બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ શકે છે, જે અત્યારે ઉત્તરપશ્ચિમ દિશામાં ૧૬ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે આગળ વધી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર
ચક્રવાત અસાનીથી ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે હવામાન ખાતાએ ગઈ કાલે એમ પણ જણાવ્યું હતું કે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ તોફાન આગામી થોડા કલાકોમાં વધારે તીવ્ર બને એવી શક્યતા છે. આ તોફાન ઓડિશા કે આંધ્ર પ્રદેશના કાંઠે આવી પહોંચે એવી ઓછી શક્યતા છે.
બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ શકે છે, જે અત્યારે ઉત્તરપશ્ચિમ દિશામાં ૧૬ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે આગળ વધી રહ્યું છે. ૯ મેએ ૧૦પથી ૧૧૫ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફુંકાઈ શકે છે.
અમુક વિસ્તારોમાં મંગળવારે સાંજથી વરસાદ પડી શકે છે. ઓડિશાના ત્રણ જિલ્લા-ગજપતિ, ગંજમ અને પુરીમાં વરસાદ માટેની યલો વૉર્નિંગ આપવામાં આવી છે.
કલકત્તા મ્યુનિસિપલ કૉર્પોરેશને એના કર્મચારીઓ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટીમને અલર્ટ પર રાખી છે. આ ચક્રવાતના કારણે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાવાની શક્યતાને ધ્યાનમાં લઈને તમામ કર્મચારીઓની રજાઓ કૅન્સલ કરવામાં આવી છે.