Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > News In Short : મહામારીમાં મૃતકોનો ચોક્કસ આંકડો જાહેર કરોઃ કૉન્ગ્રેસ

News In Short : મહામારીમાં મૃતકોનો ચોક્કસ આંકડો જાહેર કરોઃ કૉન્ગ્રેસ

25 November, 2021 01:14 PM IST | New Delhi
Agency

રાહુલ ગાંધીએ ટ્વિટર પર વિકાસના ગુજરાત મૉડલ પર કટાક્ષ કરતો એક વિડિયો શૅર કર્યો હતો, જેમાં મહામારી વખતે ગુજરાતની વિકટ સ્થિતિ​ રજૂ થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારત સરકારે કોવિડની મહામારીમાં મૃત્યુ પામેલાઓનો ચોક્કસ આંકડો જાહેર કરવો જોઈએ તેમ જ આ મહામારીને કારણે મરનારના પરિવારજનોને ૪ લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ એમ કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે જણાવ્યું હતું. ટ્વિટર પર હિન્દીમાં ટ્વીટ કરતાં તેમણે કહ્યું હતું કે કૉન્ગ્રેસની બે જ માગણીઓ છે. તમે સત્તા પર છો તો તમારે લોકોની તકલીફો દૂર કરવી પડશે. મહામારીનો ભોગ બનનારને ઉચિત વળતર આપવું જ જોઈએ. રાહુલ ગાંધીએ ટ્વિટર પર વિકાસના ગુજરાત મૉડલ પર કટાક્ષ કરતો એક વિડિયો શૅર કર્યો હતો, જેમાં મહામારી વખતે ગુજરાતની વિકટ સ્થિતિ​ રજૂ થઈ હતી.

ઓડિશાના મુખ્ય પ્રધાનના કાફલા પર ઇંડાં ફેંકાયાં



સ્કૂલ ટીચર મમિતા મેહેર હત્યાકેસના મુદ્દા પર બીજેપી યુવા પાંખના ઍક્ટિવિસ્ટોએ ગઈ કાલે પુરી શહેરમાં ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇકના કાફલા પર ઇંડાં ફેંક્યાં હતાં. આ કેસના મુખ્ય આરોપી ગોબિંદ સાહુ સાથે પ્રધાનના કથિત સંબંધોનો આક્ષેપ કરતાં બીજેપીએ રાજ્યના ગૃહપ્રધાન દિબ્ય શંકર મિશ્રાને કૅબિનેટમાંથી દૂર કરવાની માગણી કરી હતી. મુખ્ય પ્રધાન જગન્નાથ મંદિર હેરિટેજ કૉરિડોર પ્રોજેક્ટના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજરી આપી પાછા ફરી રહ્યા હતા, ત્યારે પુરી શહેરમાં સરકારી હૉસ્પિટલ ચોકમાં ઇંડાંના હુમલાની આ ઘટના બની હતી. કડક સુરક્ષા હોવા છતાં પ્રદર્શનકર્તાઓ તેમનો હેતુ પાર પાડવામાં સફળ રહ્યા.

દીવ-દમણમાં વીજવિતરણનું ખાનગીકરણ થશે

કેન્દ્રીય કૅબિનેટે બુધવારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દીવ-દમણમાં વીજળીના વિતરણને ખાનગીકરણ કરવાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કૅબિનેટે સ્પેશ્યલ પર્પઝ વેહિકલ (એસપીવી)ને પરવાનગી છે, જેના દ્વારા આ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વીજળીનું વિતરણ ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે. નવી કંપનીના ઇક્વિટી શૅર સૌથી વધુ બીડ મૂકનારને વેચવામાં આવશે. આ પ્રદેશોમાં રહેતા નાગરિકોને તેનાથી સારી સર્વિસ મળશે તેવો દાવો કરાયો છે. 

ત્રણ કૃષિ કાયદા રદ કરવાના પ્રસ્તાવને કૅબિનેટની મંજૂરી

કેન્દ્રીય કૅબિનેટે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને રદ કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ગઈ કાલે મંજૂરી આપી હતી જેના કારણે દિલ્હીની બૉર્ડર પર હજારો ખેડૂતો વિરોધ-પ્રદર્શન પર ઊતર્યા હતા. 
ત્રણ કાયદાઓ - ખેડૂતોની ઊપજ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સરળીકરણ) કાયદો - ૨૦૨૦, ખેડૂતોનું (સશક્તીકરણ અને પ્રોટેક્શન) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા કરાર કાયદો - ૨૦૨૦ અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) કાયદો - ૨૦૨૦ને પાછા ખેંચી લેવા માટેના બિલ પર ગઈ કાલે મળેલી કૅબિનેટની મીટિંગમાં મંજૂરીની મહોર મારવામાં આવી હતી. 
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે ગઈ કાલે જણાવ્યું હતું કે કૅબિનેટે ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની ઔપચારિકતા પૂરી કરી છે. તેમણે કહ્યું હતું કે ‘સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસથી આ પ્રક્રિયા શરૂ થઈ જશે. ૧૯ નવેમ્બરે વડા પ્રધાને વચન આપ્યું હતું અને એના પાંચ જ દિવસમાં એનો અમલ કરવામાં આવ્યો છે.’ 

વડા પ્રધાને તાજેતરમાં જ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કરી હતી. નવા બિલને ૨૯ નવેમ્બરથી શરૂ થતા શિયાળુ સત્રમાં લોકસભામાં રજૂ કરવામાં આવશે. 

ર૯ નવેમ્બરે દિલ્હીમાં ખેડૂતો ટ્રેક્ટર લઈ આવશે

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે બુધવારે કહ્યું હતું કે ર૯ નવેમ્બરે 30 ટ્રેક્ટરમાં ૫૦૦ જેટલા ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ કરશે. એ વિશેની વધુ વિગતો ર૬ નવેમ્બરની મીટિંગ પછી જાહેર કરવામાં આવશે. ર૬ નવેમ્બર ખેડૂતઆંદોલનને એક વરસ પૂરું થશે. રાકેશ ટિકૈતે વધુમાં કહ્યું હતું કે ર૬ જાન્યુઆરી સુધી દિલ્હીની સરહદો પર રહેવાનો અમારો ઈરાદો નથી.’ 

પંજાબમાં આઇએસઆઇની હિન્દુતરફી નેતાઓ પર હુમલો કરવાની યોજના 

ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પંજાબ પોલીસને રાજ્યમાં બીજેપી તેમ જ હિન્દુતરફી નેતાઓની સુરક્ષા વધારવા ચેતવ્યા છે. 
એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી કરવા માટે આઇએસઆઇ હિન્દુ નેતાઓ તેમ જ આરએસએસ દ્વારા આયોજિત શાખાઓને લ​ક્ષિત કરવા માટે ટિફિન બૉક્સમાં આઇઇડી પ્લાન્ટ કરવાની યોજના ધરવતા હોવાની માહિતી મળ્યા બાદ તેમણે આ ચેતવણી આપી હતી. 
તાજેતરમાં ૨૧ નવેમ્બરે કેટલાક અજાણ્યા મોટરસાઇકલ સવારોએ પઠાણકોટમાં લશ્કરી   વિસ્તારમાં  ગ્રેનેડ ફેંકી હતી, જોકે કોઈને ઈજા પહોંચી નહોતી. 
સુરક્ષા એજન્સીઓએ જણાવ્યા અનુસાર ૧૫ ઑગસ્ટથી અત્યાર સુધીમાં ભારતની સરહદમાં ડ્રોનની ઘૂસણખોરીના ૨૫ કરતાં વધુ બનાવ તેમ જ ટિફિનમાં ડ્રગ્સ અને વિસ્ફોટકો મળ્યાના ૧૧ બનાવ નોંધાયા છે. 

ઉત્તર પ્રદેશના એક ગામમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થવાથી તનાવ

ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના સરાય લખનસી વિસ્તારના ખાનપુર ગામમાં ડૉ. બી. આર. આંબેડકરની મૂર્તિ​ ખંડિત થઈ હોવાનું જાણ્યા બાદ સ્થાનિક લોકોએ હંગામો મચાવ્યો હતો. મઉના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સુશીલ ધુલેએ જણાવ્યું હતું કે ‘જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે મૂર્તિ બદલાશે એની ખાતરી આપી એ પછી જ સ્થિતિ​ સામાન્ય થઈ હતી. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે અગમચેતી તરીકે આ વિસ્તારમાં પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે.’ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મૂર્તિ પર ઈંટો ફેંકવાના કારણે મૂર્તિનો હાથ અને ચહેરો ખંડિત થયા હતા.

પ્રીમિયમ ટ્રેનોમાં કેટરિંગ સર્વિસ ફરી શરૂ થઈ

આઇઆરસીટીસી દ્વારા પ્રીમિયમ ટ્રેનોમાં કેટરિંગ સર્વિસ ફરી શરૂ કરવામાં આવી છે. રાજધાની, શતાબ્દી, દુરન્તો, વન્દે ભારત, તેજસ અને ગતિમાન એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોમાં તાજું રંધાયેલું ખાવાનું પીરસવામાં આવશે. અત્યારે મર્યાદિત ટ્રેનોમાં જ કેટરિંગ સર્વિસ ફરી શરૂ કરવામાં આવી છે. તે માટે વેબસાઈટ કે એપ્લિકેશનના માધ્યમથી પ્રવાસીઓ ઓર્ડર બુક કરાવી શકશે. 


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2021 01:14 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK