વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દલ લેકના કિનારે વિવિધ ક્ષેત્રના ૭૦૦૦ લોકોની સાથે યોગ કરશે
નરેન્દ્ર મોદી
આજે બે દિવસ માટે જમ્મુ-કાશ્મીર જઈ રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દલ લેકના કિનારે વિવિધ ક્ષેત્રના ૭૦૦૦ લોકોની સાથે યોગ કરશે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ વડા પ્રધાનની મુલાકાત વિશે કહ્યું હતું કે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસે તેઓ કાશ્મીર વૅલીમાં યોગ કરવાના છે એ કાશ્મીરના લોકો માટે ગર્વની વાત કહેવાય. વડા પ્રધાનને કાશ્મીર માટે સ્પેશ્યલ લગાવ હોવાથી તેમણે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અહીં મનાવવાનું નક્કી કર્યું છે. ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ૨૩ લાખ લોકોએ યોગ કર્યા હતા અને દિવસે-દિવસે લોકોનો રસ એમાં વધી રહ્યો છે. તનાવમુક્ત જીવન જીવવા માટે લોકો યોગના શરણે જઈ રહ્યા છે.’
બે દિવસની મુલાકાત દરમ્યાન વડા પ્રધાન ૧૫૦૦ કરોડ રૂપિયાનાં ૮૪ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાના છે. આ સિવાય તેઓ ‘એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફૉર્મિંગ જે ઍન્ડ કે’ નામની ઇવેન્ટમાં હાજરી આપશે. આ પ્રસંગે તેઓ યુવાનો સાથે વાર્તાલાપ પણ કરશે.