મુદ્દે એનડીએમાં ભંગાણ; પંજાબમાં તમામ ધોરણો માટે સ્કૂલો શરૂ; ઘર્ષણમાં ૧૪૦૧ માનવી અને ૩૦૧ હાથીનાં મૃત્યુ અને વધુ સમાચાર

કઈ વૅક્સિન લેવી છે? લોકોને વૅક્સિન લેવા માટે જાગૃત કરવા જાતજાતના પ્રયોગો કરવામાં આવે છે. ચેન્નઈમાં આવો જ એક પ્રયાસ કરવામાંઆવ્યો છે જેમાં એક વ્યક્તિ સ્કૂટર પર ભારતમાં બનતી કોવિશીલ્ડ અને કોવૅક્સિનની વિશાળ કદની પ્રતિકૃતિ સાથે શહેરમાં ફરીને લોકોને કોરોના સામેની લડતમાં સહભાગી થવા જણાવી રહ્યો છે. (તસવીરઃ પી.ટી.આઇ.)

કઈ વૅક્સિન લેવી છે? લોકોને વૅક્સિન લેવા માટે જાગૃત કરવા જાતજાતના પ્રયોગો કરવામાં આવે છે. ચેન્નઈમાં આવો જ એક પ્રયાસ કરવામાંઆવ્યો છે જેમાં એક વ્યક્તિ સ્કૂટર પર ભારતમાં બનતી કોવિશીલ્ડ અને કોવૅક્સિનની વિશાળ કદની પ્રતિકૃતિ સાથે શહેરમાં ફરીને લોકોને કોરોના સામેની લડતમાં સહભાગી થવા જણાવી રહ્યો છે. (તસવીરઃ પી.ટી.આઇ.)


પેગસસના મુદ્દે એનડીએમાં ભંગાણ, નીતીશ કુમારે કહ્યું તપાસ કરાવો

નવી દિલ્હી: પેગસસ જાસૂસી કાંડમામલે વિપક્ષને બિહારના સીએમ નીતીશ કુમારનો સાથ મળ્યો છે. સીએમ નીતીશ કુમારે પેગસસ જાસૂસી કેસની તપાસની માગણી કરી છે.નીતીશ કુમારે કહ્યું કે ઘણા દિવસોથી ફોન ટેપિંગની વાતો ચાલી રહી છે તો એની પર ચર્ચા થવી જ જોઈએ.



નીતીશ કુમારે એવું પણ જણાવ્યું કે સંસદમાં આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે અને મીડિયામાં પણ રોજ નવા રિપોર્ટ આવી રહ્યા છે. એથી નિશ્ચિત રીતે એની ચર્ચા થવી જ જોઈએ અને એની તપાસ પણ થવી જોઈએ અને તપાસનાં જે પરિણામો આવે એને જાહેર કરવા જોઈએ.’


ગુરુવારે, સુપ્રીમ કોર્ટ પેગસસ કૌભાંડની વિશેષ તપાસની માગણી કરતી અરજીઓની સુનાવણી કરશે. અરજીઓમાં માગણી કરવામાં આવી છે કે કોર્ટ સરકારને જાહેર કરે કે શું એણે સ્પાયવેર માટે લાઇસન્સ મેળવ્યું છે કે એનો ઉપયોગ કર્યો છે? ઉલ્લેખનીય છે કે સંભવિત લક્ષ્યોની કથિત યાદીમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી, ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર, બે સેવા આપતા કેન્દ્રીય પ્રધાનો, એક ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર અને ૪૦ પત્રકારો હતા.

ભારતમાં ૧૪૨થી વધુ લોકો કહેવાતી યાદીમાં હતા.


 

ભારત-ચીન સરહદે વહેલા ઉકેલ માટે સંમત

નવી દિલ્હી: ભારત અને ચીનના કમાન્ડરો તાજેતરમાં યોજાયેલી મહત્ત્વની મીટિંગમાં લદ્દાખમાં સરહદ પર લાઇન ઑફ અૅક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) ખાતેનો દાયકાઓ જૂનો વિવાદ વહેલાસર ઉકેલી નાખવા એકમેક સાથે સંમત થયા છે. બન્ને દેશો પોતાના દળો પાછા ખેંચી લેવા પર સૌથી વધુ ધ્યાન આપવા તૈયાર થયા છે.

 

પંજાબમાં તમામ ધોરણો માટે સ્કૂલો શરૂ

ચંડીગઢ: પંજાબમાં ગઈ કાલથી તમામ ધોરણો માટે સ્કૂલો ફરી શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રી-પ્રાઇમરી સ્કૂલો થોડા સમયગાળા બાદ ફરી શરૂ કરાઈ હતી. ગ્રામીણ સ્કૂલોમાં બાળકોની હાજરી વધુ જોવાઈ હતી, જ્યારે ખાનગી સ્કૂલોમાં બાળકોની હાજરી પાંખી રહી હતી.

બીજી ઑગસ્ટથી રાજ્યમાં તમામ સ્કૂલોને તમામ ધોરણો માટે સ્કૂલો ફરી શરૂ કરવાની પરવાનગી આપી હતી. એ મુજબ સ્કૂલોમાં કોરોના વાઇરસ પ્રોટોકૉલનું પાલન કરવા અનિવાર્ય રહેશે એમ જ વાલીઓએ તેમનાં બાળકો સવારે આઠ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીના સ્કૂલના ક્લાસમાં હાજર રહેશે એવી લેખિત પરવાનગી આપવાની રહેશે.

 

કાશ્મીરમાં શંકાસ્પદ ટિફિન મળ્યું

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં બડગામ જિલ્લાના માગમ વિસ્તારમાંથી ગઈ કાલે શંકાસ્પદ ટિફિન મળી આવ્યું હતું જેના કારણે પોલીસ તંત્રની દોડધામ વધી ગઈ હતી. ટિફિન મામલે જાણ થતાં જ પોલીસે બૉમ્બ સ્ક્વૉડને જાણ કરી હતી. અગાઉ પણ જમ્મુ-રાજૌરી-પૂંછ રાષ્ટ્રીય રાજમાર્ગ પરથી એક શંકાસ્પદ બૅગ મળી આવી હતી, જેથી પોલીસ અને સેના હવે અલર્ટ મોડમાં આવી ગઈ છે.

 

ઘર્ષણમાં ૧૪૦૧ માનવી અને ૩૦૧ હાથીનાં મૃત્યુ

નવી દિલ્હી: રાજ્યસભામાં ગઈ કાલે માહિતી આપવામાં આવી હતી કે છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન દેશમાં માનવીઓ અને હાથીઓ વચ્ચે અનેક વાર ઘર્ષણ થયાં હતાં જેમાં ૧૪૦૧ માનવીનાં અને ૩૦૧ હાથીનાં મૃત્યુ થયાં હતાં. પર્યાવરણ અને વન વિભાગને લગતું કેન્દ્રીય મંત્રાલય ‘પ્રોજેક્ટ એલિફન્ટ’ નામની કેન્દ્ર સરકારની સ્કીમ હેઠળ રાજ્યોને હાથીના રક્ષણ અને જાળવણી માટે તેમ જ એમના આવાસનાં સ્થાનોની જાળવણી માટે આર્થિક અને ટેક્નિકલ સહાયતાઓ આપતું રહેતું હોય છે.

 

મિઝોરમના સંસદસભ્ય સામેનો એફઆઇઆર આસામ પાછો ખેંચી લેશે

ગુવાહાટી: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ ગઈ કાલે ૨૬ જુલાઈના મિઝોરમ સાથેની સરહદ પરના ઘર્ષણને પગલે દાખલ કરવામાં આવેલો એફઆઇઆર પાછો ખેંચી લેવા પોલીસને કહ્યું હતું.

૨૬ જુલાઈએ થયેલા ઘર્ષણને પગલે આસામ પોલીસે કે. વનલાલવેના અને મિઝોરમ રાજ્યના અન્ય છ અધિકારીઓ વિરુદ્ધ હિંસામાં તેમની ભૂમિકા બદલ સમન્સ પાઠવ્યા હતા. ગઈ કાલે શ્રેણીબદ્ધ ટ્વીટમાં હિમંતાએ કહ્યું હતું કે આ સદ્ભાવનાને આગળ વધારવા માટે આસામ પોલીસને મિઝોરમમાંથી રાજ્યસભાના સભ્ય કે. વનલાલવેના સામેનો એફઆઇઆર પાછો ખેંચવાનો આદેશ આપ્યો હતો. જોકે અન્ય આરોપીઓ સામે કેસ ચાલશે. ઘર્ષણમાં આસામના પાંચ પોલીસનાં મૃત્યુ થયાં હતાં.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે આસામ અને મિઝોરમના મુખ્ય પ્રધાન સાથે વાત કરી વાતચીત દ્વારા સરહદી મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની વિનંતી કર્યા બાદ ઉક્ત વિકાસ સધાયો હતો.

 

પૂર્વોત્તર રાજ્યના બીજેપીના સંસદસભ્યો વડા પ્રધાનને મળ્યા

નવી દિલ્હી: આસામ અને મિઝોરમ વચ્ચે સરહદના મુદ્દે પ્રવર્તતા તણાવના મુદ્દે દેશના પૂર્વોત્તર રાજ્યના બીજેપીના સંસદસભ્યો ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા તથા આ સંવેદનશીલ મુદ્દા પર રાજકારણ કરવાનો કૉન્ગ્રેસ પર આરોપ મૂક્યો હતો.

પૂર્વોત્તર તેમના હૃદયની ખૂબ નજીક છે એમ જણાવી વડા પ્રધાને સંસદસભ્યોને કહ્યું હતું કે આ પ્રદેશ માટે તેમનો પ્રેમ ખૂબ જ સ્વાભાવિક છે. મોદીને ટાંકીને કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે પીએમ ભારપૂર્વક કહે છે કે તેઓ આ ક્ષેત્રને રાજકારણની દૃષ્ટિએ નથી જોતા.

મોદીને આપેલા મેમોરન્ડમમાં બીજેપીના સંસદસભ્યએ કહ્યું હતું કે આસામ-મિઝોરમ મુદ્દે દેશમાં અરાજકતા ફેલાવવા માગતાં તત્ત્વોને તેઓ એવો સંદેશ આપવા માગે છે કે તેમનાં ષડ્યંત્રો અહીં કામ નહીં કરે. મેમોરન્ડમમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર દ્વારા ઉત્તરપૂર્વમાં હાથ ધરાયેલ વિકાસકાર્ય ઐતિહાસિક અને અજોડ છે.

Whatsapp-channel Whatsapp-channel

03 August, 2021 09:26 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK