દિલ્હીમાં મા અને તેની બે દીકરીઓએ આત્મહત્યા માટે સામાન ઑનલાઇન મગાવ્યો અને તેમના મૃત્યુ પછી ઝેરી ગેસથી બચવા શું કરવું એ પણ જણાવ્યું

દક્ષિણ દિલ્હીમાં ટ્રિપલ સુસાઇડ થયું હતું એ મકાનની પાસે કેટલાક લોકો.
નવી દિલ્હી ઃ દક્ષિણ દિલ્હીમાં ત્રિપલ સુસાઇડનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. અહીં આધેડ વયની એક મહિલા અને તેની બે દીકરીઓએ તેમના ફ્લૅટને ઝેરી ગૅસની ચેમ્બર બનાવી દીધી હતી, જેના લીધે ગૂંગળામણ થતાં તેમનાં મૃત્યુ થયાં હતાં.
ખાસ વાત એ છે કે તેમણે સુસાઇડ કરતી વખતે બીજા કોઈને નુકસાન ન પહોંચે એનો સારી રીતે ખ્યાલ રાખ્યો હતો. સુસાઇડ નોટ્સથી ધ્રુજાવી નાખનારા તેમના પ્લાન વિશે ખુલાસો થયો હતો.
શનિવારે રાત્રે લગભગ ૯ વાગ્યે પોલીસને માહિતી મળી કે વસંત અપાર્ટમેન્ટમાં ફ્લૅટ નંબર ૨૦૭નો દરવાજો અંદરથી બંધ છે અને અંદર રહેતા લોકો ખોલતા નથી, જેના પછી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી.
પોલીસે જોયું હતું કે તમામ દરવાજા, બારીઓ અને વૅન્ટિલેટર્સ પૉલિથિનથી સીલ કરી દેવામાં આવ્યાં હતાં, જેની પાછળ બે કારણ હતાં. એક તો ધુમાડો ફ્લૅટમાંથી બહાર ન જાય અને સાથે જ અંદર શું થાય છે એ કોઈ જોઈ ન શકે. તપાસમાં જાણવા મળ્યું કે મોતનો આ તમામ સામાન ઑનલાઇન ઑર્ડર કરીને મગાવવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે રાંધણ ગૅસના સિલિન્ડરનો નોબ ચાલુ રાખવામાં આવ્યો હતો અને ત્રણ સગડી સળગતી રાખવામાં આવી હતી. કોલસાનો ધુમાડો અને વૅન્ટિલેશનના અભાવે રૂમમાં ઝેરી કાર્બન મૉનૉક્સાઇડ બન્યો હતો, જે શ્વાસમાં જવાના કારણે તેમનાં મોત થયાં હતાં. પોલીસ જ્યારે ફ્લૅટમાં પ્રવેશી ત્યારે તેમને એક બેડરૂમમાં ત્રણેય મૃતદેહો મળ્યા હતા. તેમની બાજુમાં સગડી સળગતી હતી.
આ મહિલાની મંજુ શ્રીવાસ્તવ અને તેની દીકરીઓની અંશિકા અને અન્કુ તરીકે ઓળખ કરવામાં આવી છે.
આ ઘરની મેઇડ અને પાડોશીઓએ પોલીસને જણાવ્યું હતું કે આ મહિલાના હસબન્ડનું ગયા વર્ષે કોરોનાથી મૃત્યુ થયું હતું અને ત્યારથી આ પરિવાર ડિપ્રેશનમાં હતો. આ મહિલાની તબિયત પણ ખરાબ રહેતી હતી અને તે છેલ્લા કેટલાક સમયથી પથારીવશ જ હતી. આ પરિવાર છેલ્લા ઘણા સમયથી આર્થિક તંગીનો પણ સામનો કરી રહ્યો હતો.