Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > News In Short: રાષ્ટ્રપતિની કાનપુર યાત્રાની સુરક્ષા વિગતો વૉટ્સઍપ પર લીક

News In Short: રાષ્ટ્રપતિની કાનપુર યાત્રાની સુરક્ષા વિગતો વૉટ્સઍપ પર લીક

26 November, 2021 01:28 PM IST | New Delhi
Agency

આ ડા.ક્યુમેન્ટ સિનિયર અધિકારીઓને આપવામાં આવ્યો હતો, પરંતુ કેટલાંક વૉટ્સઍપ-ગ્રુપ્સમાં એ જોવા મળ્યો હતો જેના પછી કાનપુર પોલીસ કમિશનર અસિમ અરુણે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે.’ 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સુરક્ષા પ્રત્યે જોખમ ઊભું થાય એવી એક ઘટના બની છે. તેમની કાનપુરની બે દિવસની વિઝિટ માટેની સુરક્ષાવ્યવસ્થાની વિગતો ધરાવતો એક ડૉક્યુમેન્ટ કેટલાંક વૉટ્સઍપ-ગ્રુપ્સમાં જોવા મળ્યો હતો જેના પછી પોલીસે આ ડૉક્યુમેન્ટ લીક થવા વિશે તપાસનો આદેશ આપ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે‍ ‘આ ડૉક્યુમેન્ટમાં સિક્યૉરિટી, કોવિંદની મુલાકાતનાં સ્થળોએ તહેનાત ફોર્સિસ તેમ જ અન્ય પ્રોટોકોલ્સને સંબંધિત વિગતો છે. આ ડા.ક્યુમેન્ટ સિનિયર અધિકારીઓને આપવામાં આવ્યો હતો, પરંતુ કેટલાંક વૉટ્સઍપ-ગ્રુપ્સમાં એ જોવા મળ્યો હતો જેના પછી કાનપુર પોલીસ કમિશનર અસિમ અરુણે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે.’ 
અરુણે જણાવ્યું હતું કે ઍડિશનલ ડેપ્યુટી પોલીસ કમિશનર (ટ્રાફિક) રાહુલ મિથસને આ બાબતની તપાસ સોંપવામાં આવી છે.  કોવિંદ ભૂતપૂર્વ એમપી તેમ જ શૌર્યચક્ર વિજેતા ચૌધરી હરમોહનસિંહ યાદવની જન્મજયંતીની ઉજવણી માટે અહીં બે દિવસની મુલાકાતે આવ્યા છે. 


મેઘાલયમાં ૧૨ એમએલએ કૉન્ગ્રેસ છોડીને ટીએમસીમાં 


મેઘાલય વિધાનસભામાં કૉન્ગ્રેસના ૧૭માંથી ૧૨ વિધાનસભ્યો ગઈ કાલે ટીએમસીમાં જોડાતાં ઉત્તર પૂર્વ રાજ્યમાં પ્રભુત્વ ધરાવતી દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીને જોરદાર ઝટકો લાગ્યો હોવાનું તેમના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મુકુલ સંગમાએ જણાવ્યું હતું. તેઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ‘મમતા બૅનરજીની પાર્ટી ટીએમસીમાં જોડાવાનો નિર્ણય યોગ્ય વિચારણા અને દેશના લોકોની સેવા કઈ રીતે વધુ સારી રીતે કરી શકાય એનું વિશ્લેષણ કર્યા બાદ લેવામાં આવ્યો હતો.’ 

વધુ ૬ રફાલ જેટ બે મહિનામાં ભારત આવી પહોંચશે


આવતા ડિસેમ્બર કે જાન્યુઆરી ૨૦૨૨ સુધી ભારતને બાકી રહેલાં ૬ રફાલ ફાઇટર જેટ મળી જશે. ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા આ જેટમાં લાંબી રેન્જ માટે ઍર-ટુ-ઍર મિસાઇલ્સ, ફ્રીક્વન્સી જૅમર અને અત્યાધુનિક કમ્યુનિકેશન વગેરે વિશેષતાઓ હશે. ૩ જેટ ડિસેમ્બરમાં અને બાકીનાં ૩ જાન્યુઆરીમાં અંબાલા ઍરબેઝ પર ઉતારવામાં આવશે. રફાલમાં હવામાંથી જમીન પર ટાર્ગેટ કરવાની વિશેષ હથિયાર-વ્યવસ્થા પણ છે, જે ૩૦૦ કિલોમીટર સુધીની રેન્જમાં ટાર્ગેટ પર હુમલો કરી શકે છે.

નીટ-પીજીમાં પ્રવેશ, આવકની મર્યાદા પર પુનર્વિચાર કરાશે

પોસ્ટ ગ્રૅજ્યુએટ મેડિકલ કોર્સ માટે નીટ ઍડ્મિશનમાં રિઝર્વેશન માટે આર્થિક રીતે પછાત (ઈડબ્લ્યુએસ)ની કૅટેગરી નિશ્ચિત કરવા માટે ૮ લાખ રૂપિયાની વાર્ષિક આવકની મર્યાદા પર ફરી વિચારણા કરવાનો નિર્ણય લીધો હોવાનું કેન્દ્રએ ગઈ કાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, સૂર્યકાંત અને વિક્રમ નાથની બેન્ચને સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ઈડબ્લ્યુએસ માટેના માપદંડ નિશ્ચિત કરવા માટે એક કમિટીનું ગઠન કરવામાં આવશે, જેમાં સહેજેય ૪ અઠવાડિયાં લાગશે. 

નવજોત સિંહ સિધુએ સરકારને ભૂખહડતાળની ચીમકી આપી છે

પંજાબ કૉન્ગ્રેસ એકમના વડા નવજોત સિંહ સિધુએ ગઈ કાલે રાજ્ય સરકારને ધમકી આપતાં કહ્યું હતું કે જો કૉન્ગ્રેસ સરકાર માદક દ્રવ્યોનાં જોખમ અને અપમાનની ઘટના પરનો અહેવાલ જાહેર નહીં કરે તો રાજ્ય સરકાર સામે ભૂખ-હડતાળ કરશે. નવજોત સિંહ સિધુ માટે પોતાની જ સરકાર પર આક્ષેપ મૂકવો એ કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં પણ તેમણે અમરિન્દર સિંહની સરકારની સતત ટીકા કરી હતી, જેને પગલે તેમની સરકાર ઊથલી પડી હતી. ચરણજિત સિંહ ચન્ની નવા મુખ્ય પ્રધાન બન્યા બાદ પણ નવજોત સિંહે તેમની લડાઈ ચાલુ રાખી છે. ચન્ની અને સિધુ વચ્ચે નિમણૂકને લઈને પડેલી તિરાડ જગજાહેર થઈ છે. 

ઇન્ટરપોલની ઉચ્ચ કમિટીમાં ભારતીય ઉમેદવારની વરણી

ઇન્ટરનૅશનલ ક્રિમિનલ પોલીસ ઑર્ગેનાઇઝેશન (ઇન્ટરપોલ)ની એક્ઝિક્યુટિવ કમિટીમાં એશિયાના ડેલિગેટ તરીકે ગઈ કાલે સીબીઆઇના સ્પેશ્યલ ડિરેક્ટર પ્રવીણ સિંહાની વરણી થઈ હોવાનું અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું. ઇન્ટરપોલના શ્રેષ્ઠ અધિકારીઓની પૅનલમાંનાં બે પદ માટે ભારતીય ઉમેદવાર ઉપરાંત ચીન, સિંગાપોર, રિપબ્લિક ઑફ કોરિયા અને જૉર્ડનના ઉમેદવારો હતા, એમ આ અધિકારીઓએ જણાવ્યું હતું. ઇન્ટરપોલની ઇસ્તંબુલમાં ચાલી રહેલી ૮૯મી જનરલ ઍસેમ્બ્લી દરમ્યાન આ ચૂંટણી યોજાઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે મિત્રદેશોના સહયોગ તેમ જ વિવિધ સ્તરોએ દ્વિપક્ષીય સહયોગ અને ભારતીય દૂતાવાસ તથા ભારતીય એમ્બેસી દ્વારા તેમની યજમાન સરકાર સાથે નિયમિત અનુસરણને કારણે આ જીત હાંસલ થઈ હતી. 

સત્રમાં તમામ સાંસદોને હાજર રહેવા બીજેપીની સૂચના

બીજેપી દ્વારા તેના રાજ્યસભાના સાંસદોને શિયાળુ સત્રમાં હાજર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. શિયાળુ સત્ર ર૯ નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. સંસદમાં કૃષિકાયદાને રદ કરવાનું બિલ લવાશે. જેના માટેના પ્રસ્તાવને તાજેતરમાં પ્રધાનમંડળે મંજૂરી આપી હતી. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે સંસદમાં મહત્વના નિર્ણયોની ચર્ચા કરાશે. સરકારને સપોર્ટ કરવા સાંસદો હાજર રહે. ખેડૂતોના લાંબા વિરોધ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા સપ્તાહે કૃષિકાયદા રદ કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતોના મામલે સંસદમાં હંગામો થવાની શક્યતા છે. 

ચૂંટણીપંચ મીડિયા કવરેજને ટ્રૅક કરવા પ્રાઇવેટ એજન્સી હાયર કરશે

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આગામી મહિનાઓમાં યોજાવાની છે ત્યારે ચૂંટણીપંચ ચૂંટણીપ્રક્રિયા સંબંધિત મુદ્દાઓનું પ્રિન્ટ, ટીવી, ડિજિટલ અને સોશ્યલ મીડિયા પર કવરેજને ટ્રૅક કરવા માટે એક પ્રાઇવેટ એજન્સી હાયર કરવા ઇચ્છે છે. આ એજન્સીએ ચૂંટણીપંચને સંબંધિત કવરેજને પણ ટ્રૅક કરવાનું રહેશે. ચૂંટણીપંચ આ એજન્સીનાં તારણોના આધારે ફીડબૅક રિપોર્ટ તૈયાર કરશે. ચૂંટણીપંચ પહેલી વખત મીડિયા-કવરેજને મૉનિટર કરવા માટે એક અલગ એજન્સીને હાયર કરવાની છે. માહિતી અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટ્રી હેઠળ આવતા બ્રૉડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડે આ સંબંધે રિક્વેસ્ટ ઑફ પ્રપોઝલ મોકલાવી છે. કંપનીઓએ ૩૦ નવેમ્બર સુધીમાં તેમની બિડ્સ મોકલવાની રહેશે. પસંદગી પામનાર એજન્સીએ મીડિયા અને સોશ્યલ મીડિયા કવરેજના આધારે લોકોની લાગણીઓ વિશે ઍનૅલિસિસ રિપોર્ટ તૈયાર કરવાના રહેશે. 
નોંધપાત્ર છે કે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આવતા વર્ષના પ્રથમ ૬ મહિનામાં ચૂંટણીઓ યોજાવાની છે. આ પહેલાં ચૂંટણીપ્રક્રિયામાં આચારસંહિતાના ભંગના મામલે ચૂંટણીપંચના વલણની અનેક વખત ટીકા પણ થઈ છે.

આંતરરાષ્ટ્રીય બ્રૅન્ડ્સ બળજબરીની મજૂરીથી તૈયાર પ્રોડક્ટ્સ વેચે છે

૧૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય બ્રૅન્ડ્સ બળજબરીથી કરાવેલી મજૂરી દ્વારા તૈયાર થયેલી ચીજવસ્તુઓ વેચે છે. અમેરિકાના એક અહેવાલમાં જણાવાયું છે કે ચીનની પાંચ મોટી કૉટન અને ફૅબ્રિક સપ્લાયર કંપનીઓ ઉઇગર મજૂરોના જિનઝિયાંગ વિસ્તારમાંથી આવતું કૉટન વાપરી રહી છે. કૉટનની આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં આ કૉટન સપ્લાય થઈ રહ્યું છે. ચીનનું ૮૫ ટકા કૉટન જિનઝિયાંગ વિસ્તારમાંથી ઉત્પાદિત થાય છે. એ વિસ્તારમાં સ્થાનિક પ્રશાસન પર દબાણપૂર્વક મજૂરી કરાવવાનો આરોપ છે. 

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2021 01:28 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK