Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

25 October, 2021 10:33 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૪ પછી ૧૫૭ નવી મેડિકલ કૉલેજને મંજૂરી; ગેરકાયદે કર્મચારીને બરતરફ કરનાર એઇમ્સને ૫૦ લાખ ચૂકવવાનો આદેશ; બાયોલૉજિકલ ઈ ફાર્માને કોવિડ વૅક્સિનનું ઉત્પાદન વધારવા મળશે અમેરિકાની સહાય અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૨૦૧૪ પછી ૧૫૭ નવી મેડિકલ કૉલેજને મંજૂરી 

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૪થી અત્યાર સુધી દેશમાં ૧૫૭ જેટલી નવી મેડિકલ કૉલેજને મંજૂરી આપવામાં આવી છે અને આ પ્રોજેક્ટ્સ માટે કુલ ૧૭,૬૯,૧૦૮ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રવિવારે કરવામાં આવેલી સત્તાવાર જાહેરાતમાં આ આંકડા આપવામાં આવ્યા છે. તેમાં જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ્સ પૂરા થયા પછી દેશમાં વધુ ૧૬૦૦ જેટલી અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ બેઠકો તૈયાર થશે. એમાંથી પણ ૬૪ જેટલી કૉલેજ શરૂ થઈ જતાં ૬૫૦૦ નવી બેઠકો ઉમેરાઈ ચૂકી છે.



 


ગેરકાયદે કર્મચારીને બરતરફ કરનાર એઇમ્સને ૫૦ લાખ ચૂકવવાનો આદેશ

નવી દિલ્હી  : કર્મચારીને ગેરકાયદે બરતરફ કરવા બદલ દિલ્હી હાઈ કોર્ટે એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ)ને તેના ભૂતપૂર્વ કર્મચારીને ૫૦ લાખ કરતાં વધુ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પોતાના હક્ક માટે આ કર્મચારી છેલ્લાં ઘણાં વર્ષોથી સરકારી કચેરીઓના ચક્કર કાપી રહ્યો હોવાનું પણ નોંધ્યું હતું. વર્ષ ૧૯૮૦માં એઇમ્સમાં ડ્રાઇવર તરીકે નીમવામાં આવેલા રાજ સિંહને પ્રતિ માસ ૧૯,૯૦૦ રૂપિયા પેન્શન તરીકે ચૂકવવાનો પણ કહ્યું હતું. લેબર કોર્ટે ડિસેમ્બર, ૧૯૯૮માં તેના ચુકાદામાં એઇમ્સના નિર્ણયને ખોટો ઠરાવતાં તેને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.


 

તૂર્કીના સમુદ્રમાં બે માલવાહક જહાજો વચ્ચે ટક્કર

અંકારા : તૂર્કીના ઉત્તર-પશ્ચિમ કેનાક્કેલ પ્રાંતની બાજુમાં મરમારા સમુદ્રમાં રવિવારે બે વિદેશી ધ્વજવાળાં કાર્ગો જહાજો ટકરાતાં ઘણું નુકસાન થયું હતું. જોકે કોઈને ઈજા પહોંચી ન હતી.

લગભગ ૨૯૯ મીટર લાંબું બેનિટામૌ જહાજ કાસ્ટ આયર્ન લઈ યુક્રેનથી ચીન જઈ રહ્યું હતું, જે બલ્ગેરિયાથી ઘઉં લઈ જતા ૧૭૨ મીટર લાંબા જહાજ બીસી વેનેસા સાથે સવારે ૬ વાગ્યે ટકરાયું હોવાનું ઝિન્હુુઆ સમાચાર એજન્સીના રિપોર્ટમાં જણાવાયું હતું.

 

કાશ્મીરમાં સરકાર શાંતિ ખરીદવામાં નથી માનતી : ગવર્નર

જમ્મુ : રવિવારે જમ્મુ-કાશ્મીરના ગવર્નર મનોજ સિંહાએ કહ્યું હતું કે આ સરકાર શાંતિ ખરીદવામાં નથી માનતી, પણ જમીન પર શાંતિ સ્થાપવા માટે કટિબદ્ધ છે.

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સાથેની જાહેર રૅલીમાં પોતાના સંબોધન વખતે મનોજ સિંહાએ હિંસા ભડકાવનારાઓને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે કાશ્મીરી શરણાર્થીઓની સમસ્યા માટે વહીવટી તંત્ર દ્વારા ઑનલાઇન પૉર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું છે, એમાં ૬૦૦૦ જેટલી ફરિયાદો મળી છે, એમાંથી ૨૦૦૦ જેટલીનો ઉકેલ લાવી દેવામાં આવ્યો છે અને બાકીની ફરિયાદોના નિવારણ માટે કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે હાલની સરકાર શાંતિ સ્થાપવા માટે અને જમ્મુ-કાશ્મીરના લોકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

 

કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદી ઠાર થયો, એન્કાઉન્ટરમાં ત્રણ જવાન ઈજાગ્રસ્ત

જમ્મુ : જમ્મુ -કાશ્મીરના પૂંચ જિલ્લામાં જંગલમાં લશ્કર અને પોલીસની સંયુક્ત સર્ચ પાર્ટી પર આતંકવાદીઓએ ગોળીબાર કરતાં ગઈ કાલે પકડાયેલા એક પાકિસ્તાની આતંકવાદીનું મોત નીપજ્યું હતું, જ્યારે કે ત્રણ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે બે પોલીસ કર્મચારીઓ અને લશ્કરના એક જવાન સહિત લશ્કર-એ-તૈયબા સાથે સંલગ્ન પાકિસ્તાની આતંકવાદી ઝિયા મુસ્તફાનું ગઈ કાલે સવારે ભટ્ટા દુરિયન જંગલમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલા ગોળીબારમાં મૃત્યુ થયું હતું.અટકાયતમાં લેવાયેલા આતંકવાદી મુસ્તફાને ચાલી રહેલા ઑપરેશનમાં આતંકવાદીઓના છુપાવાની જગ્યાની ઓળખ કરવા સાથે રાખવામાં આવ્યો હતો.

 

૨૯ ઑક્ટોબરથી વડા પ્રધાન ઇટલી અને યુ.કે.ના પ્રવાસે

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૯ ઑક્ટોબરથી ૨ નવેમ્બર સુધી ઇટલી અને યુ.કે.ના પ્રવાસે જવાના છે. વિદેશી બાબતોના મંત્રાલય દ્વારા રવિવારે કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે વડા પ્રધાન ઇટાલીના રોમમાં G-20 સમિટમાં તેમ જ યુ.કે.ના ગ્લાસ્ગોમાં વૈશ્વિક પ્રતિનિધિઓની COP-26 સમિટમાં ભાગ લેવાના છે. ઇટાલીના વડા પ્રધાનના આમંત્રણ પર ભારતના વડા પ્રધાન ૩૦મી અને ૩૧મી ઑક્ટોબરે યોજાનારી ૧૬મી G-20 સમિટમાં ભાગ લેવાના છે. આ સમિટમાં G-20 દેશોના પ્રમુખ નેતાઓ હાજર રહેશે તેમ જ યુરોપિયન યુનિયન્સ, અન્ય દેશો તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના આમંત્રિતો પણ આ સમિટમાં હાજરી આપશે.

 

બાયોલૉજિકલ ઈ ફાર્માને કોવિડ વૅક્સિનનું ઉત્પાદન વધારવા મળશે અમેરિકાની સહાય

હૈદરાબાદ : ભારતમાં કોવિડ-19 વૅક્સિનના ઉત્પાદનને વેગ આપવા હૈદરાબાદ સ્થિત બાયોલૉજિકલ ઈ લિમિટેડ કંપની અમેરિકાની આઇડીએફસી (ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન) પાસેથી ૫ કરોડ ડૉલરની નાણાકીય સહાય મેળવશે. આઇડીએફસી ચીફ ઑપરેટિંગ ઑફિસર ડેવિડ માર્ચિક અને બાયોલૉજિકલ ઈ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર મહિમા દાતલા વચ્ચે આજે કોવિડ-19 રસીની ઉત્પાદન ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટે નાણાકીય કરાર પર હસ્તાક્ષર કરાશે. માર્ચ ૨૦૨૧માં વર્ચ્યુઅલ રીતે યોજાયેલી ક્વાડ લીડર્સ સમિટમાં નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આ સમીટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.

 

પ્રિયંકા છે ટ્વિટર વાડ્રા : કેશવપ્રસાદ મૌર્ય

લખનઉ : ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્યે રવિવારે પ્રિયંકા ગાંધીની મશ્કરી કરતાં તેમને ટ્વિટર વાડ્રા કહ્યા હતા. તેમની સાથે ફોટો પડાવવા માગનારા લોકો સિવાય કૉન્ગ્રેસમાં કોઈ નથી. આવનારી વિધાનસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસ તરફથી કોઈ પડકાર ન હોવાનું જણાવી મૌર્યે કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસ તેની સાત બેઠકો જાળવી શકે તો એ પણ પ્રિયંકા માટે મોટી સિદ્ધિ હશે. સમાજવાદી અને બહુજન સમાજ પક્ષ માટે પણ મૌર્યે કહ્યું હતું કે એ પક્ષો પણ પોતાની અત્યારની બેઠકો જાળવી શકે તો એટલામાં રાજી થવું જોઈએ. ઉપરાંત મૌર્યે આમ આદમી પાર્ટી અને એ.આઇ.એમ.આઇ.એમ. વગેરે પક્ષનું પણ કોઈ મહત્ત્વ ન હોવાનું કહી તેમને માત્ર વોટ તોડવાનાં સાધન ગણાવ્યાં હતાં.

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2021 10:33 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK