ભારત અને સિંગાપોર વચ્ચે ડિજિટલ ટેક્નૉલૉજી, સેમી-કન્ડક્ટર, હેલ્થ અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં સહયોગ વધારવા પર સહમતી બની હતી
ફાઇલ તસવીર
સિંગાપોરની મુલાકાતે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ત્યાંના વડા પ્રધાન લૉરેન્સ વોન્ગ સાથે કરેલી પ્રતિનિધિ સ્તરની બેઠકમાં બન્ને દેશ વચ્ચે ચાર મહત્ત્વના કરાર કર્યા હતા જેને લીધે હવે ભારતના સિંગાપોર સાથેના સંબંધ વધારે મજબૂત થશે.
ભારત અને સિંગાપોર વચ્ચે ડિજિટલ ટેક્નૉલૉજી, સેમી-કન્ડક્ટર, હેલ્થ અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં સહયોગ વધારવા પર સહમતી બની હતી. ડિજિટલ ટેક્નૉલૉજીમાં બન્ને દેશ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI), સાઇબર સિક્યૉરિટી, 5G, સુપર કમ્પ્યુટિંગ, ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)માં એકબીજાને સહયોગ કરશે. આ સિવાય આપણા દેશમાં સેમી-કન્ડક્ટર ઇકોસિસ્ટમ મજબૂત કરવા માટે સેમી-કન્ડક્ટર ક્લસ્ટર બનાવવામાં આવશે અને સેમી-કન્ડક્ટરની ડિઝાઇન અને ઉત્પાદન માટે લોકોને એજ્યુકેટ કરવામાં આવશે. સિંગાપોર આના માટે પણ ભારતને સહકાર આપશે.
ADVERTISEMENT
સિંગાપોરના વડા પ્રધાન લૉરેન્સ વોન્ગને મળ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય મૂળના પ્રેસિડન્ટ થર્મન શનમુગરત્નમને પણ મળ્યા હતા.
સિંગાપોરમાં સાંસ્કૃતિક કેન્દ્ર શરૂ કરશે ભારત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપોરમાં તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી હતી. પીએમની આ જાહેરાત બાદ ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે સિંગાપોરમાં તામિળ ભાષા, સભ્યતા અને સંસ્કૃતિને પ્રમોટ કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ.