દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભારતના સપૂત મુકેશકુમાર ગામીતનું થયું અદકેરું સન્માન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મુકેશકુમાર ગામીતનું શૌર્યચક્ર પુરસ્કારથી સન્માન થયું હતું
શ્રીનગરના દરબાગ ખાતે આતંકવાદીને ઠાર કરનાર તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના મુકેશકુમાર ગામીતનું શૌર્યચક્ર પુરસ્કારથી સન્માન થયું છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૦૨૪ની પાંચમી જુલાઈએ યોજાયેલા સન્માન સમારોહમાં દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ભારતના સપૂત મુકેશકુમાર ગામીતનું શૌર્યચક્ર પુરસ્કારથી અદકેરું સન્માન થયું હતું.
સી.આર.પી.એફ.ના કૉન્સ્ટેબલ મુકેશકુમાર ગામીતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘વર્ષ ૨૦૨૧માં મને ક્વિક ઍક્શન ટીમમાં સામેલ કરાયો હતો. ૨૦૨૧ની ૧૯ ડિસેમ્બરે શ્રીનગરના દરબાગ ખાતે સર્ચ ઑપરેશનમાં મકાનમાં છુપાયેલા એક આતંકવાદી દ્વારા થઈ રહેલા અંધાધૂંધ ફાયરિંગ દરમ્યાન અમે જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા. આતંકવાદીની નજીક પહોંચતાં પોતાના સાથી જવાનને ગોળીબારથી બચાવવા આતંકવાદીની રાઇફલનું બેરલ ઉપરની તરફ કરીને તેનો સામનો કર્યો હતો. આતંકવાદી જમીન પર ગ્રેનેડ ફેંકીને ઘરની બારીમાંથી બહાર ભાગ્યો હતો જેનો પીછો કરીને તેને ઠાર કર્યો હતો.’
ADVERTISEMENT
મુકેશકુમાર ગામીતને મળેલું શૌર્યચક્ર સટિફિકેટ
અસાધારણ વીરતા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શૌર્યચક્ર પુરસ્કારથી સન્માનિત થયેલા મુકેશકુમાર ગામીતે A++ કૅટેગરીના આતંકવાદીને ઠાર કર્યો હતો. મિનિસ્ટ્રી ઑફ હોમ અફેર્સ દ્વારા સમયાંતરે આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓના લિસ્ટને અપડેટ કરીને આ કૅટેગરી નક્કી કરવામાં આવે છે.

