બેન્ચે જણાવ્યું હતું કે ‘આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. આખરે એ આપણા બંધારણની વિરુદ્ધ છે

સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : બળપૂર્વક ધર્મપરિવર્તન ગંભીર મુદ્દો હોવાની વાત પર ફરી ભાર મૂકતાં સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જણાવ્યું હતું કે એ બંધારણની વિરુદ્ધ છે. અદાલત ગિફ્ટ્સ અને આર્થિક લાભ દ્વારા લલચાવીને છેતરપિંડી, ધમકી કે ડરાવીને કપટપૂર્વક કરાવાતા ધર્મપરિવર્તનને કન્ટ્રોલ કરવા માટે કેન્દ્ર અને રાજ્યોને આદેશ આપવાની માગણી કરતી ઍડ્વોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરી રહી હતી. કેન્દ્ર સરકારે અદાલતને જણાવ્યું હતું કે આવી ખોટી રીતે કરાતા ધર્મપરિવર્તન બાબતે રાજ્યો પાસેથી એ માહિતી મેળવી રહી છે.
આ પણ વાંચો : ધાર્મિક સ્વતંત્રતામાં ધર્મપરિવર્તનના અધિકારનો સમાવેશ નથી
જસ્ટિસ એમઆર શાહ અને સીટી રવિકુમારની બેન્ચ સમક્ષ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મુદ્દે વિસ્તૃત માહિતી પૂરી પાડવા માટે સમય માગ્યો હતો. આ બેન્ચે જણાવ્યું હતું કે ‘આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. આખરે એ આપણા બંધારણની વિરુદ્ધ છે. ભારતમાં જ્યારે દરેક જણ રહેતા હોય ત્યારે તેમણે ભારતની સંસ્કૃતિ અનુસાર કામ કરવું પડે.’