Kawad Yatra 2024: કાવડ તીર્થયાત્રીઓને ભાલો, ત્રિશૂળ અથવા કોઈપણ હથિયાર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા માટે પડોશી રાજ્યોમાંથી આવતા તીર્થયાત્રીઓને હવે આઇડી કાર્ડ આપવામાં આવશે. આ અંગે યુપી સરકાર (Kawad Yatra 2024) દ્વારા પડોશી રાજ્યોને વિનંતી કરવામાં આવી છે અને સરકાર જરૂરી કાર્યવાહી કરે તેવી પણ વિનંતી કરવામાં આવી છે. પશ્ચિમ યુપી સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં કાવડ યાત્રાની શરૂઆત થવાની છે. કાવડ યાત્રા માટે યુપીની આસપાસના પાડોશી રાજ્યોમાંથી પણ મોટો સંખ્યામાં ભક્તો અહીં આવે છે. સીએમ યોગી આદિત્યનાથે કાવડ યાત્રાની તૈયારી માટે બેઠક બોલાવી હતી. સીએમ યોગીએ અધિકારીઓને કાવડ તીર્થયાત્રીઓની સુરક્ષા અને સુવિધાની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો પણ આદેશ આપ્યો છે.
સીએમ યોગી આદિત્યનાથની સૂચના પર, મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ અને ડીજીપી પ્રશાંત કુમારે શનિવારે મેરઠમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશ (Kawad Yatra 2024) અને અન્ય ચાર રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રદ્ધાળુની યાત્રા સુરક્ષિત અને સફળ બટે તે માટે વ્યૂહરચના બનાવવામાં આવી હતી. બેઠકમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે કાવડ તીર્થયાત્રીઓને ભાલો, ત્રિશૂળ અથવા કોઈપણ હથિયાર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમ જ કાવડ યાત્રાના માર્ગ પર ડીજે પર કોઈ પ્રતિબંધ નહીં હશે, પરંતુ આ દરેક ડીજેનો અવાજ કાયદાકીય મર્યાદામાં જ હોવો જોઈએ. રાજ્યની સંપૂર્ણ કાવડ યાત્રા પર સીસીટીવી અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે.
ADVERTISEMENT
યુપીમાં 22 જુલાઈથી કાવડ યાત્રા (Kawad Yatra 2024) શરૂ થવાની છે જેને લઈને સુરક્ષાના કારણોસર સમગ્ર માર્ગને પાંચ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. માર્ગમાં વિવિધ સ્થળોએ આરોગ્ય શિબિર અને કાવડ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પસમાં યાત્રાળુઓ માટે આરામ, ભોજન અને રહેવાની સુવિધાઓ હશે. મહિલાઓ માટે અલગથી કેમ્પ બનાવવામાં આવ્યા છે. આરોગ્ય શિબિરોમાં ઝેર વિરોધી ઈન્જેક્શન પણ ઉપલબ્ધ રહેશે. દરેક કાવડ તીર્થયાત્રીઓ માટે તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે યુપી અને ઉત્તરાખંડમાં આઠ સંયુક્ત કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં કરી છે જે બન્ને રાજ્યોના અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવશે.
ડીજીપી પ્રશાંત કુમારે કહ્યું કે યાત્રાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થામાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. જ્યાંથી યાત્રા શરૂ થશે તે માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ સિવાય 21મી જુલાઈની રાતથી દિલ્હી એક્સપ્રેસ વે, દેહરાદૂન એક્સપ્રેસ વે અને ચૌધરી ચરણ સિંહ કાવડ માર્ગ પર ભારે અને મોટા વાહનો માટે બંધ રહેશે. તેમ જ યાત્રા (Kawad Yatra 2024) દરમિયાન ડીજે પર વગાડવામાં આવતા ગીતો અને અવાજની મર્યાદા પર પોલીસ નિયંત્રણ રાખશે. દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ અને રાજસ્થાનની સરહદો પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં ડૉગ સ્કવૉડ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ, આઈબી, ઈન્ટેલિજન્સ અને એલઆઈયુની ટીમો 24 કલાક એક્ટિવ રહેશે. કાવડ યાત્રાના માર્ગ પર દારૂ અને માંસની દુકાનોને સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવશે. ઈલેક્ટ્રીક થાંભલાઓને પોલીથીન અને ટ્રાન્સફોર્મરને નેટથી કવર કરવામાં આવશે, જેથી કોઈ અકસ્માત ન થાય.
ડીજીપીએ કહ્યું કે યાત્રાના રૂટ પર કેમ્પ હાઈવે અને એક્સપ્રેસ વેથી (Kawad Yatra 2024) દૂર લગાવવામાં આવશે. અન્ય રાજ્યોના અધિકારીઓને કાવડ તીર્થયાત્રીઓને ઓળખ કાર્ડ આપવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કરીને કોઈપણ હોનારત કે જરૂરી સમયે તેમનો અને તેમના પરિવારનો સંપર્ક કરી શકાય જેથી યાત્રાળુઓને પુરતી મદદ મળી શકે છે. આ ઉપરાંત પ્રવાસીઓના ગામો અને પોલીસ સ્ટેશનો પણ શોધી શકાય છે.