Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મોદી છે યોગી

17 September, 2021 02:33 PM IST | Mumbai News
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યસ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાણે યોગ માટે જ સર્જાયા છે એવું માન્યા વગર રહેવાય નહીં : તેઓ આજે પણ સંપૂર્ણ વ્યસ્તતા વચ્ચેય યોગાસનો કરવાનું ચૂકતા નથી

મોદી છે યોગી

મોદી છે યોગી


તેમના ચહેરા પરનું તેજ, તેમની ચપળતા, તેમની કાર્યક્ષમતા, તેમનું આત્મબળ અને તેમના અવાજમાંથી સતત નીતરતો આત્મવિશ્વાસ. ૭૦ની ઉંમરમાં તંદુરસ્તીનું આ લેવલ કોઈને પણ તેમના સ્વાસ્થ્ય પાછળના રહસ્યને જાણવાની તાલાવેલી જગાડે. અત્યાર સુધીમાં સેંકડો લોકોએ તેમને ‘આપકી સેહત કા રાઝ ક્યા?’ અથવા ‘આટલી એનર્જી તમે ક્યાંથી લાવો છો?’ જેવા પ્રશ્નો પૂછ્યા છે અને દરેક વખતે તેમણે શ્રેય યોગ અને સાદગીપૂર્ણ ખાણીપીણીને આપ્યું છે. આરએસએસના કાર્યકર્તા હતા ત્યારથી લઈને દેશના વડા પ્રધાન બન્યા ત્યાં સુધી તેમણે યોગને પોતાનાથી અળગો થવા દીધો નથી. દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ન હોય, તેમની સવાર તો યોગમય જ હોય. લૉકડાઉન શરૂ થયા પછી કોવિડ-19 જેવી મહામારી સામે લડવા માટે પણ લોકોને યોગનો રસ્તો દર્શાવ્યો. ૨૦૨૦માં છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ ડે ઊજવાયો ત્યારે તેમણે પોતાના સંબોધનમાં કહ્યું, ‘વિશ્વ જ્યારે વિશાળ પાયે કોવિડ-19 નામના પડકારજનક પૅન્ડેમિક સામે લડી રહ્યો છે ત્યારે યોગ તમને મલ્ટિડાઇમેન્શનલ સોલ્યુશન આપે છે. યોગ તમને તક આપે છે તમારી રોગપ્રતિકારક શક્તિને ઓળખવાની અને એને વધુને વધુ બહેતર બનાવવાની. માનસિક, ફિઝિકલ અને સાઇકોલૉજિકલ પડકારો સામે લડવાની ક્ષમતા છે યોગમાં. મિત્રો, યોગ પાસે દરેકને આપવા માટે કંઈક છે. પોસ્ટ-કોવિડ ટાઇમમાં પ્રિવેન્ટિવ હેલ્થકૅરનો મહિમા વધવાનો છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે યોગ વધુને વધુ લોકપ્રિય બનશે. યોગ એ જોડવાનું કામ કરે છે. ‘યુજ્યતે અનેન ઇતિ યોગઃ’ યોગ અનેક બાબતોમાં રહેલા ડિસ્ટન્સને દૂર કરે છે. તમારા મન અને શરીર વચ્ચેના ડિસ્ટન્સને, તમારી અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેના ડિસ્ટન્સને, જેને કારણે મોટા ભાગનું સ્ટ્રેસ ઊભું થતું હોય છે. અત્યારના સમયે મજબૂત રોગપ્રતિકારક શક્તિ એ આપણું સૌથી મોટું રક્ષાકવચ છે અને એ રક્ષાકવચને મજબૂત કરવામાં યોગ આપણો સૌથી મહત્ત્વનો સાથી છે. મુશ્કેલીઓમાં મુસ્કુરાવું અને સંકટ સમયમાં સંયમ રાખવો આ પણ તો આપણે યોગ પાસેથી જ શીખીએ છીએ. યોગ તમને ઇમોશનલ સ્ટ્રેંગ્થ આપે છે, તમારામાં કરુણાનો ભાવ જગાવે છે જે તમને બીજાના દુઃખથી અવગત પણ કરાવે અને તેમને ઉપયોગી બનવા તત્પર પણ બનાવે છે. પોતાની ઇમ્યુનિટી વધારવા માટે યોગ કરો, પોતાની એનર્જી વધારવા માટે યોગ કરો, આત્મવિશ્વાસ માટે, આત્મબળ માટે, જીવનને ઉત્સાહથી ભરવા માટે, મનની શાંતિ વધારવા માટે અને નીરોગી રહેવા માટે યોગ કરો.’
એક જ સંભાષણના આ શબ્દો મોદીના મનમાં યોગ પ્રત્યેનો અનર્ગળ અહોભાવ દર્શાવવા માટે પૂરતા છે. જોકે યોગને વિશ્વના ૧૮૦ દેશોમાં પહોંચાડનારા અને યોગનો પ્રચાર-પ્રસાર કરવામાં પાછું વાળીને નહીં જોવાવાળા મોદીજીને યોગ માટે આવો પ્રેમ જાગ્યો ક્યારે? 
૧૯૮૦ના દશકના પ્રારંભમાં RSS અગ્રણી નેતા એચ. વી. શેષાદ્રી સાથે સંઘના ઘણા કાર્યકર્તાઓ બૅન્ગલોરમાં SVYASA નામની સંસ્થામાં જતા. આ કાર્યકર્તાઓમાં મોદી પણ હતા. એ સમયે યોગની વૈજ્ઞાનિકતા પર મોદીજીને ખૂબ રસ પડ્યો હતો. તેમણે યોગનો હોલિસ્ટિક પર્સપેક્ટિવ જોયો હતો. તેમને સમજાયું કે યોગ માત્ર આસન નથી પરંતુ વૈજ્ઞાનિક ઢબની સુનિયોજિત જીવનશૈલી છે. યોગ સાથે જોડાયેલા વૈજ્ઞાનિક અભિગમને જાણ્યા પછી તેમણે તેને પૂરેપૂરો અપનાવી લીધો. તેઓ જે શીખ્યા એને તેમણે ખૂબ જ ઉમદા રીતે અડૅપ્ટ કર્યું છે. તે ખરા અર્થમાં યોગના રોલમૉડલ છે. 
૧૮૯૩માં તે નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદ) જેમણે શિકાગોની વર્લ્ડ પાર્લમેન્ટ ઑફ રિલિજન્સમાં દેશનું અને હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું હતું અને બીજા નરેન્દ્ર આ જેમણે ૨૦૧૪ની ૨૭ સપ્ટેમ્બરે ન્યુ યૉર્કમાં યોજાયેલી ૬૯મી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બ્લીમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવાનું આહ્વાન કર્યું અને ૧૮૦ દેશોએ તેમની વાતને વધાવી લીધી અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહોજલાલી સાથે ઉજવણી શરૂ થઈ. 
યોગની તેઓ માત્ર વાત નથી કરતા, પરંતુ તેમણે પોતાની જીવનશૈલીમાં યોગ અને આધ્યાત્મને વણી લીધાં છે.
ગુજરાતમાં હતા ત્યારે તેમણે ત્યાંની સ્કૂલોમાં યોગ સામેલ થાય, યોગના ટીચરો વધે એવા પ્રયત્નો પણ કર્યા છે. પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી તેમણે યોગ માટે જે કર્યું એ તો આપણી સામે જ છે. યોગ ભારતની ધરોહર છે અને યોગનું કેટલું મહત્ત્વ છે એ બાબત તેમણે ડગલેને પગલે વિશ્વ સમક્ષ મૂકી છે. તેમની નિયમિતતા કાબિલેદાદ છે. રોજ સવારે રૂટીનમાં યોગ, રનિંગ, પ્રાણાયામ, આસન, બંધ, મુદ્રા એમ જે સમયે જેની જરૂર હોય એવા ટેલરમેડ યોગ તેઓ હવે જાતે જ કરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2021 02:33 PM IST | Mumbai News | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK