સ્વાતિ માલિવાલ વાસ્તવિક પરિસ્થિતિનો અંદાજ મેળવવા માટે દિલ્હીની સ્ટ્રીટ્સ પર હતાં

આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની કારને જપ્ત કરવામાં આવી છે. દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષ સ્વાતિ માલિવાલ (જમણે)
નવી દિલ્હી : દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષ સ્વાતિ માલિવાલની સાથે ગઈ કાલે વહેલી સવારે રોડ પર ખરાબ વ્યવહાર થયો હતો અને નશામાં ધૂત એક ડ્રાઇવરે કાર સાથે ૧૫ મીટર સુધી તેમને ઘસેડ્યાં હતાં. આ કેસમાં ૪૭ વર્ષના એક પુરુષની ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હીમાં એઇમ્સ હૉસ્પિટલ પાસે સ્વાતિને પરેશાન કરવામાં આવ્યાં હતાં અને તેમને કારની સાથે ઘસેડવામાં આવ્યાં હતાં. સ્વાતિ વાસ્તવિક પરિસ્થિતિનો અંદાજ મેળવવા માટે દિલ્હીની સ્ટ્રીટ્સ પર હતાં.
તેમણે પોલીસને જણાવ્યું હતું કે બપોરે ૩.૧૧ વાગ્યે એક બલેનો કારમાં હરીશ ચન્દ્ર નામનો એક શખસ તેમની પાસે આવ્યો હતો અને તેમને કારમાં બેસવા માટે કહેતો રહ્યો હતો. તેણે ખૂબ જ નશો કર્યો હતો.
આ પણ વાંચો : ઇન્ડિગોની ફ્લાઇટનો ઇમર્જન્સી ડોર એમપી તેજસ્વીએ ખોલી નાખ્યો હતો?
સ્વાતિએ જ્યારે ના પાડી ત્યારે તે શખસ ત્યાંથી જતો રહ્યો, પરંતુ યુ-ટર્ન લઈને તે સાંકડી લેનથી પાછો આવ્યો હતો.
જ્યારે આ વ્યક્તિએ સ્વાતિને તેની કારમાં બેસવા માટે આગ્રહ કર્યો હતો ત્યારે સ્વાતિએ તેને પકડવા માટે કારની બારીમાંથી હાથ અંદર નાખ્યો હતો, પરંતુ આ વ્યક્તિએ કાચ ઉપર કરી દેતાં સ્વાતિનો હાથ ફસાઈ ગયો હતો.
સ્વાતિની ટીમ દૂર રાહ જોતી હતી. તે વ્યક્તિ સ્વાતિને લગભગ ૧૫ મીટર સુધી ઘસડીને ડ્રાઇવ કરતો રહ્યો હતો. એ પછી સ્વાતિએ પોતાની જાતને મુક્ત કરી. તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેની કારને જપ્ત કરવામાં આવી છે.