Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તેલને બદલે પાણી અને સિલિન્ડરને બદલે લાકડાં

તેલને બદલે પાણી અને સિલિન્ડરને બદલે લાકડાં

06 August, 2022 08:12 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસના વિરોધ-પ્રદર્શનમાં મહિલા કાર્યકરોએ નોખી રીતે મોંઘવારીનો વિરોધ કર્યો, ભાવવધારાના વિરોધમાં પાર્ટીના બ્લૅક ફ્રાઇડે પ્રદર્શનમાં કૉન્ગ્રેસના કાર્યકરો કાળાં કપડાં પહેરીને આવ્યા : રાહુલની અટકાયત, પ્રિયંકાને રીતસર ટિંગાટોળી કરીને લઈ જવાયાં

નવી દિલ્હીમાં ગઈ કાલે સંસદ ખાતે કાળાં વસ્ત્રો પહેરીને મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સરકારનો વિરોધ કરી રહેલાં કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમ જ આ પાર્ટીના અન્ય સંસદસભ્યો.

નવી દિલ્હીમાં ગઈ કાલે સંસદ ખાતે કાળાં વસ્ત્રો પહેરીને મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સરકારનો વિરોધ કરી રહેલાં કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમ જ આ પાર્ટીના અન્ય સંસદસભ્યો.


કૉન્ગ્રેસે ગઈ કાલે બ્લૅક ફ્રાઇડે મનાવીને અનેક મુદ્દે કેન્દ્ર સરકારનો આક્રમક રીતે વિરોધ કર્યો હતો. મોંઘવારી, બેરોજગારી અને આવશ્યક વસ્તુઓ પર જીએસટીના વધારા જેવા અનેક મુદ્દા વિરુદ્ધ દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયની બહાર જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો. કૉન્ગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયત કરવામાં આવી હતી.
પાર્ટીનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમ જ કૉન્ગ્રેસના અનેક સંસદસભ્યો કાળાં કપડાં પહેરી સંસદમાં આવ્યાં હતાં.

આ વિરોધ-પ્રદર્શન દરમ્યાન પ્રિયંકા ગાંધીનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પ્રિયંકા કૉન્ગ્રેસની ઑફિસની બહાર સિક્યૉરિટી બૅરિકેડ પર ચડીને બીજી તરફ પહોંચી ગયાં હતાં. એ વખતે મહિલા પોલીસ-કર્મચારીઓએ તેમને ઘેરી લીધાં હતાં. એ પછી તેઓ રસ્તા પર જ ધરણાં પર બેસી ગયાં હતાં. આખરે તેમની ટિંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી.  



દિલ્હી પોલીસ અટકાયત કરવામાં આવેલા કૉન્ગ્રેસના નેતાઓને કિંગ્સવે કૅમ્પ પોલીસલાઇન લઈ ગઈ હતી. ત્યાં મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ અને રણજિત રંજન સહિત અનેક કૉન્ગ્રેસી સંસદસભ્યોને લાવવામાં આવ્યાં હતાં. રાહુલે આરોપ કર્યો હતો કે પાર્ટીના અનેક સંસદસભ્યો સાથે પોલીસે મારામારી કરી હતી.


વાસ્તવમાં કૉન્ગ્રેસ કાર્યકારી કમિટીના મેમ્બર્સ અને સિનિયર નેતાઓ વડા પ્રધાનના નિવાસસ્થાનને ઘેરવાના હતા અને લોકસભા તથા રાજ્યસભાના સંસદસભ્યો સંસદમાંથી રાષ્ટ્રપતિભવન તરફ કૂચ કરવાના હતા.

આ વિરોધ-પ્રદર્શનમાં મહિલા કાર્યકરોની નોખી રીત જોવા મળી હતી. તેઓ તેલને બદલે પાણી અને સિલિન્ડરને બદલે લાકડાંનો ઉપયોગ કરીને જમવાનું બનાવતી જોવા મળી હતી. આ મહિલા કાર્યકરોએ જણાવ્યું હતું કે ‘અચ્છે દિન’ની રાહ જોતાં-જોતાં લોકો થાકી ગયા.


દેશમાં લોકશાહીની હત્યા કરવામાં આવી : રાહુલ

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે કૉન્ગ્રેસના વિરોધ-પ્રદર્શન પહેલાં મીડિયા સાથેની વાતચીતમાં આરોપ મૂક્યો હતો કે ‘દેશમાં લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. જે લોકશાહી ૭૦ વર્ષમાં ઊભી કરવામાં આવી હતી એને છેલ્લાં આઠ વર્ષમાં ખલાસ કરી દેવામાં આવી છે. આજે દેશમાં માત્ર ચાર જણની સરમુખત્યારશાહી છે. અમે મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા ઇચ્છીએ છીએ, પરંતુ અમને જેલમાં નાખવામાં આવે છે. સંસદમાં અમને ચર્ચામાં ભાગ લેવા દેવામાં આવતો નથી. અમારી સરકાર હતી ત્યારે કેન્દ્રીય એજન્સીઓ અને અન્ય બંધારણીય સંસ્થાઓ તટસ્થ રહેતી હતી. તેમની જ મદદથી વિપક્ષ ઊભો થાય છે. જોકે બીજેપી સરકારે તમામ એજન્સીઓ અને સંસ્થાઓને પોતાના નિયંત્રણમાં કરી લીધી છે. હું જેટલું સાચ્ચું કહીશ એટલું મારા પર આક્રમણ થતું રહેશે.’

રાહુલ, તમારી પાર્ટીમાં કોઈ લોકશાહી છે?: રવિશંકર

બીજેપીના નેતા રવિશંકર પ્રસાદે રાહુલના આરોપોનો જવાબ આપતાં ઇમર્જન્સીનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીનાં દાદીએ મીડિયા પર પ્રતિબંધ મૂક્યા હતા. એ લોકો આજે લોકશાહી વિશે અમને સલાહ આપે છે. રાહુલ ગાંધી, તમે મારા એક સવાલનો જવાબ આપો કે તમારી પાર્ટીમાં કોઈ લોકશાહી છે? કૉન્ગ્રેસમાં સારા નેતાઓ છે, એ માત્ર સોનિયા, રાહુલ અને પ્રિયંકાની પાર્ટી છે. લોકોએ તમને રિજેક્ટ કર્યાં છે તો અમે એ માટે કેવી રીતે જવાબદાર ગણાઈએ? આજે ડિફેન્સ ડીલમાં કોઈ કટકી લેતું નથી. મધ્યસ્થીઓ માટે રસ્તો બંધ થઈ ગયો છે. રાહુલ ગાંધી કહે છે કે તેઓ હંમેશાં સાચું બોલે છે, પણ તેઓ જામીન પર શા માટે છે? આજે દેશને જણાવવાની જરૂર છે કે ‘નૅશનલ હેરાલ્ડ’નો મામલો શું છે, જેમાં છેતરપિંડી અને કાવતરાનો આરોપ છે.’

Whatsapp-channel Whatsapp-channel

06 August, 2022 08:12 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK