ટ્વિટરમાંથી ફાયર કરાયેલા કર્મચારીઓને હાયર કરશે કૂ અને વધુ સમાચાર

મિડ-ડે લોગો
ટ્વિટરમાંથી ફાયર કરાયેલા કર્મચારીઓને હાયર કરશે કૂ
નવી દિલ્હી : ઇલૉન મસ્કે જ્યારથી ટ્વિટરને હસ્તગત કર્યું છે ત્યારથી છટણી અને રાજીનામાંના કારણે આ સોશ્યલ મીડિયા કંપનીના સ્ટાફમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ ભારે અરાજક માહોલમાં ભારતીય હરીફ સાઇટ ‘કૂ’એ જણાવ્યું છે કે ટ્વિટર દ્વારા હકાલપટ્ટી કરાયેલા કેટલાક કર્મચારીઓની એ ભરતી કરશે. ટ્વિટર પર કૂના કો-ફાઉન્ડર મયંક બિડવટકાએ લખ્યું હતું કે ‘#RIPTwitter જોવું ખૂબ જ દુખદ છે. અમે સતત અમારો વ્યાપ વધારી રહ્યા છીએ ત્યારે અમે ટ્વિટરના આ ભૂતપૂર્વ કર્મચારીઓમાંથી કેટલાકને હાયર કરીશું. ’
ADVERTISEMENT
ટ્વિટરની નવી પૉલિસી, હવે હેટ સ્પીચ અને નેગેટિવ કન્ટેન્ટને પ્રોત્સાહન નહીં
વૉશિંગ્ટનઃ કર્મચારીઓ દ્વારા વ્યાપકપણે રાજીનામાંના એક દિવસ બાદ આ સોશ્યલ મીડિયા કંપનીના નવા બૉસ ઇલૉન મસ્કે ટ્વિટરની નવી પૉલિસી વિશે જણાવ્યું હતું. તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘ટ્વિટરની નવી પૉલિસી વાણી સ્વતંત્રતા વિશે છે, પરંતુ પહોંચની આઝાદી વિશે નહીં. નેગેટિવ અને ઘૃણાસ્પદ ટ્વીટ્સ ન વધે એવા મહત્તમ પ્રયાસ કરવામાં આવશે એટલે ટ્વિટરને કોઈ ઍડ કે અન્ય રેવન્યુ નહીં.’
અદાલત નક્કી કરશે કે મસ્કનું ૪૫૬૫ અબજનું પે પૅકેજ યોગ્ય છે કે નહીં
વૉશિંગ્ટનઃ ઇલૉન મસ્કની જુબાની બાદ અમેરિકામાં ડેલવેરના જજ હવે નક્કી કરશે કે ટેસ્લા ઇન્ક તરફથી મસ્કના ૫૬ અબજ ડૉલર (લગભગ ૪૫૬૫ અબજ રૂપિયા)નું પે પૅકેજ આ કંપનીની જબરદસ્ત વૃદ્ધિને જોતાં ન્યાયરૂપ છે કે પછી ખામીયુક્ત પ્રક્રિયા દ્વારા એને ઓછું આંકવામાં આવ્યું છે. મસ્ક અને ટેસ્લાના ડિરેક્ટર્સ વારંવાર કહી રહ્યા છે કે આ પૅકેજે એ હાંસલ કર્યું છે કે જેના માટે એ નક્કી કરવામાં આવ્યું હતું કે રોકાણકારો અને મસ્કને સમૃદ્ધ બનાવીને કંપનીના શૅરના મૂલ્યમાં દસ ગણી વૃદ્ધિ પૂરી પાડવી. આ સુનાવણી શૅરધારક રિચર્ડ ટોર્નેટા દ્વારા કરવામાં આવેલા એ દાવાના સંબંધમાં છે જેમાં જણાવાયું હતું કે મસ્ક દ્વારા ડિરેક્ટર્સને આધીન કરવા માટે પે પૅકેજને નક્કી કરવામાં આવ્યું હતું.

