હજી ૫૪.૫ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે

આસામના નાગાંવ જિલ્લામાં પૂરગ્રસ્ત છપરમુખ ગામમાંથી જવા ગામના લોકોએ બોટનો ઉપયોગ કર્યો હતો (તસવીર : પી.ટી.આઇ.)
આસામમાં પૂરની સ્થિતિ ગઈ કાલે પણ ગંભીર રહી હતી. હજી ૫૪.૫ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે અને વધુ ૧૨ જણનાં મોત થયાં છે. મે મહિનાના મધ્યથી પૂરના કારણે મરનારાઓની સંખ્યા હવે ૧૦૧ થઈ છે. મોટા ભાગના અસરગ્રસ્ત જિલ્લાઓમાં બ્રહ્મપુત્રા અને બરક નદી તેમ જ એની ઉપનદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને હજી પણ રાજ્યના ૩૬ જિલ્લામાંથી ૩૨મા વિશાળ જમીન જળમગ્ન છે. જોકે કેટલીક જગ્યાઓએ પૂરનાં પાણી ઓસર્યાં છે. નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ દ્વારા સમગ્ર રાજ્યમાં ૨૭૬ બોટની મદદથી વધુ ૩૬૫૮ વ્યક્તિઓને બચાવી લેવાયા છે. આસામના પૂરગ્રસ્ત ૧૨ જિલ્લામાં નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ દ્વારા અત્યાર સુધીમાં ૧૪,૫૦૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.