° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


દેશની દીકરીએ દમ તોડ્યો

29 December, 2012 06:09 AM IST |

દેશની દીકરીએ દમ તોડ્યો

દેશની દીકરીએ દમ તોડ્યો

૧૬ ડિસેમ્બરની રાતે અત્યંત પાશïવી ગૅન્ગ-રેપનો ભોગ બની ચાલતી બસમાંથી બહાર ફેંકાયા પછી સતત ૧૩ દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ ૨૩ વર્ષની મેડિકલ સ્ટુડન્ટે ગઈ કાલે સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલમાં દમ તોડ્યો હતો. જેનું નામ પણ કોઈને ખબર નથી એવી આ યુવતીના મોતથી સરેરાશ ભારતીયોએ પોતાની સ્વજન ગુમાવી હોય એવી લાગણી અનુભવી હતી. રાજકારણ અને બૉલીવુડની હસ્તીઓએ યુવતીના મોતને દેશ માટે શરમની વાત ગણાવી હતી. ગઈ કાલે ભારતીય સમય મુજબ રાતે સવાબે વાગ્યે એકથી વધુ અંગો કામ કરતાં બંધ થઈ જતાં તથા મગજમાં રક્તસ્ત્રાવને લીધે સિંગાપોરની હૉસ્પિટલમાં યુવતીનું મોત થયું હતું. જોકે એ પહેલાં ૧૩ દિવસ સુધી દિલ્હી અને સિંગાપોરની હૉસ્પિટલના ડૉક્ટરોએ તેને બચાવવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા.  

દેશભરમાં શાંતિપૂર્ણ દેખાવો


દિલ્હી, મુંબઈ, કલકત્તા, બૅન્ગલોર, હૈદરાબાદ અને અમદાવાદ સહિત દેશનાં તમામ નાનાં-મોટાં શહેરોમાં હજારોની સંખ્યામાં લોકોએ શાંતિપૂર્ણ દેખાવો કરીને યુવતીને શ્રદ્ધાંજલિ આપી હતી. દિલ્હીમાં મોટી સંખ્યામાં લોકો જંતરમંતરમાં એકઠા થયા હતા અને ચોટદાર મેસેજ સાથેનાં બૅનર્સ-પ્લૅકાર્ડ દર્શાવીને શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા. ગઈ કાલે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીથી જ્યાંથી યુવતીએ બસ પકડી હતી એ મુનીરકા બસસ્ટૅન્ડ સુધી મૌન રૅલી યોજાઈ હતી અને એમાં સેંકડો સ્ટુડન્ટ્સ તથા સામાન્ય લોકો જોડાયા હતા. તે યુવતીના મોતના સમાચાર જાહેર થતાં દિલ્હીમાં સવારથી લોકો જંતરમંતર આવવા માંડ્યા હતા. દિલ્હી પોલીસે ગઈ કાલે ઇન્ડિયા ગેટ સહિતના વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરીને પાંચથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે દેખાવકારોએ પોલીસના આવા નિર્ણયની ટીકા કરી હતી.

દિલ્હીમાં મેટ્રો સ્ટેશનો બંધ

યુવતીના મોતની ખબર આવતાં દિલ્હીમાં ગઈ કાલે હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી હતી તથા ૧૦ મેટ્રો સ્ટેશનો બંધ રાખવામાં આવ્યાં હતાં. આજે રવિવારે પણ આંદોલનકારીઓને ઇન્ડિયા ગેટ સહિતનાં સ્થળોએ આવતાં રોકવા મેટ્રો સ્ટેશનો બંધ રાખવામાં આવ્યાં છે. દિલ્હી પોલીસે ગઈ કાલે તમામ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. પોલીસે એવી ચેતવણી આપી હતી કે શાંતિપૂર્ણ દેખાવો દરમ્યાન કેટલાંક અસામાજિક તkવો અશાંતિ ફેલાવવાનો પ્રયાસ પણ કરી શકે છે.

ભારે હૈયે શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આ યુવતીને ‘ડૉટર ઑફ ઇન્ડિયા’ ગણાવીને તેની હિંમતને બિરદાવી હતી, તો વડા પ્રધાન મનમોહન સિંહે ખાતરી આપી હતી કે તેની ફાઇટ અધૂરી નહીં રહે. રાજકારણથી લઈને બૉલીવુડ સુધીના તમામ વર્ગની ટોચની હસ્તીઓએ ભારે હૈયે યુવતીને અત્યંત લાગણીશીલ શ્રદ્ધાંજલિ આપી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલીએ કહ્યું હતું કે આજે આપણું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ આંખમાં આંસુ સાથે કહ્યું હતું કે આજે દરેક ભારતીય પોતાની દીકરી કે બહેન ગુમાવી હોય એવું ફીલ કરી રહ્યો છે. 

સુષમા સ્વરાજે ફાંસી માગી

આ યુવતી પર પાશવી બળાત્કાર કરનારા તમામ છ આરોપીઓ સામે ગઈ કાલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. બીજેપીના નેતા અને લોકસભામાં વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજે ગઈ કાલે બળાત્કારના આરોપીઓને મોતની સજા આપવાની માગણી કરી હતી. સ્વરાજે માત્ર આ એક કેસમાં જ નહીં, બળાત્કારના અન્ય તમામ આરોપીઓને પણ મોતની સજા ફટકારવાની માગણી કરી હતી. 

યુવતીની અંતિમક્રિયા વતનમાં થશે : ટીવી-ચૅનલો કવરેજ નહીં કરે

૨૩ વર્ષની યુવતીના મૃતદેહને ભારત લાવવા માટે ગઈ કાલે ઍર ઇન્ડિયાનું ખાસ વિમાન સિંગાપોર રવાના કરવામાં આવ્યું હતું. મૃતદેહ સાથે યુવતીનાં માતા-પિતા હતાં. તેમની ઇચ્છા મુજબ મૃતદેહને સીધો ઉત્તર પ્રદેશના બલિયા શહેરમાં તેમના વતન લઈ જવામાં આવશે અને ત્યાં જ અંતિમક્રિયા કરવામાં આવશે. ગઈ કાલે ટીવી-ચૅનલોના સંગઠન બ્રૉડકાસ્ટ એડિટર્સ અસોસિએશને (બીઈએ) ન્યુઝ-ચૅનલોને યુવતીની અંતિમક્રિયાનું કવરેજ નહીં કરવાની અપીલ કરી હતી. યુવતીની ઓળખ ગુપ્ત રહે એ હેતુસર બીઈએ દ્વારા આ અપીલ કરવામાં આવી હતી. યુવતીના પરિવારજનોની પણ ઇચ્છા હતી કે આ અંતિમક્રિયા ખાનગી રહે.

યુવતીને સિંગાપોર ખસેડવાના નિર્ણય સામે ઇન્ડિયન મેડિકલ અસોસિએશને સવાલો કર્યા


ગૅન્ગ-રેપનો ભોગ બનેલી ૨૩ વર્ષની યુવતીને અત્યંત ગંભીર અવસ્થામાં સિંગાપોર ખસેડવાના નિર્ણય સામે કાલે ઇન્ડિયન મેડિકલ અસોસિએશને (આઇએમએ) સવાલો કર્યા હતા. અસોસિએશને સરકારને સવાલ પૂછ્યો હતો કે શું આ નિર્ણય મેડિકલ કારણોસર લેવાયો હતો કે અન્ય કોઈ કારણોસર? અનેક સિનિયર ડૉક્ટરોએ યુવતીને ખસેડવાનો નિર્ણય રાજકીય કારણોસર લેવાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. આઇએમએના પ્રમુખ કે. વિજયકુમારે કહ્યું હતું કે ‘ભારતીય હૉસ્પિટલોમાં પણ લેટેસ્ટ તમામ ઉપકરણો અને સુવિધાઓ મોજૂદ છે ત્યારે યુવતીને સિંગાપોર ખસેડવાના નિર્ણય સામે અનેક સવાલો પેદા થાય છે. આ પ્રકારના કેસ હૅન્ડલ કરવા માટે ભારતીય ડૉક્ટરો સંપૂર્ણ સક્ષમ છે.’

આઇએમએના સેક્રેટરી ડૉ. નરેન્દ્ર સૈનીએ પણ કહ્યું હતું કે ગંભીર અવસ્થામાં પેશન્ટને ટ્રાન્સફર કરવો સુરક્ષિત નથી.

દિલ્હીની હૉસ્પિટલમાં મંગળવારે આવેલો હાર્ટ-અટૅક જીવલેણ પુરવાર થયો

મગજમાં રક્તસ્ત્રાવ વધી ગયો જે તેના મોતનું મુખ્ય કારણ હતું


સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલમાં ગઈ કાલે સ્થાનિક સમય પ્રમાણે સવારે ૪.૧૫ વાગ્યે અને ભારતીય સમય પ્રમાણે ૨.૧૫ વાગ્યે ગૅન્ગ-રેપનો ભોગ બનેલી ૨૩ વર્ષની યુવતીનું મોત થયું હતું. હૉસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું હતું કે મગજમાં રક્તસ્ત્રાવ વધી જતાં ઑક્સિજન મળવાનું બંધ થઈ ગયું હતું જે યુવતીના મોતનું મુખ્ય કારણ હતું. યુવતીને ગુરુવારે સિંગાપોર લાવવામાં આવી એ પહેલાં દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં મંગળવારે તેને હાર્ટ-અટૅક આવ્યો હતો જેને કારણે મગજનો રક્તસ્ત્રાવ વધુ સિરિયસ થયો હતો.

સિંગાપોરની હૉસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું હતું કે મગજમાં રક્તસ્ત્રાવને કારણે યુવતીને સેરેબ્રલ એડીમા થયો હતો. આ સ્થિતિમાં મગજના મહત્વના ભાગમાં વધુ પ્રમાણમાં પાણી ભરાઈ જાય છે. યુવતીને મંગળવારે દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં હાર્ટ-અટૅક આવ્યો હતો. એ પછી બુધવારે રાત્રે તેને સ્પેશ્યલ ચાર્ટર્ડ પ્લેનમાં સિંગાપોર ખસેડવામાં આવી હતી. તે ગુરુવારે સવારે છ વાગ્યે સિંગાપોરની હૉસ્પિટલમાં પહોંચી હતી. આ સમયગાળા દરમ્યાન તેની હાલત અત્યંત સિરિયસ હતી. શુક્રવારે સાંજે માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલના ડૉક્ટરોએ યુવતીની હાલતને અત્યંત ગંભીર ગણાવતાં કહ્યું હતું કે તેના શરીરનાં એકથી વધુ મહત્વનાં અંગો કામ કરતાં બંધ થયા હોવાના સંકેત મળ્યાં છે. ૧૬ ડિસેમ્બરે રાત્રે થયેલી ગૅન્ગ-રેપની ઘટના બાદ સતત ૧૨ દિવસ સુધી દિલ્હી અને સિંગાપોરની હૉસ્પિટલના ડૉક્ટરોએ યુવતીને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા. એક દિવસ પહેલાં યુવતીના પિતાએ પણ કહ્યું હતું કે મારી દીકરીને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે.

બળાત્કારીઓ સામે હવે મર્ડરનો પણ ચાર્જ : તિહાર જેલમાં તેમની સુરક્ષા વધી

૨૩ વર્ષની યુવતીને ૧૬ ડિસેમ્બરે પાશવી બળાત્કાર બાદ ચાલતી બસમાંથી બહાર ફેંકી દેનારા તમામ છ આરોપીઓ પર કાલે દિલ્હી પોલીસે મર્ડરનો ચાર્જ પણ ઉમેર્યો હતો. પોલીસે કહ્યું હતું કે આરોપીઓને સખતમાં સખત સજા મળે એ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં પોલીસ ત્રીજી જાન્યુઆરીએ ચાર્જશીટ ફાઇલ કરશે. દિલ્હી પોલીસના સ્પેશ્યલ કમિશનર ઑફ પોલીસ ધર્મેન્દ્ર કુમારે કહ્યું હતું કે ‘યુવતીના મોતથી સમગ્ર દેશની સાથે પોલીસને પણ અત્યંત દુ:ખ થયું છે. અમારી સહાનુભૂતિ બહાદુર યુવતીના પરિવારજનો સાથે છે.’

આ તરફ તમામ છ આરોપીઓને જ્યાં રાખવામાં આવ્યા છે એ દિલ્હીની તિહાર જેલમાં ગઈ કાલે તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ ગૅન્ગ-રેપની ઘટનાથી ગુસ્સે થયેલા જેલના અન્ય કેદીઓએ બે આરોપી મુકેશ અને રામસિંહને માર માર્યો હતો. આ ઘટના પછી આરોપીઓને અલગ રાખવામાં આવ્યા હતા. ગઈ કાલે યુવતીના મોતના સમાચાર આવ્યા બાદ તમામ આરોપીઓને હાઈ સિક્યૉરિટી વિભાગમાં રાખવામાં આવ્યા છે. તિહાર જેલનાં સૂત્રોએ કહ્યું હતું કે ‘યુવતીના મોતના ખબર મળતાંની સાથે જ આરોપીઓના ચહેરા પર ડરના ભાવ જોવા મળ્યાં હતા. તમામ આરોપીઓને અન્ય કેદીઓથી દૂર રાખવામાં આવ્યા છે, પણ આ કેદીઓ તેમને અવારનવાર ગાળો આપતા રહે છે.’29 December, 2012 06:09 AM IST |

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

કોવૅક્સિન અને કોવિશીલ્ડ બંને રસી પાંચ જ મિનિટમાં અપાઈ

પટનામાં આ ગોટાળો : મહિલા ડૉક્ટરોની નિગરાની હેઠળ

20 June, 2021 10:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

રફાલ જેટ્સ ૨૦૨૨ સુધીમાં ઍરફોર્સમાં સામેલ થઈ જશે

કોરોના રોગચાળા સંબંધી કારણસર એકાદ-બે વિમાનોની ડિલિવરી સ‍હેજ મોડી પડી શકે અન્યથા એ ઇન્ડક્શન પ્લાન બરાબર પૂર્વયોજના અનુસાર પાર પડશે.

20 June, 2021 09:02 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કોરોના વાઇરસનાં ભારતમાં ૧૨૦થી વધુ મ્યુટેશન, ૮ સૌથી વધુ ખતરનાક

વેરિઅન્ટના શરૂઆતના રિપોર્ટનાં પરિણામ ખૂબ ચોંકાવનારાં છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ભારતમાં ડેલ્ટા સાથે કાપા વેરિઅન્ટ પણ છે.

20 June, 2021 08:07 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK