યુદ્ધ રોકવા સામે ઊભા થયેલા સવાલો વિશે ભારતીય સેનાના ભૂતપૂર્વ વડા જનરલ નરવણેએ કહ્યું...
ભારતીય સેનાના ભૂતપૂર્વ વડા જનરલ મનોજ મુકુંદ નરવણે
ભારતીય સેનાના ભૂતપૂર્વ વડા જનરલ મનોજ મુકુંદ નરવણેએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા પર ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નોની નિંદા કરી હતી. રવિવારે પુણેમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ‘યુદ્ધ રોમૅન્ટિક નથી અને એ બૉલીવુડ ફિલ્મ નથી. આ એક ગંભીર બાબત છે. લોકો પૂછી રહ્યા છે કે અમે સંપૂર્ણ રીતે યુદ્ધ શા માટે ન કર્યું. સૈન્યની એક વ્યક્તિ તરીકે જો આદેશ આપવામાં આવે છે તો હું યુદ્ધમાં જઈશ, પરંતુ એ મારી પહેલી પસંદ નહીં હોય. રાજદ્વારી વાતચીત મારી પહેલી પસંદગી હશે.’
જનરલ નરવણેએ વધુમાં જણાવ્યું હતું કે ‘સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં આઘાત છે જેમાં એવાં બાળકોનો પણ સમાવેશ થાય છે જેમણે ગોળીબાર જોયો છે અને રાત્રે આશ્રયસ્થાનોમાં ભાગવું પડ્યું છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના માટે એ કાયમી સમસ્યા બની જાય છે. તેઓ પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર નામના રોગનો ભોગ પણ બને છે. જે લોકોએ ભયાનક દૃશ્યો જોયાં છે તેમને ૨૦ વર્ષ પછી પણ પરસેવો વળે છે અને તેમને મનોચિકિત્સકની જરૂર પડે છે.’

