Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ત્રણ મહિના પહેલાં પ્લાનિંગ, વીક પહેલાં ટાર્ગેટ્સ ચેક કરાયા

ત્રણ મહિના પહેલાં પ્લાનિંગ, વીક પહેલાં ટાર્ગેટ્સ ચેક કરાયા

23 September, 2022 09:12 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પીએફઆઇ વિરુદ્ધ ઍક્શન, અગિયાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરોડા, એનઆઇએ, ઈડી અને રાજ્યોની પોલીસના સંયુક્ત ઑપરેશનમાં પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાના ૧૦૬ ટોચના નેતાઓ અને પદાધિકારીઓની ધરપકડ કરવામાં આવી

તામિલનાડુના શહેર મદુરાઈમાં ગઈ કાલે પીએફઆઇના એક લીડરના ઘરે દરોડા દરમ્યાન પોલીસ તેમ જ એનઆઇએના અધિકારીઓ

તામિલનાડુના શહેર મદુરાઈમાં ગઈ કાલે પીએફઆઇના એક લીડરના ઘરે દરોડા દરમ્યાન પોલીસ તેમ જ એનઆઇએના અધિકારીઓ


કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન પીએફઆઇ (પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા)ની વિરુદ્ધ એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી), ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ) અને સંબંધિત રાજ્યોની પોલીસે સાથે મળીને દેશવ્યાપી એક મોટું ઑપરેશન પાર પાડ્યું હતું. ગઈ કાલે સવારે ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંકલિત દરોડા પાડીને આ સંગઠનના લગભગ ૧૦૬ ટોચના નેતાઓ અને પદાધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. કેરલા, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, આસામ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને પુડુચેરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

પીએફઆઇ વિરુદ્ધના આ ઑપરેશનનું સીક્રેટલી ત્રણ મહિના પહેલાં જ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આ ઑપરેશનના એક અઠવાડિયા પહેલાં તમામ લોકેશન્સ વેરિફાય કરવામાં આવ્યાં હતાં અને ટાર્ગેટ્સ ચેક કરાયા હતા.



પીએફઆઇના સભ્યોની હિંસક અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણીના કેસની તપાસનાં તારણોને ધ્યાનમાં રાખીને એનઆઇએએ છેક ૨૦૧૭માં પીએફઆઇ પર પ્રતિબંધ મૂકવા લેખિતમાં ગૃહ મંત્રાલયને જણાવ્યું હતું.


સૌથી વધુ બાવીસ જણની ધરપકડ કેરલામાંથી થઈ હતી, જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી લગભગ ૨૦-૨૦ જણની ધરપકડ કરવામાં આવી હતી. તામિલનાડુમાંથી ૧૦, આસામમાંથી ૯, ઉત્તર પ્રદેશમાંથી ૮, આંધ્ર પ્રદેશમાંથી પાંચ, મધ્ય પ્રદેશમાંથી ૪, પુડુચેરી અને દિલ્હીમાંથી ૩-૩ તેમ જ રાજસ્થાનમાંથી બે જણની ધરપકડ કરવામાં આવી હતી.

આ સંગઠનના ટોચના તમામ લીડર્સની ધરપકડ કરવામાં આવી છે. આ સંગઠનની વિરુદ્ધ ગંભીર આરોપો હોવાથી સરકાર કદાચ એના પર પ્રતિબંધ મૂકી શકે છે.


ઈડીએ ગલ્ફ દેશોમાંથી પીએફઆઇને ફાઇનૅન્સ મળતું હોવાના સંબંધમાં મહત્ત્વપૂર્ણ જાણકારી કેન્દ્ર સરકારને પૂરી પાડી હતી, જેના પગલે આ દરોડા પાડવામાં આવ્યા હતા.

પીએફઆઇની વિરુદ્ધનું અત્યાર સુધીનું આ સૌથી મોટું ઑપરેશન હોવાનું મનાય છે. આતંકવાદ માટે ભંડોળ એકત્ર કરવામાં, આતંકવાદી ટ્રેઇનિંગ કૅમ્પ્સના આયોજન તેમ જ ઉગ્રવાદી સંગઠનોમાં જોડાવા માટે બ્રેઇનવૉશ કરવામાં સંડોવાયેલા લોકોની વિરુદ્ધ આ ઍક્શન લેવામાં આવી હોવાનું જણાવાયું છે.

પીએફઆઇએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘પીએફઆઇના નૅશનલ, રાજ્ય અને સ્થાનિક નેતાઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. રાજ્યોમાં કમિટીની ઑફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.’

પીએફઆઈ વિરુદ્ધ ઇડીએ બે આરોપનામાં દાખલ કર્યા

પીએફઆઈ પોતાની જાતને સામાજિક-રાજકીય સંગઠન ગણાવે છે. જોકે, પોલીસ, એનઆઇએ તેમજ અન્ય એજન્સીઓ પીએફઆઈ પર ઇસ્લામિક કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકતી રહી છે. દેશમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દેખાવો, ૨૦૨૦માં દિલ્હીમાં રમખાણો, ઉત્તર પ્રદેશના હાથરસમાં કથિત કાવતરામાં પીએફઆઈની આર્થિક ભંડોળ પૂરું પાડવાના મામલે સંડોવણીની ઇડી તપાસ કરી રહી છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની કેરાલામાં ૨૦૦૬માં રચના કરવામાં આવી હતી અને એનું મુખ્યાલય દિલ્હીમાં છે. ઇડીએ લખનઉમાં પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લૉન્ડરિંગ ઍક્ટ) સ્પેશ્યલ કોર્ટમાં પીએફઆઈ અને એના પદાધિકારીઓની વિરુદ્ધ બે આરોપનામાં દાખલ કર્યા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઇડીએ પીએફઆઈ અને એની વિદ્યાર્થી પાંખ કૅમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની વિરુદ્ધ એનું પહેલું આરોપનામું દાખલ કર્યું હતું. જેમાં મની લોન્ડરિંગના આરોપો મૂકવામાં આવ્યા હતા. આ વર્ષે બીજા આરોપનામામાં ઇડીએ દાવો કર્યો હતો કે, યુએઈમાં એક હોટેલ પીએફઆઈ માટે મની લોન્ડરિંગના સેન્ટર તરીકે કામ 
કરે છે. 

અમિત શાહે ઑપરેશનની વિગતો મેળવી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ગઈ કાલે એક ઉચ્ચસ્તરીય મીટિંગ યોજાઈ હતી, જેમાં પીએફઆઇ (પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા)ના પ્રિમાઇસિસ પર દરોડા તેમ જ શકમંદ આતંકવાદીઓ વિરુદ્ધ ઍક્શન વિશે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ના ડિરેક્ટર જનરલ દિનકર ગુપ્તા સહિત ટોચના અધિકારીઓ આ મીટિંગમાં હાજર રહ્યા હતા. ગૃહપ્રધાને પીએફઆઇની વિરુદ્ધના ઑપરેશનની વિગતો મેળવી હોવાનું જણાવવામાં આવ્યું છે. 

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2022 09:12 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK