Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશમાં શું ચાલી રહ્યું છે

ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશમાં શું ચાલી રહ્યું છે

04 August, 2021 09:30 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શરદ પવાર-અમિત શાહની મીટિંગથી ગરમાટો; સી.બી.એસ.ઈ.નું દસમાનું ૯૯.૦૪ ટકા પરિણામ આવ્યું; શૂટઆઉટને પગલે પૅન્ટાગોનમાં લૉકડાઉન અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શરદ પવાર-અમિત શાહની મીટિંગથી ગરમાટો

નવી દિલ્હી: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારે ગઈ કાલે બપોરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.



શરદ પવારે આ દરમિયાન ચીન સાથે જોડાયેલા ફેડરેશન અને મહારાષ્ટ્રના રાયગઢમાં આવેલા પૂરના મુદ્દે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે અમિત શાહ હવે ગૃહપ્રધાન સાથે સહકાર પ્રધાન પણ છે. મહારાષ્ટ્રમાં મોસમના કારણે હાલ-બેહાલ છે, કેટલાક જિલ્લાઓમાં પૂરના કારણે સ્થિતિ ઘણી ભયાવહ થઈ ગઈ હતી. આ દરમ્યાન રાજ્ય સરકારે કુલ ૧૧,૫૦૦ કરોડ રૂપિયાના રાહત-પૅકેજનું એલાન કર્યું છે.


હવે જ્યારે પવાર અને અમિત શાહની મુલાકાત થઈ ત્યારે એક વાર ફરી મહારાષ્ટ્ર સહિત રાષ્ટ્રીય રાજનીતિને લઈને કેટલીક અટકળો થવા લાગી છે.

પવાર અને અમિત શાહની આ મુલાકાત એ દિવસે (ગઈ કાલે) થઈ જ્યારે સવારે જ કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિપક્ષી પાર્ટીઓને નાસ્તા માટે બોલાવ્યા હતા. લગભગ ૧૪ પાર્ટીઓ રાહુલ ગાંધીના આમંત્રણ પર એકત્ર થઈ હતી, જેમાં એનસીપી પણ સામેલ હતી.


 

સી.બી.એસ.ઈ.નું દસમાનું ૯૯.૦૪ ટકા પરિણામ આવ્યું

નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(સી.બી.એસ.ઈ.)નું દસમા ધોરણનું પરિણામ ગઈ કાલે બહાર પાડવામાં આવ્યું હતું. કોરોના મહામારીને કારણે સી.બી.એસ.ઈ.ના દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાઈ ન હોવાથી ઇન્ટરનલ અસેસમેન્ટને આધારે વર્ષ ૨૦૨૧નાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ અને ડિજિલૉકરના માધ્યમથી પરિણામો મેળવ્યાં હતાં.

 

હવેથી દિલ્હીમાં વિધાનસભ્યોને ૯૦,૦૦૦ પગાર

નવી દિલ્હી: દિલ્હીની સરકારે લોકપ્રતિનિધિઓનાં પગાર-ભથ્થાં પર કેન્દ્ર સરકારનાં નિયંત્રણોને માન્ય રાખતાં રાજ્યના વિધાનસભ્યોના પગાર અને ભથ્થાંમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ વિધાનસભ્યોને દર મહિને ૧૨,૦૦૦ રૂપિયા પગાર અને ૪૧,૦૦૦ રૂપિયા ભથ્થાં મળીને કુલ ૫૩,૦૦૦ રૂપિયા ચૂકવાતા હતા. હવે વેતનવૃદ્ધિના નિર્ણયને પગલે તેમને દર મહિને ૩૦,૦૦૦ રૂપિયા પગાર અને ૬૦,૦૦૦ રૂપિયા ભથ્થાં મળીને કુલ ૯૦,૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવશે.

 

ભારત યુદ્ધજહાજોને સાઉથ ચાઇના સીમાં મોકલી આપશે

નવી દિલ્હી: લદાખ મોરચે તનાવ સર્જનાર ચીનને પડકાર ફેંકવા માટે ભારતીય નૌસેનાએ સાઉથ ચાઇના સીમાં ચાર યુદ્ધ હાજો મોકલીને શક્તિ-પ્રદર્શન કરવાનુ નક્કી કર્યું છે.

ભારતીય નૌસેનાનાં યુદ્ધજહાજો બે મહિના સુધી સાઉથ ચાઇના સી અને દક્ષિણ-પૂર્વ એશિયામાં રહેશે.

 

જુલાઈમાં ૩૨ લાખ લોકોની નોકરી ગઈ

નવી દિલ્હી: આર્થિક મોરચે સ્થિતિ ધીરે-ધીરે સુધરી રહી હોવાના સંકેત મળી રહ્યા છે, પણ રોજગારીના મુદ્દે ફરી એક વખત માઠા અહેવાલ સામે આવ્યા છે. જુલાઈમાં ૩૨ લાખ પગારદાર લોકો પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. જૂન મહિનામાં પગારદાર લોકોની સંખ્યા ૭૯.૭૦ મિલ્યન હતી અને જુલાઈ મહિનાના અંતે આ સંખ્યા ૭૬.૪૯ મિલ્યન થઈ ગઈ હતી.

 

બંગાળમાં પૂરને કારણે ૧૪નાં  મોત, ૨.૫ લાખ લોકો થયા બેઘર

કલકત્તા: પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ બાદ દામોદર વૅલી કૉર્પોરેશન ડૅમમાંથી પાણી છોડવામાં આવતાં દીવાલ ધરાશાયી થવાને કારણે અથવા તો કરન્ટ લાગવાને કારણે અંદાજે ૧૪ લોકો મરણ પામ્યા છે તેમ જ રાજ્યના છ જિલ્લાઓમાં ૨.૫ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે. ગયા સપ્તાહથી જ શરૂ થયેલા ભારે વરસાદને કારણે રાજ્ય સરકારે બેઘર થયેલા અનેક લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.

 

હજી દિવાળી સુધી ગરીબોને મફત અનાજની જાહેરાત

દાહોદ: ગુજરાતમાં ગઈ કાલે ‘અન્નોત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનાજ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો.એમાં દાહોદ અને રાજકોટના લાભાર્થીઓને આ યોજના લેવામાં કોઈ તકલીફ પડે છે કે નહીં, વચેટિયા હેરાન કરતા નથીને એ વિશે પૂછ્યું હતું.  મોદીઅે ઉમેર્યું હતું કે હજી દિવાળી સુધી ગરીબોને મફત અનાજ મળશે.’

 

ભુવનેશ્વરમાં ૧૦૦ ટકા વૅક્સિનેશન

ભુવનેશ્વર: ઓડિશાનું ભુવનેશ્વર શહેર ૧૦૦ ટકા ઍન્ટિ કોવિડ વૅક્સિનેશનની સિદ્ધિ પ્રાપ્ત કરનારું દેશનું પ્રથમ શહેર બન્યું છે. ભુવનેશ્વર મહાનગરપાલિકાના ઝોનલ ડેપ્યુટી કમિશનર અંશુમાન રથે જણાવ્યું હતું કે ‘મહાનગર‍પાલિકાએ ૩૧ જુલાઈ સુધીમાં ૧૮થી ૪૪ વર્ષ સુધીની અને ૪૫ વર્ષથી વધારે ઉંમરની તમામ કૅટેગરીના નાગરિકોનું વૅક્સિનેશન પૂરું કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું હતું. શહેરમાં ૧૮ વર્ષથી વધારે ઉંમરના નવ લાખ નાગરિકો છે. એમાં ૩૧,૦૦૦ હેલ્થ કૅર વર્કર્સ અને ૩૩,૦૦૦ ફ્રન્ટ લાઇન વર્કર્સનો સમાવેશ છે. શહેરના ૧૮.૧૬ લાખ ડૉઝ અમે ઍન્ટિ કોવિડ વૅક્સિન આપી છે.’ 

 

એક દરદી અન્ય એકને ચેપ લગાડી શકે: આરોગ્ય મંત્રાલય

નવી દિલ્હી: કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના નિવેદનમાં કોરોના રોગચાળાની સ્થિતિ હજી ચિંતાજનક હોવાનું જણાવવામાં આવ્યું હતું. નિવેદનમાં અપાયેલી માહિતી મુજબ ‘‘કોરોના રોગચાળાનો ક્યાસ કાઢવા માટે અપનાવાયેલા અનેક માપદંડોમાં એક ‘રીપ્રોડક્ટિવ નંબર’ છે. એક કોરોના વાઇરસ પૉઝિટિવ દરદી અન્ય કેટલા જણને ચેપ લગાડવાને સક્ષમ ગણાય છે એના આધારે રીપ્રોડક્ટિવ નંબર ગણવામાં આવે છે. એ રીતે દેશનાં આઠ રાજ્યોમાં રીપ્રોડક્ટિવ નંબર-૧ છે. એનો અર્થ એવો છે કે એક કોરોના પૉઝિટિવ દરદી અન્ય એક જણને ચેપ લગાડી શકે છે.

30549 - દેશમાં ગઈ કાલે કોરોનાના કુલ આટલા નવા કેસ નોંધાયા હતા અને ૪૨૨ લોકોના મોત થયા હતા.

 

શૂટઆઉટને પગલે પૅન્ટાગોનમાં લૉકડાઉન

વૉશિંગ્ટન: અમેરિકાના પૅન્ટાગોન શહેરમાં ગઈ કાલે એક સબવે સ્ટેશન ખાતે (અમેરિકાના લશ્કરી વડા મથકની બહાર) શૂટઆઉટ (ઉપરાઉપરી ગોળીબાર)ની ઘટના બનવાને પગલે શહેરભરમાં લૉકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું.

આ ઘટનામાં જાનહાનિ થઈ હોવાના અહેવાલો હતા. આ બનાવ બાદ અમેરિકાના સંરક્ષણ વિભાગના કર્મચારીઓને સલામત સ્થળે જતા રહેવાની તાકીદ કરાઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2021 09:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK